Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તાલ્લોકાન્સમગ્રાન્વદનૈર્જ્વલદ્ભિઃ ।
તેજોભિરાપૂર્ય જગત્સમગ્રં ભાસસ્તવોગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો ॥ ૩૦॥

લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તાત્ લોકાન્ સમગ્રાન્ વદનૈ: જ્વલદ્ભિ:

તેજોભિ: આપૂર્ય જગત્ સમગ્રમ્ ભાસ: તવ ઉગ્રાઃ પ્રતપન્તિ વિષ્ણો

તવ - આપનો

ઉગ્રાઃ - ઉગ્ર

ભાસ: - પ્રકાશ

સમગ્રમ્ - સંપૂર્ણ

જગત્ - જગતને

તેજોભિ: - તેજ વડે

આપૂર્ય - પરિપૂર્ણ કરી

પ્રતપન્તિ - તપાવે છે.

વિષ્ણો - હે વિષ્ણુ !

સમગ્રાન્ - સઘળા

લોકાન્ - લોકોને

જ્વલદ્ભિ: - પ્રજ્વલિત

વદનૈ: - મુખો વડે

ગ્રસમાનઃ - ગ્રાસ કરતા

સમન્તાત્ - ચારે બાજુથી (આપ)

લેલિહ્યસે - ચાટી રહ્યા છો

આપનાં પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકોને બધી તરફથી ગ્રાસ કરતા આપ ચાટી રહ્યા છો. હે વિષ્ણુ ! આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈ તપી રહ્યો છે. (૩૦)

ભાવાર્થ:

પતંગિયા જેમ કૂદી કૂદીને દીવાની સળગતી જ્યોતમાં પડે છે, બળે છે અને મરે છે તેવી રીતે રજોગુણી, તમોગુણી જીવો મૃત્યુના મુખમાં ઉછળી ઉછળીને પડે છે, બળે છે અને મરે છે.

આગળના પતંગિયા અગ્નિમાં કૂદીને પડતા અને બળી મરતા જોઈ રહેવા છતાં બીજા પતંગિયાને ભાન પડતું નથી કે મારા પણ આવા જ હાલહવાલ થશે. મોતના મુખમાં પડવા માટે બધા પતંગિયા જાણે કે એકબીજાની પ્રતિસ્પર્ધા કરતા હોય તેમ કોણ મોતના મુખમાં વહેલું પડે છે તેને માટે દોડાદોડ કરે છે અને તે પણ અત્યંત વેગપૂર્વક, એટલા અહંકાર અને વેગથી દરેક વ્યક્તિ મોતના મુખમાં પડવા ઉતાવળ કરે છે જાણે કે તેમને જરાપણ ખબર જ નથી કે હું મોત તરફ દોડી રહ્યો છું. જાણે કે કોઈ શોભાયાત્રામાં સાજ - સજાવટ કરીને જતા હોય તેવું લાગે છે. અને આપના પ્રજ્વલિત મુખ દ્વારા આપ સમગ્ર વિશ્વને ત્રણે લોકને ચાટતા ચાટતા ગળી જાઓ છો અને આપના મુખના અગ્નિની લપટો ચારે બાજુ સમગ્ર જગતમાં પ્રસરી રહી છે. આપના ઉગ્ર તેજથી સમગ્ર વિશ્વ તપાયમાન થઇ રહ્યું છે. - તપી રહ્યું છે - બળી રહ્યું છે - ભસ્મ થઇ રહ્યું છે. રજોગુણી - તમોગુણી જીવો પતંગિયાની માફક મોતના મોઢામાં પડે છે - બળે છે - મરે છે.

એટલા માટે ગુજરાતી સંત કવિઓ કહે છે -

જતી રહેશે કાલ જવાની રે - છાકે છે શાને

શોભીતો તેં તો માન્યો છે દેહ તારો સાચો, છે કાયા ઘડુલો કાચો રે - છાકે છે શાને

કોઈ દાડો તેં તો પડવાની ધારી નથી કાયા, પણ એ તો વાદળની છાયા રે - છાકે છે શાને

બળી જશે જોતજોતામાં દેહ મૂર્ખ તારો, જ્યમ વીજળીનો ઝબકારો રે - છાકે છે શાને

થોડો ફાટી જા કુણ છે ધોરી રે - પ્રાણીયા પાપી રે

પ્રભુ જાણે છે ચિત્તની ચોરી રે - પ્રાણીયા પાપી રે

કાંક તારાથી પુણ્યવાન પાડો રે - પ્રાણીયા પાપી રે

તે તો વાળી નાખ્યો આંક આડો રે - પ્રાણીયા પાપી રે

શ્વાન તારાથી બાપડા સારા રે - પ્રાણીયા પાપી રે

તુચ્છ તેનાથી કર્મ છે તારા રે - પ્રાણીયા પાપી રે

કુળ ઉંચુ ને કામ તારા કાળા રે - પ્રાણીયા પાપી રે

હૈયે વાસ્યા છે ટંકશાળી તાળા રે - પ્રાણીયા પાપી રે

રુદે રોશન વાળે વેણ રૂડાં રે - પ્રાણીયા પાપી રે

શઠ ભોળા ને કાટલાં કુડા રે - પ્રાણીયા પાપી રે

પશુ પાડમાં મનુષ્ય દેહ પામી રે - પ્રાણીયા પાપી રે

ખરેખાત એક પુંછડાની ખામી રે - પ્રાણીયા પાપી રે

નથી રસનાનો સ્વાદ કાંઈ રોક્યો રે - પ્રાણીયા પાપી રે

માલ મફતનો ખાઈ પંડ પોંખ્યો રે - પ્રાણીયા પાપી રે

ટેવ ભૂંડી ને તાણીયા ટીલા રે - પ્રાણીયા પાપી રે

ઢોર ભડકેને ભોળવાય ભીલા રે - પ્રાણીયા પાપી રે

**

માને છે મારું મારું રે જાગીને જોને, તલભાર નથી કાંઈ તારું રે જાગીને જો ને

માણેકને મોતી કેરી દુકાનો જેણે માંડી, હીંડયા તે લઈ ફૂટી હાંડી રે - જાગીને

ભંડાર ધનના ભરીયા ભુપાળે બઝવી ભાલા, તે ચાલ્યા ઠાલામાલા રે - જાગીને

કીર્તિઓ જેના નાણાંની સંભળાતી કાને, તે સુતા જઈ સમશાને રે - જાગીને

સંચરતા હાથી ઘોડા હજારો જેની સાથે, તે હીંડયા ખાલી હાથે રે - જાગીને

સંસાર સઘળો દેખીને ડરતો જેની શેહમાં, તે પોઢ્યા જઈને ચેહમાં રે - જાગીને

મનસૂબો તે તો ધાર્યો છે દેહ મારે મોટો, તે તો પાણીનો પરપોટો રે - જાગીને

જો ને લ્યા સૂતા સમશાને કૈક તારા જેવા, નવ કોઈ રહ્યા સુખ લેવા રે - જાગીને

હજારો ઉપર હુકમ ચલાવતા હાકેમડા, તેને ઝડપી ચાલ્યા જમડા રે - જાગીને

કીધા હોય હાથે કરીને દાન પુણ્ય કોડે, તે જાય જીવની જોડે રે - જાગીને

**

માયા માયા કરતો મૂરખ, ઠામ ઠરી નવ બેઠો જોને

સંતસભામાં સ્નેહ ના રાખ્યો, પાપસભામાં પેઠો જોને

અલ્પ જીવનને આશા લાંબી, કૌતુક આ તે કેવું જોને

ફાંસી દેતા ચડ્યું ફુલેકુ, આ જગનું સુખ એવું જોને

તલવાર ઉપર મધનું ટીપું, જીભડી જુદી થાશે જોને

વરણાગીમાં વાંકો ચાલે, જમડા ઝાલી જાશે જોને

કીડા શીરમાં કૂતરું દોડે, ઝંપે નહિ તે જરીયે જોને

વિષય વળુંદો વલખા મારે, ડૂબ્યો દુઃખના દરિયે જોને

કલાલ કેરા ઘરનો ઉંદર, દારૂ પીને ડોલે જોને

પટાક દઈને મીંદડી પકડે, ચુ ચુ કરતો મરશે જોને

ભાદરવાનો ભીંડો તે તો, વિલાઈ જાશે વહેલો જોને

ધન જોબનના ધમધમાટમાં, ગર્વ કરે છે ઘેલો જોને

ખારા રણમાં ખૂંટલ પ્રાણી, મૃગજળ દેખી મોહ્યો જોને

કરમફુટાએ રામ રટ્યા નહીં, અજગળ આંચળ દોહયા જોને

માથા ઉપર મ્હોત ભમે છે, પટાક પકડી જાશે જોને

મનનાં ધાર્યા મનમાં રહેશે, અવળા પડશે પાસા જોને

ક્યાંથી આવ્યો ક્યાં જાવાનો, તપાસ કરને તેની જોને

શોધી કાઢ તું સદ્દગુરુ જ્ઞાની, ઉકેલ પાડે એનો જોને

સો મણ તેલે સૂઝ પડે નહીં, અણદીવે અંધારું જોને

જ્ઞાન વિના બહુ ગોથા ખાધા, વળગ્યા હું ને મારુ જોને

ડહાપણ આખા જગનું ડહોળ્યું, દ્રષ્ટિ નિર્મલ ના'વી જોને

વાટે ઘાટે વઢતો હીંડયો, ફોગટ ફજેતી ફાવી જોને

આ ખોળિયાને સૂગ ન આવે, ભટકે ભૂંડે ઠામ જોને

વંઠેલ જીવને વિચાર ના'વે, કરતા કાળા કામ જોને

ટીલું કરતા ત્રેપન વીત્યા, ભૂંડી વાણી ભાખી જોને

શ્વાન પૂંછડી સોએ વરસે, કાઢે ત્યારે વાંકી જોને

કાશી જાત્રા કરી કાગડે, વિષ્ટા રહી ગઈ વહાલી જોને

અનંત જન્મનું અજ્ઞાન વળગ્યું, દેખ્યા દુઃખના દા'ડા જોને

સ્વપ્ને સાચા સદ્દગુરુ ના મળ્યા, વંઠેલ મળીયા વાડા જોને

તે માટે આથડે અભાગી ચોરાસીનાં ચાકે જોને

અશુભ કર્મનો પાર ન આવ્યો, છળગા હજીયે છાકે જોને

કોક પુણ્યના યોગે કરીને, નરતન મળીયું નાવ જોને

ખેવટીયાને ખોળી જુઓ, લાખેણો છે લા'વ જોને

રસ્તે જાતા રત્ન ચિંતામણી, મળીયો તેને માણી જોને

ભીખારણ થઇ સ્વપ્ને ભોગી, રાજા કેરી રાણી જોને

જાગી જુએ તો ઝૂંપડી દીઠી, ઓઝલ ના મળે એકે જોને

મનખા ટાણું મટી જાશે તો, દુઃખના દા'ડા દેખે જોને

અક્કરમીને અમૃત લાધ્યું, પીતા આળસ આણી જોને

ઢળી ગયું ને ધ્રુસકે રૂંવે, કામ થયું ધૂળધાણી જોને

આ ભવ હારે મુરખો એવો, ભાગ્ય વિના ભમરાળ જોને

ખટ જોજનની ખેપ કરીને, ગોધે ખેંચી ધાણી જોને

સદ્દગુરુ વિના સાધન શીખ્યો, પથ્થર ઉપર પાણી જોને

દમડા માટે દેશ વિદેશે, ચિંતા લઈને ચાલે જોને

ઉંટહાઠની આશા જેવી, શિયાળવાને સાલે જોને

દેશ ભૂલીને અવળે દેશે, ધમધમ કરતો ધાયો જોને

મનમાં જાણે મજલ કરું છું, દેખીતો છું ડાહ્યો જોને

પરગામ જઈને છોભો પડીયો, પનોતી પગને પુણી જોને

સદ્ગુરુ કેરા સંગ વગરનો, અક્કલ એવી ઉણી જોને

સાધન કરતા સિતેંર વીત્યા, સમજણ રહી ગઈ છેટે જોને

અંતરદ્રષ્ટિ જરા ન આવી, ભગવાન ક્યાંથી ભેટે જોને

ચતુરાઈમાં શીદને ચમકે, સુગરી તુંજથી સારી જોને

મધનો પૂડો માંખ બનાવે, જાળી જગથી ન્યારી જોને

રામ ચરણમાં રઢ નવ લાગી ફાંફા માર્યા ફોગટ જોને

***

તારે માથે કોપી રહ્યો કાળ રે - ઊંઘ તને કેમ આવે

પાણી પહેલા બાંધી લેને પાળ રે - ઊંઘ તને કેમ આવે

નથી એક ઘડીનો નિરધાર રે - ઊંઘ તને કેમ આવે

આ તો સ્વપ્ના જેવો સંસાર રે - ઊંઘ તને કેમ આવે

અલ્યા એળે ગયો અવતાર રે - ઊંઘ તને કેમ આવે

તારે માથે છે જમ કેરો ભાર રે - ઊંઘ તને કેમ આવે

તારા મનનું ધાર્યું થાશે ધૂળ રે - ઊંઘ તને કેમ આવે

ચાર કિલોમાં કવીન્ટલની ભૂલ રે - ઊંઘ તને કેમ આવે

કરી આવ્યો તું ગર્ભમાં કોલ રે - ઊંઘ તને કેમ આવે

થોલ આવેલું થાય છે કથોલ રે - ઊંઘ તને કેમ આવે

જોતા જોતા આયુષ્ય ઘટી જાય રે - ઊંઘ તને કેમ આવે

તારા ડા'પણમાં લાગી લાહ્ય રે - ઊંઘ તને કેમ આવે

કાંઠે આવેલું બુડશે જહાજ રે - ઊંઘ તને કેમ આવે

તારે કાજે કહે છે રૂષિરાજ રે - ઊંઘ તને કેમ આવે