Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

ત્વમક્ષરં પરમં વેદિતવ્યં ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતનસ્ત્વં પુરુષો મતો મે ॥ ૧૮॥

ત્વમ્ અક્ષરમ્ પરમમ્ વેદિતવ્યમ્ ત્વમ્ અસ્ય વિશ્વસ્ય પરમ્ નિધાનમ્

ત્વમ્ અવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા સનાતન: ત્વમ્ પુરુષ: મત: મે

માટે હે પ્રભુ !

નિધાનમ્ - આશ્રય (છો)

ત્વમ્ - આપ

શાશ્વતધર્મગોપ્તા - નિરંતર ધર્મ - રક્ષક છો (તથા)

ત્વમ્ - આપ

સનાતન: - અનાદિ

અવ્યયઃ - અનંત

પુરુષ: - પુરુષ છો (એવો)

મે - મારો

મત: - મત (છે)

ત્વમ્ - આપ

વેદિતવ્યમ્ - જાણવા યોગ્ય

પરમમ્ - પરમ

અક્ષરમ્ - અવિનાશી (પરમાત્મા) (છો)

ત્વમ્ - આપ

અસ્ય - આ

વિશ્વસ્ય - જગતના

પરમ્ - પરમ

આપ જાણવા યોગ્ય પરમ અક્ષર (પરબ્રહ્મ) છો; આપ આ વિશ્વના પરમ આશ્રયસ્થાન છો; આપ અવિનાશી તથા શાશ્વત ધર્મના રક્ષક સનાતન પુરુષ છો; એમ હું માનું છું. (૧૮)

ભાવાર્થ:

આ શ્લોકમાં અર્જુન અત્યંત વિનમ્ર બની ગયો છે. વિનમ્રતા જ્ઞાનપ્રાપ્તિ માટેની પ્રથમ શરત છે. અને તે જ્ઞાનપ્રાપ્તિનું પરિણામ પણ છે. મતો મે - મારો મત છે તેનો અર્થ હું સાચો જ છું તેવો મારો આગ્રહ નથી. પ્રાચીન ઋષિઓની પણ આવી વિનમ્ર વાણી જોવા મળે છે. ફલાણા ઋષિએ ફલાણા ઋષિને આવું જ પૂછેલું તેના જવાબમાં ફલાણા ઋષિએ ફલાણા ઋષિને આવું કહેલું તેની પાસેથી મે આવું સાંભળેલું તે તમને હું કહું છું, આનું નામ નમ્રતા.

હિન્દુ - મુસલમાન - જૈન - ખ્રિસ્તી ધર્મવાળા પોતાનો જ ધર્મ સાચો છે તેવું ઠસાવવા અનેક જાતના કારણો (કાવાદાવા) રજૂ કરે છે. પરંતુ શ્રીકૃષ્ણને પૂછો તો કહેશે કે -

ઇતિ મે મત: યથેચ્છસિ તથા કુરુ ॥ (ગીતા - ૧૮/૬૩)

મારે તો આ મત (અભિપ્રાય) છે. પછી તો તારી જેવી ઈચ્છા હોય તેમ કર.

મહાવીરને પૂછો - આત્મા છે? તો તે કહેશે કે કેટલાક લોકોનો મત છે કે આત્મા છે અને કેટલાક લોકોનો મત છે કે આત્મા નથી અને કેટલાક લોકોનો મત છે કે આત્મા છે કે નહીં તે કહી શકાય નહીં અને આ ત્રણેયનો મત કેટલેક અંશે સાચો પણ છે. મોટામાં મોટા અસત્યમાં પણ થોડુંઘણું સત્ય તો હોવાનું જ અને એટલું સત્ય તો આપણે પકડી લેવું જ. અને મોટામાં મોટા સત્યમાં પણ સત્ય કહેનાર વ્યક્તિનો થોડોઘણો અહંકાર પ્રવેશ કરી જાય છે અને એટલા પૂરતું અસત્ય અંદર ઘુસી જાય છે તેટલા અસત્યને છોડી દેવું.

સારમ્ તતો ગ્રાહ્યમ અપાસ્ય અલઘુ |

હંસૈ યથા ક્ષીરમ્ ઇવ અમ્બુ મધ્યાત।।

એટલા માટે ચાર્વાક કહે છે કે "આત્મા નથી" તો તે ઠીક વાત કરે છે. કરોડો લોકોનો પાકો અનુભવ છે કે હું શરીર છું. આત્માનો અનુભવ કોને છે? એટલું સત્ય તો છે ને? અને જો આપણે લોકતંત્રના હિસાબે વિચારીએ તો શરીરવાદીનો જ મત જીતે. આત્મવાદી કેવી રીતે જીતે - અનુભવ વગર ? કદાચ કરોડોમાંથી કોઈકને એકાદને અનુભવ થયો હશે કે આત્મા છે. બાકીના બીજા બધાને તો એ જ પાકો અનુભવ છે કે હું શરીર જ છું એટલા માટે આ મતને ભારતીય વિચારકોએ બે સુંદર નામ એનાયત કર્યા - ચાર્વાક અને લોકાયત.

લોકાયતનો અર્થ છે જે લોકમાન્ય છે - જેનો લોકોમાં અત્યંત પ્રભાવ છે. વસ્તી ગણતરી વખતે લોકો ભલે પોતાને હિન્દુ - મુસ્લિમ - ખ્રિસ્તી - જૈન લખાવતા હોય. કોઈ પોતાને ચાર્વાકવાદી લખાવતા નથી. પરંતુ વાસ્તવમાં કહે છે કે ૯૯.૯૯૯૯૯ ટકા લોકો ચાર્વાકવાદી - દેહવાદી - શરીરવાદી છે - આત્મવાદી નથી. સમજીને અગર તો નાસમજમાં પણ સર્વાધિક લોકો ચાર્વાકવાદી જ છે. જેઓની પાસે પોતાનો નિજી પાકો અનુભવ છે કે હું શરીર જ છું - ઇન્દ્રિયો છે તેથી વિશેષ કાંઈ નથી અને ઇન્દ્રિયોના ભોગો એ જ જીવન છે. ચાર્વાકવાદીઓના કોઈ મઠ, મંદિર, કે સાધુ દેખાતો નથી. પરંતુ આ વાદનું મહાવાક્ય -

યાવત જીવં સુખં જીવેત્ ઋણં કૃત્વા ઘૃતં પિબેત ।

ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ॥

આ મહાવાક્ય પ્રમાણે દુનિયાના ૯૯ ટકા લોકો જીવન જીવે છે. એટલે દુનિયાના કોઈ પણ ધર્મ કરતા ચાર્વાકવાદના અનુયાયીઓ વધારેમાં વધારે છે અને વગર પ્રચારે - વગર મહેનતે દુનિયાના ૯૯ ટકા લોકો આ ધર્મ પાળે છે.

ચાર્વાક શબ્દનો અર્થ થાય છે ચારુ - વાક - મધુર મીઠી વાણી જે અત્યંત રુચિકર લાગે - ઉપર ઉપરથી તો આપણને ઇન્દ્રિયજન્ય સુખોના ઉપભોગની વાતો સારી ના લાગે પરંતુ અંદરખાને પ્રમાણિકપણે જુઓ તો ઇન્દ્રિયજન્ય સુખોપભોગની વાતોથી ગલગલીયા થાય છે.

"ઈશ્વર હવે નથી અને કર્મનો કાયદો હવે નાબૂદ થઇ ગયો છે" એવી જો હકીકત સંપૂર્ણપણે સાબિત થઇ જાય અને તેની સ્પષ્ટ જાહેરાત થઇ જાય તો લોકોના આનંદનો પાર ના રહે. બસ હવે ખાઓ - પીઓ - મજા કરો. જે કરવું હોય તે કરો. સંપૂર્ણ સંપૂર્ણ સ્વતંત્રતા.

“God is dead - Man is free - Everything is permitted.” આવી સો ટકા ખાતરીપૂર્વકની જાહેરાત થાય તો કરોડોમાં કેટલાને કોને દુઃખ થાય તે વિચારો. ઉપર ઉપરથી ગમે તે ડાહી ડાહી સુફિયાણી વાતો કરનારા પણ અંદરખાને ચુસ્ત ચાર્વાકવાદીઓ જ હોય છે.

૧૮ માં શ્લોકમાં અર્જુન ચાર વાતો કરે છે -

૧) ત્વમ્ અક્ષરં પરમં વેદિતવ્યમ

૨) ત્વમ્ અસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્

૩) ત્વમ્ અવ્યય: શાશ્વત ધર્મગોપ્તા

૪) સનાતનસ્ત્વં પુરુષો મતો મે

આપ જ પરમ જાણવા યોગ્ય છો. જાણવા યોગ્ય શું છે? જે ચીજનો જીવનમાં કાંઈપણ ઉપયોગ હોય તે જાણવા યોગ્ય કહેવાય. દા.ત. સાયન્સ જાણવા યોગ્ય છે. કારણ કે તેના વગર મશીનો ના બને - રેલગાડીઓ ના દોડે. રસ્તા, મોટરો, યંત્રો, ટેક્નોલોજી કાંઈ ના બને અને તેના વગર જીવનના સુખ - સુવિધા અસંભવ થઇ જાય. ચિકિત્સાશાસ્ત્ર જાણવા યોગ્ય છે કારણ કે તેના વગર બીમારીઓ ના મટે. જે જે શાસ્ત્રોની કાંઈ ને કાંઈ ઉપયોગીતા છે - Utility હોય છે. તે તમામ શાસ્ત્રો જાણવા યોગ્ય છે. મુખ્ય વસ્તુ ઉપયોગીતા - utility છે એટલા માટે યુવાનો યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સાયન્સ માટે પડાપડી કરે છે. જયારે ફિલોસોફી - દર્શનશાસ્ત્રના વર્ગો ખાલી પડયા છે કારણ કે આજકાલ તેનાથી કાંઈ રોટલા રળાતા નથી.

અર્જુન કહે છે કે એક આપ પરમાત્મા જ પરમ (ultimate) જાણવા યોગ્ય છો. પરમાત્માની આપણા જીવનમાં શી ઉપયોગીતા (utilitarian value) હશે? પરમાત્માને જાણવાથી ન તો પગાર મળે - ન તો વેપારધંધો થાય. તેનાથી યંત્ર - દવાઓ કશુંય ના બને. તો પછી પરમાત્માને જાણીને ફાયદો શું? ખરેખર તો પરમાત્માને જાણવાની કશી જ ઉપયોગીતા - utility દેખાતી નથી. પરમાત્માને જે લોકો બિલકુલ ઓળખાતા નથી - જાણતા નથી. તે લોકો પુષ્કળ અમનચમન અને જીવનમાં લીલાલહેર કરતા દેખાય છે. તેમને માટે પરમાત્મા તો પરમ નિરુપયોગી છે. તેમાં કોઈ ઉપાદેયતા નથી - કોઈ પ્રોફીટ મોટીવ નથી - કોઈ લાભ દેખાતો નથી - તો -

પરમ જાણવા યોગ્ય એટલે શું?

જેને જાણ્યા પછી કાંઈપણ જાણવાનું બાકી જ ના રહે તે પરમ જાણવા યોગ્ય કહેવાય -

યત્ જ્ઞાત્વા નેહભૂયોઽન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે (ગીતા - ૭/૨)

યત્ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત્ (ગીતા - ૯/૧)

જે જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. બાકીનું બધું સાધારણ માત્ર જાણવા યોગ્ય કહેવાય. જે (અલૌકિક) જાણ્યા પછી બીજું બધું (લૌકિક) જાણવા યોગ્ય બાબતો જાણવાની જરુરીયાત જ ના રહે - જાણવાની પીડા જ સમાપ્ત થાય જાય - અજ્ઞાનની પીડા જ ખતમ થઇ જાય - જિજ્ઞાસાનો ઉપદ્રવ જ વિલીન થઇ જાય તેને અર્જુન 'પરમમ વેદિતવ્યમ' અંતિમ ulitmate પરમ જાણવા યોગ્ય કહે છે. જ્યાં સુધી કાંઈપણ જાણવાનું બાકી રહેશે ત્યાં સુધી મનમાં અશાંતિ - તનાવ - tension - ચિંતા રહેવાની. જિજ્ઞાસાશૂન્ય- તણાવરહિત - જે એક પરમતત્ત્વને જાણી લીધું તેણે જ બધું જ જાણી લીધું કહેવાય.

જાણવા યોગ્ય - પામવા - કામના કરવા યોગ્ય એ જ કહેવાય જેને જાણ્યા પછી કાંઈ જ જાણવાનું બાકી ના રહે - કાંઈ પામવાનું બાકી ના રહે અને જ્યાં તમામ કામનાઓનો અંત આવી જાય - અરે ! તમામ કામનાઓ જ્યાં શાંત થઇ જાય. પહોંચવા યોગ્ય એ જ જગ્યા છે કે જ્યાં પહોંચ્યા પછી ક્યાંય બીજે પહોંચવાની જગ્યા જ ના રહે - ના હોય એને ultimate - પરમ અભીપ્સાનું પરમબિંદુ પરમાત્મા કહેવાય - જે આખા જગતનો પરમ આધાર છે - અનાદિ ધર્મના રક્ષક છે અને તે જ અનાદિ સનાતન પુરુષ છે.

તસ્ય અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ |

તમે જ આ જગતના પરમ આધાર છો. આધાર એટલે અધિષ્ઠાન. જેમ પડદાના અધિષ્ઠાન ઉપર પિક્ચર દેખાય છે - રજ્જુનાં અધિષ્ઠાન ઉપર સર્પ દેખાય છે તેમ પરમાત્માના અધિષ્ઠાન ઉપર આખું વિશ્વ દેખાય છે.