મારા પર અનુગ્રહ કરવા માટે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું. આપના એ વચનોથી મારો મોહ નષ્ટ થઇ ગયો છે. (૧)
ભાવાર્થ:
મદનુગ્રહાય
મારા પર કૃપા કરીને, એકલા શ્રમથી જ નહીં, પરંતુ પરમાત્માના અનુગ્રહથી ગુહ્ય અધ્યાત્મ સમજાય. તેમ છતાં પરમાત્માના અનુગ્રહની પાત્રતા પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવો જ પડે. આળસુ માણસ અનુગ્રહને પાત્ર નથી. તમે કુપાત્ર નથી, પરંતુ અપાત્ર છો. પ્રભુની સન્મુખ થઇ જાઓ તો પાત્ર બની જશો અને તેને ચાહશો તો સુપાત્ર બની જશો.
પરમમ્ ગુહ્યમ્
એટલે અતિગુપ્ત - અતિગૂઢ - અતિસૂક્ષ્મ
ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ॥ (ગીતા - ૧૫/૨૦)
ઇતિ તે જ્ઞાનમાખ્યાતં ગુહ્યાદ્ગુહ્યતરં મયા ।। (ગીતા - ૧૮/૬૩)
અધ્યાત્મસંજ્ઞિતમ્
આત્મા - પરમાત્મા - બ્રહ્મના સ્વરૂપના સંબંધમાં અને તેને સંબંધી બાબતોના સંબંધમાં જે વિચાર - વચન કહેવાય અને જે વિદ્યા અપાય તેને "અધ્યાત્મ" કહેવાય. અધ્યાત્મજ્ઞાન - આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે
પ્રણિપાતેન - પરિપ્રશ્નેન - સેવયા (ગીતા - ૪/3૪)
નમ્રતા, સેવા અને જિજ્ઞાસાથી પ્રાપ્ત થાય અને
શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ (ગીતા - ૪/3૯)
તેને માટે શ્રદ્ધા, સંયમ અને અખંડ જાગૃતિ રાખવી પડે.
આ શ્લોકમાં અર્જુન કૃતજ્ઞતાપૂર્વક વિનંતી કરે છે -
મોહ: અયમ્ વિગત: મમ
મોહ વિગત થયો એટલે કે ઢીલો પડયો પરંતુ હજુ પૂરેપૂરો નષ્ટ નથી થયો. દસમા અધ્યાય સુધીના ઉપદેશથી મોહનાશનું પ્રભાત થયું અને અંતે ૧૮માં અધ્યાયમાં
"નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાત્" (ગીતા ૧૮/૭૩)
માં મોહનાશનો સર્વોદય થયો (વિનોબા). ત્યારે અર્જુન બોલ્યો કે
"કરિષ્યે વચનં તવ"
હું તમારું કહ્યું કરીશ.