હે દેવોના ઈશ્વર ! દાઢોથી ભયંકર અને પ્રલય-કાળના અગ્નિ જેવા આપના મોઢા જોઈ હું દિગ્મૂઢ થઇ ગયો છું, મને ચેન પડતું નથી; માટે હે જગન્નિવાસ! આપ પ્રસન્ન થાઓ. (૨૫)
ભાવાર્થ:
વિકરાળ દાઢોવાળું અને પ્રલયકારી અગ્નિના જેવું પ્રજ્વલિત મુખ જોઈને અર્જુનને હવે દિશાભ્રમ થઇ ગયો છે. તેનું માથું ગુમ થઇ ગયું છે. અને કઈ દિશા કઈ તરફ આવી તેનું પણ ભાન ભૂલી ગયો છે. ગભરાટમાં અને ગભરાટમાં તે કહે છે કે હે દેવેશ ! હે જગન્નિવાસ ! પ્રસીદ પ્રસન્ન થાઓ.
જ્યાં સુધી આપણી અમુક જ ધારણા બંધાઈ ગઈ હોય કે પરમાત્મા અમુક જ રૂપવાળા હોય - હોવા જોઈએ ત્યાં સુધી આપણે પરમાત્માને સમગ્રતયા નહીં સમજી શકીએ. પરમાત્માને પૂરેપૂરા જાણવા હોય તો તમારી પરમાત્મા સંબંધી અમુક પ્રકારની રૂઢ થઇ ગયેલી ધારણાઓને છોડી દેવી જોઈએ. તે વખતે હિન્દૂ - મુસલમાન - ખ્રિસ્તી - જૈન વગેરે ધારણાઓને અલગ કરી દેવી જોઈએ. અને તમારે પરમાત્માની સામે બિલકુલ શૂન્ય થઈને ઉભા રહી જવું પડે અને જે સ્વરૂપે હોય તે સ્વરૂપે - વિકરાળ - મૃત્યુ જે કોઈ હોય તે સ્વરૂપે પરમાત્માને માટે રાજી રહેવું જોઈએ. જયારે પણ કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં રાજી થઇ જાય તે વખતે પરમાત્માનું સુંદર અને વિકરાળ બંને વિપરીત દ્વંદ્વાત્મક રૂપો ખોવાઈ જાય - ભેદ મટી જાય અને ત્યારે જે અનુભવ થાય તેને બ્રહ્મ અનુભવ - બ્રહ્માનુભૂતિ કહેવાય.
અર્જુનથી આવું ભયંકર રૂપ નથી જોઈ શકાતું તેથી ભગવાનને પ્રસન્ન થવાનું કહે છે - એટલે કે મને જેવું ગમે તેવા સ્વરૂપવાળા થાઓ. ભક્ત ભગવાનને પોતાની ઈચ્છા મુજબ પોતાને ગમે તેવા રૂપવાળા નિર્માણ કરે છે - સજાવે છે - તમને ગમે તેવો હું થાઉં તેમ કહેવાને બદલે મને ગમે તેવા તમે થાઓ એમ ભક્ત ભગવાનને કહી શકે છે.
તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લ્યો હાથ.