શ્રીકેશવનાં આ વચન સાંભળીને, બે હાથ જોડી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી બીતા બીતા ગદ્દગદ કંઠે ફરી આ પ્રમાણે કહ્યું. (૩૫)
ભાવાર્થ:
સંજય ધ્રુતરાષ્ટ્ર્ને કહે છે કે -
ઉપર પ્રમાણે ભગવાનનો જવાબ સાંભળીને અર્જુન હાથ જોડીને નમસ્કાર કરીને ભયભીત થયેલો ધ્રૂજતો ધ્રૂજતો ગદ્દગદ્દ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો.
અર્જુન ધ્રુજી ઉઠયો અને તેના રુંવેરુંવાં કંપી ઉઠયા કારણ કે ભવિષ્યની ઝલક બહુ ખતરનાક હોય છે. કદાચ એટલા માટે જ પ્રકૃતિ આપણને ભવિષ્ય માટે અંધારામાં રાખે છે. નહીં તો જીવવું બહુ જ મુશ્કેલ થઇ જાય. આપણે જોઈએ છીએ કે ઘોડાગાડીમાં જોડેલા ઘોડાની આંખે તેની બંને બાજુ (ભૂત - ભવિષ્ય) ડાભલા ચઢાવવામાં આવે છે. નહીં તો તે ઘોડો સીધો (વર્તમાનમાં) ના ચાલી શકે. કારણ કે ડાભલા ના ચડાવ્યા હોય તો તે બંને બાજુ (ભૂત - ભવિષ્ય) જોઈ શકે તો તેને ચક્કર આવે અને તેથી તેને સીધા (વર્તમાનમાં) ચાલવામાં અડચણ પડે. એ પ્રમાણે આપણને જો ભવિષ્ય દેખાઈ જાય તો આપણે વર્તમાન જીવનમાં સીધા ના ચાલી શકીએ. કોઈ માણસ કોઈ સ્ત્રીને અત્યારે કહેતો હોય કે હું તારા ઉપર અત્યંત પ્રેમ કરું છું અને તારા વગર એક સેકન્ડ પણ જીવી શકું તેમ નથી તે માણસને તેનું ભવિષ્ય દેખાડાય કે તે સ્ત્રી મહિના પછી મરી ગઈ અને તે માણસ બીજી બૈરી પરણવા ઘોડે ચઢ્યો છે તો તે માણસ અત્યારે ક્યાં મોઢે કહી શકે કે હું તારા વગર એક સેકન્ડ પણ જીવી નહીં શકું?
ભૂતકાળ - અતીત ભૂલાતો જાય છે અને ભવિષ્ય દેખાતું નથી તેથી જ અત્યારે બરાબર જીવી શકો છો. ભૂતકાળ સતત યાદ રહે અને ભવિષ્ય દેખાઈ જાય તો તમે અત્યારે ને અત્યારે ઠપ થઇ જાઓ. એક ઇંચ પણ હાલી ના શકો. તમારે મરવાની નક્કી તારીખ તમને જણાવાય - ભલેને ૧૫ વર્ષ પછીની - તો તમે ક્યાં ઈરાદાથી મકાન બંધાવો? - શું ઈરાદાથી બેન્ક બેલેન્સ વધારો? - બીજાને ભોગવવા? ક્યાં ઈરાદાથી કોઈની સાથે લડવાડ કરો ? મોત તમારા તમામ ઇરાદાઓને કાપી નાખે અને છતાંય જીવવું તો પડે જ અને તમને ખાતરી થઇ ગઈ કે મારે ૮૦ વર્ષની ઉમર સુધી જખમારીને જીવવું જ પડશે અને મોત તો જેવી રીતે થવાનું છે તેવી રીતે જ થશે - વચમાં આત્મહત્યા પણ નહીં કરાય કારણ કે એ પ્રમાણેનું ભવિષ્ય નક્કી છે - તો તો પછી તમારા હાથપગ અત્યારથી જ કંપવા માંડે અને ધૂજતા ધૂજતા અત્યારથી જ તમારે જીવવાનું થાય. ધાડ આવતા પહેલા વખ (ઝેર) ખાવાનું થાય. જે લોકો બહુ વિચારશીલ હોય - આખો દિવસ વિચારો કર્યા કરતા હોય - વિચારવાયુથી પીડાતા હોય તેમને શરીરના કંપનનું કારણ આ છે.
ભવિષ્ય દેખાતું નથી તેથી જ આપણે નિશ્ચિંન્ત છીએ. દેખી શકીએ તો તો અત્યારથી મહામુસીબત થાય. અર્જુનને ભવિષ્યની એક ઝલક દેખાઈ ગઈ, તે ભયભીત થઇ ગયો છે. અને કંપી ઉઠયો છે. વેપમાન: થયો છે. તે ગદ્દગદિત થયો છે. તેનું પણ કારણ છે, તેને જે ભવિષ્ય દેખાયું તેમાં તે જીતવાનો છે તેથી તે આનંદિત થયો છે. તેને જે દેખાયું આ વિરાટની ઝલક - આ કૃપા - આ સૌભાગ્ય - આ પ્રસાદ - તેથી તે ગદ્દગદિત થઇ ગયો છે. અને આટલો મોટો સંહાર જોઈને તે ભયભીત થઇ ગયો છે. (સગદ્દગદ્દ: ભીતભીતઃ પ્રણમ્ય) એટલે હવે તે નમસ્કાર કરીને સ્તુતિ કરે છે.