Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્ ।
સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્ ॥ ૧૧॥

દિવ્યમાલ્યામ્બરધરમ્ દિવ્યગન્ધાનુલેપનમ્

સર્વાશ્ચર્યમયમ્ દેવમ્ અનન્તમ્ વિશ્વતોમુખમ્

વળી,

સર્વાશ્ચર્યમયમ્ - સર્વ પ્રકારના આશ્વર્યોથી ભરેલું

દેવમ્ - પ્રકાશવાળું

અનન્તમ્ - અપાર

વિશ્વતોમુખમ્ - ચોતરફ મુખોવાળું (છે)

દિવ્યમાલ્યામ્બરધરમ્ - દિવ્યમાળા અને વસ્ત્રોને ધારણ કરેલું (અને)

દિવ્યગન્ધાનુલેપનમ્ - દિવ્ય ગંધોનું લેપન કરેલું

દિવ્ય માળા અને વસ્ત્રોને ધારણ કરેલું અને દિવ્ય ગંધોનું લેપન કરેલું સર્વ પ્રકારના આશ્વર્યોથી ભરેલું પ્રકાશવાળું અપાર ચોતરફ મુખોવાળું છે. (૧૧)

ભાવાર્થ

સંજય પરમાત્માના સ્વરૂપ વર્ણન કરે છે. બધાય રૂપ પરમાત્માના જ છે. સુંદર રૂપ પરમાત્માનું છે. એટલું જ નહિ, વિકરાળ - ભયંકર રૂપ પણ પરમાત્માનું જ છે. ભલાઈ - બુરાઈ બધા ભાવો પરમાત્માના જ છે. પરમાત્મા બહુ જ સમર્થ અને ભલા છે તો તે બધી બુરાઈઓને કેમ નષ્ટ કરતા નથી તે સવાલ જ ખોટો છે. જન્મ - મરણ, પાપ - પુણ્ય એ બધા અદ્વૈત પરમાત્માના જ રૂપો છે.

કૃષ્ણે પોતાના સ્વરૂપોનો પહેલો પડદો ઉચક્યો તેમાં ઐશ્વર્ય, માહાત્મ્ય, સૌંદર્ય, પ્રીતિકર સ્વરૂપ બતાવ્યું જેમાં અર્જુનને ડૂબી જવાની, આલિંગન કરવાની, લીન થઇ જવાની, એક થઇ જવાની ઈચ્છા થાય અને વધુ રૂપ જોવા માટે માનસિક રીતે તૈયાર (Mentally prepared) થઇ જાય. દિવ્ય શસ્ત્રો અનેક હાથોમાં ઉઠાવેલા છે તેવું દર્શન કરાવ્યું જે ક્ષત્રિય સ્વભાવના અર્જુનને ગમે. દિવ્ય માળાઓ - દિવ્ય વસ્ત્રો - દિવ્ય સુગંધીથી અનુલેપન કરેલું એવું રૂપ બતાવ્યું જેમાં પ્રવેશ કરવાની અર્જુનને રુચિ થાય. જેવી રીતે જૈનોને - શિવભક્તોને કપડાં વગરના તપસ્વી મહાવીર - શંકરનું રૂપ રુચિકર લાગે તેમ અર્જુનને પરમાત્માનું ઉપરોક્ત સ્વરૂપ રુચિકર લાગે તેવું બતાવ્યું. ભક્તને જે ભાવ રુચિકર લાગે તે ભાવ પ્રમાણે પરમાત્માના સ્વરૂપમાં પ્રવેશ કરવાનું તેને સરળ પડે.