હે કુરુવંશી મહાવીર ! મનુષ્યલોકમાં આવા રૂપવાળો હું, વેદો વડે, યજ્ઞો વડે, અધ્યયન વડે, દાન વડે, ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે તારા વિના બીજાથી જોવાને શક્ય નથી. (૪૮)
ભાવાર્થ:
મનુષ્યલોકમાં આ પ્રકારના વિશ્વરૂપવાળો હું વેદોના અધ્યયનથી કે યોગ કરવાથી કે દાન વગેરે ક્રિયાઓથી કે ઉગ્ર તપથી પણ અર્જુન સિવાય બીજા કોઈને દેખાવો શક્ય નથી. કારણ કે વેદાધ્યન - યોગ - યજ્ઞ વગેરે બધી સાધનાઓ - પ્રક્રિયાઓ પોતાના સ્વયં ઉપરના ભરોસાથી થાય છે. જેમાં વ્યક્તિ પોતે કેન્દ્રમાં હોય છે. આ બધો સંકલ્પનો પ્રયોગ છે - સમર્પણનો પ્રયોગ નથી. જયારે અર્જુનની ઘટના સમર્પણની ઘટના છે - સંકલ્પની ઘટના નથી. કોઈ માણસ ગમે તેટલો યોગ સાધે તો તે કૃષ્ણ બની શકે પરંતુ અર્જુન ના બની શકે. એટલા માટે કૃષ્ણને આપણે મહાયોગી કહીએ છીએ. બુદ્ધ-મહાવીરની ક્રિયાઓ - પ્રક્રિયાઓ સંકલ્પની ક્રિયાઓ છે. જે પોતાના સંકલ્પબળથી યોગ દ્વારા એટલા અંતર્મુખ થઇ જાય કે જ્યાં તેમની અંદર છુપાયેલું સત્ત્વતત્ત્વ પ્રગટ થઇ જાય, જયારે અર્જુનની પ્રક્રિયા સમર્પણની પ્રક્રિયા છે જેમાં પોતાને કાંઈ ખોળવાનું નથી. પરંતુ જેને તે જડયું છે - ઉપલબ્ધ થયું છે તેના ચરણમાં સમર્પિત થઇ જવાનું છે.
મીરા - ચૈતન્ય મહાપ્રભુ વગેરેની આ પ્રકારની પ્રક્રિયા છે. પરમાત્માને પામવાના બે માર્ગ છે - એક સંકલ્પથી, બીજો સમર્પણથી. એકને જ્ઞાનમાર્ગ કહે છે. બીજાને ભક્તિમાર્ગ કહે છે. સમર્પણ એટલે Total Submission - Absolute Resignation. નદી પાર કરવાના બે ઉપાય - એક તો બાવડામાં જોર હોય તો નાવને હલેસા મારો અથવા તો પવન અનુકૂળ હોય ત્યારે શઢને ભરાવી દો અને નિશ્ચિન્ત થઈને સમર્પણ કરી દો. અર્જુનને નાવ ચલાવવાનું નથી. કૃષ્ણની હવા (કરુણા) નાવ ચલાવે છે. (મયાનુકૂલને નભસ્વતેરીતમ). અર્જુન તો માત્ર નાવનો શઢ ખુલ્લો કરે છે, જયારે મહાવીર બુદ્ધ બાવડાના જોરે હલેસા મારીને નાવ ચલાવે છે.
અર્જુનમાં એવી કઈ પાત્રતા હતી કે તેને વિશ્વરૂપ દર્શન થયું? તેણે એવું કયું શ્રેષ્ઠ તપ કર્યું? આ સવાલ વિચારવા જેવો છે. ખરેખર તો અર્જુનનું કોઈ તપ નથી. તપની ભાષા અલગ છે. અર્જુનનો પ્રેમ છે - તપ નહીં. તપની ભાષા સંકલ્પની ભાષા છે.
હિન્દુસ્તાનમાં બે સંસ્કૃતિઓ છે. એક આર્ય સંસ્કૃતિ - બીજી શ્રમણ સંસ્કૃતિ. શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બુદ્ધ છે. આર્ય સંસ્કૃતિમાં બાકીના બધા છે. શ્રમણનો અર્થ થાય છે શ્રમ કરીને મેળવવું. તેમાં ચેષ્ટા કરીને - તપ, સાધના, યોગ કરીને મેળવવાનું છે. મફતનું નહીં. પ્રેમથી નથી જોઈતું - શ્રમ કરીને મેળવવાનું. આ એક સોદો છે. જેમાં પોતાની જાતને દાવમાં લગાવવાની છે. મહાવીર પરમ શ્રમણ છે. કહે છે કે બાર વર્ષ સુધીમાં છૂટક છૂટક માત્ર ૩૬૦ દિવસ (એટલે કે એક વર્ષ) તેમણે ભોજન કર્યું. ૧૧ વર્ષ ભૂખ્યા રહ્યા. આ સમર્પણની વિપરીત - સંકલ્પનો માર્ગ છે. આ માર્ગમાં અહંકારને પૂરેપૂરો તપાવવાનો છે - પૂરેપૂરો દાવ ઉપર લગાવવાનો છે. આમાં અહંકારને પહેલેથી છોડવાનો નહીં પરંતુ અહંકારને શુદ્ધ કરવાનો છે. અહંકારને શુદ્ધ કરવાની પ્રક્રિયાને તપ કહે છે. તપતે તપતે જયારે આત્મા પરમાત્મા થઇ જાય - આ શુદ્ધતમ આત્મા જ પરમાત્મા છે. આ માર્ગમાં સોનાને તપાવવાની પ્રક્રિયા છે.
બીજો માર્ગ છે સમર્પણનો. તેમાં તપાવવા વગેરેની ખટપટ નથી. તેમાં સોનાને કચરા સહિત પરમાત્માના ચરણમાં ઢાળી દેવાનું છે - છોડી દેવાનું છે. આ પ્રેમનો માર્ગ છે. તમે ત્યારે જ છોડી શકો જયારે પ્રેમ હોય. સંકલ્પમાં પ્રેમની જરૂર નથી. સમર્પણમાં પ્રેમની જરૂરિયાત છે. અર્જુનનો પ્રેમ છે કૃષ્ણથી ગહન અને એ જ એની પાત્રતા છે. આવા પ્રેમમાં અર્જુન એ સીમા સુધી તૈયાર છે કે પોતાને તમામ રીતે absolutely તે કૃષ્ણના ચરણમાં છોડી દે છે. દર્દીને દવાથી દર્દ મટાડતા પહેલા ડોક્ટર તેને ઊંઘવાની દવા આપે છે. જેથી કરીને ઊંઘમાં તે દર્દને છોડી દે છે - અને પ્રકૃતિને તેનું કામ કરવા દે છે. જાગ્રતમાં દર્દી દર્દને જોરથી પકડી રાખે છે. પ્રેમ એક પ્રકારની જાગ્રત નિદ્રા (સુષુપ્તિ) છે એટલા માટે પ્રેમ સમાધિ બની જાય છે. ધ્યાન કરવામાં મહેનત પડે છે. પ્રેમમાં શ્રમ નથી - સમર્પણ છે. જીવનમાં જે કાંઈ મહત્વપૂર્ણ છે તે છોડવાની કળાથી મળે છે. ત્યાગાત્ શાંતિ: અનંતરમ્ |
ઊંઘ લાવવા માટે પણ ચેષ્ટા કરશો તો ઊંઘ નહીં આવે. ચેષ્ટા કરવાનું છોડી દેશો તો ઊંઘ આપોઆપ અચાનક આવી જશે. બુદ્ધિ વિચારો કરતી હશે ત્યાં લગી ઊંઘ નહીં આવે. એટલા માટે બુદ્ધિશાળી માણસ ઊંઘી શકતો નથી. બુદ્ધિને પણ વિદાય કરી દો - છોડી દો - વિચાર પણ છોડી દો તો જ ઊંઘ આવે. કેટલીક વસ્તુઓ એવી છે કે જેને માટે તમે પ્રયાસ કરો તો ઉલટું પરિણામ આવે. તેને Law of reverse effect કહે છે. ઊંઘની બાબતમાં આ નિયમ લાગુ થાય છે. ઊંઘ એક ગહન ચીજ છે. જે તમારા હાથમાં નથી. પરમાત્મા તો એથી પણ વધારે ગહન છે. ઊંઘ તો પ્રકૃતિ છે. પરમાત્મા તો પ્રકૃતિથી પણ પર છે. તે બિલકુલ તમારા હાથમાં નથી. હવા પકડવા મૂઠી વાળશો તો મૂઠીમાં રહેલી હવા પણ છટકી જશે. મૂઠી ખુલ્લી રાખશો તો આકાશ સુધીની હવા તમારી હથેળીમાં રહેશે.
પરમાત્માને પકડવાની - ખોળવાની ચેષ્ટા ના કરશો. તમે માત્ર તમારી જાતને એની ઉપર છોડી દો - જેવી રીતે ઊંઘમાં તમે છોડી દો છો તેમ - માત્ર નિયતિને માનનારા જ પૂરું સમર્પણ કરી શકે છે. પોતાના પુરુષાર્થ ઉપર મુસ્તાક રહેનારા સમર્પણ કરી શકતા નથી. એનો અર્થ એવો નથી કે પુરુષાર્થ નકામો છે. ભૌતિક જગતમાં તે કામમાં આવે પરંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ પણ ટૂંકો પડે. એટલા માટે અર્જુને કોઈ તપ નથી કર્યું. ખરેખરે તો પ્રેમ પણ એક પ્રકારનું તપ જ છે. કારણ કે પ્રેમમાં પણ પ્રેમી પ્રેમની આગમાં એટલો જ જલતો હોય છે, બળતો હોય છે, તડપતો હોય છે. સાધારણ આગ ઉપર ઉપર બળતી હોય છે. જયારે પ્રેમની આગ તો છેક અંતઃકરણની રાખ કરી નાખે છે. પ્રેમમાર્ગમાં પ્રેમી ભગવાનને કહે છે કે હું નિ:સહાય છું. તું મને બેઠો કર. જયારે તપના માર્ગમાં ઈશ્વરને માનવાની કોઈ જરૂર નથી. મહાવીર - બુદ્ધ અને પ્રાચીન યોગસૂત્રો ઈશ્વરને માનવાનું અનિવાર્ય ગણતા નથી. જયારે પ્રેમ માર્ગમાં તો ઈશ્વરને માનીને જ ચાલવું પડે અને સમર્પણથી પરમ અનુભૂતિને પ્રાપ્ત કરી શકાય. બાકીની બધી સાધનાઓની મહેનત તો પોતાની બૂટની દોરી પકડીને ઉભા થવાની કોશિશ કરવા જેવું છે.
કૃષ્ણની સામે અર્જુનની એક માત્ર યોગ્યતા છે કે તેં પૂરેપૂરો પોતાની જાતને કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી શક્યો. જીવતો માણસ ડૂબી જાય પરંતુ મડદાને નદી નહીં ડુબાડી શકે. મુડદાંની ખૂબી - પાત્રતા એ છે કે તે નદીમાં પોતાને પૂરેપૂરી રીતે છોડી દે છે. નદી સાથે લડાઈ - સંઘર્ષ નથી. નદી સાથે - સામે જે લડે તે ડૂબે. નદીમાં મડદા જેવા તમે થઇ જાઓ તો તમે પણ અર્જુન થઇ શકો. પછી તમે સંસાર - સાગરમાં ડૂબો નહીં. સંસાર - સાગર તમને ડુબાડી શકે નહીં.