આપને તે જ પ્રમાણે મુકુટવાળા, ગદાધારી, અને હાથમાં ચક્રવાળા જોવા હું ઈચ્છું છું. હે હજાર બાહુઓવાળા ! હે વિશ્વમૂર્તે ! આપ તે જ ચતુર્ભુજરૂપે પ્રકટ થાઓ. (૪૬)
ભાવાર્થ
વળી અર્જુન કહે છે કે
પહેલા કદાપિ નહીં જોયેલું એવું આશ્વર્યમય રૂપ મેં અત્યારે જોયું તે જોઈને હું હર્ષિત થયો છું. પરંતુ મારુ મન સાથે સાથે ભયથી વ્યાકુળ થયું છે. માટે હવે આપ પ્રસન્ન થઈને આપનું વિરાટ સ્વરૂપ છોડી દઈને મને આપનું ચતુર્ભુજ સૌમ્ય સ્વરૂપ દેખાડો.
અર્જુન અત્યારે ભારે દ્વિધામાં પડી ગયો છે. એક બાજુ હર્ષિત થયો છે તો બીજી બાજુ ભયથી વ્યથિત થઇ ગયો છે. હર્ષિત થવું - વ્યથિત થવું બંને એક સાથે થાય ત્યારે તે માણસને આપણે પાગલ માનીએ છીએ. અર્જુને જે અદ્ભૂત રૂપ દેખ્યું તે તેનું અહોભાગ્ય છે તેનાથી તે હર્ષિત છે છતાં તે વિરાટ રૂપ જોઈને ગભરાઈ ગયો છે અને કંપી ઉઠયો છે. વિરાટની સામે ઉભો રહે ત્યારે માણસને તેની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. કૂવાની દેડકી જ્યાં સુધી સાગર ના જુએ ત્યાં સુધી તો તે કૂવાને જ મહાસાગર માને છે. તેમાં તેનો દોષ નથી. જયારે દેડકી સાગરને કિનારે જાય ત્યારે ગભરામણ થાય છે. ઉંટ જ્યાં સુધી પર્વત પાસે ના જાય ત્યાં સુધી તે પોતાની જાતને સૌથી ઊંચો જ ગણે છે. પર્વતની પાસે જાય ત્યારે તુલના (Comparison) પેદા થાય છે. અર્જુનની ગભરામણ તુલનાની ગભરામણ છે. આજે પહેલી જ વખત બુંદ સાગર પાસે પહોંચે છે. પહેલી જ વખત 'ન કુછ', 'સબકુછ ' ની સામે ઉભું છે. Nothing faces Everything. પહેલી જ વખત સીમિત અસીમને જુએ છે. Limited faces Unlimited. તેની ગભરામણ છે. અત્યાર સુધી પોતાની જાતને જે મહાન માનતો હતો તે ક્ષુદ્રાતિક્ષુદ્ર સાબિત થયો. નદી સાગરને જયારે મળે છે ત્યારે અતીત ખોવાઈ જાય છે, તેનાથી ભયભીત થાય છે અને અજ્ઞાત વિરાટમાં પ્રવેશ કરે છે, તેથી હર્ષિત પણ થાય છે.
અર્જુન માંગણી કરે છે કે વિરાટ સ્વરૂપ છોડીને ચતુર્ભુજ સૌમ્ય સ્વરૂપ ધારણ કરો. આમ મનની એક વિચિત્ર ગતિવિધિ સમજવા જેવી છે. જે નથી તેની મન માંગણી કરે છે, અને જે છે તેનાથી મુક્ત થવા મન ઉત્સુક થાય છે. જે નથી મળ્યું અગર ખોવાઈ ગયું છે તેને આપણે માંગીએ છીએ પરંતુ જો તે કદાચ મળી ગયું તો પછી તેનાથી રાજી રહેવાની આપણી હિંમત ચાલતી નથી. પરમાત્મા નથી મળ્યા ત્યાં સુધી પરમાત્માને મેળવવા આપણે રાતદિવસ અથાગ પ્રયત્ન કરીએ છે. અને પરમાત્મા મળી જાય તો તેમાં કદાચ લીન થઇ જઈએ અને તેથી આપણું અલગ અસ્તિત્વ ખોઈ બેસીએ તો તે બીકે આપણે પરમાત્માથી દૂર ભાગવાની જ કોશિશ કરીએ એવી આપણી મનોદશા છે. અર્જુનની પણ આવી હાલત છે. આપણે મોક્ષની ચાહના કરીએ છીએ પરંતુ કદાચ મોક્ષ મળી જાય તો પછી આપણું શું થાય? આપણે ક્યાં રહીએ?
આપણે તો તદ્દન મટી જઈએ, સંસાર ખતમ થઇ જાય તે બીકે દેડકીના બચ્ચાંની માફક આપને સંસારના કૂવામાં પાછા કૂદી પડીએ એવી આપણી મનોદશા છે. સંસારમાં પાછું ના અવાય તો ? મોક્ષમાં entrance છે પરંતુ exit નથી તે બીકે આપણે ગભરાઈ જઈએ કારણ કે પછી આપણું હોવાનું કોઈ પ્રયોજન જ ના રહે. મોક્ષમાં બિલકુલ સુખ નહીં - દુઃખ નહીં - પરમ શાંતિ - શાંતિ - શાંતિ અને તે પણ અનંતકાળ સુધી તો પછી આપણે તેવી શાંતિથી વાજ આવી જઈએ - Bore થઇ જઈએ. થોડીકે ય અશાંતિ હોય તો શાંતિ મેળવવાનું અને શાંતિનો અનુભવ કરવાનું મન થાય. પરંતુ મોક્ષમાં તો માત્ર શાંતિ જ શાંતિ તેથી Bore થઇ જવાય. ત્યાં તો એક જ સૂરનું સંગીત વાગે, જેમાં કોઈ ઊંચોનીચો તાલ જ નહીં. ત્યાં સા - રે - ગ - મ - પ - ધ - ની - સા એવા ઉંચાનીચા સ્વર જ નહીં. માત્ર એક જ સ્વર સા - સા - સા - સા - સા - સા - સા વાગ્યા જ કરે અને તે પણ અનંત કાળ સુધી તેનાથી તો થાકી જવાય અને પાછું તેમાંથી બહાર પાછું નીકળાય નહીં તો શું દશા?
મોક્ષ મળ્યા પછી શું કરવું? તો પછી તેના કરતા નર્ક અગર સંસાર શું ખોટો કે જેમાંથી એક દિવસ બહાર તો નીકળી શકાય. બુદ્ધિને સાથે લઈને મોક્ષમાં ચાલ્યા જાઓ તો Bore થઇ જાઓ કારણ કે બુદ્ધિ દ્વંદ્વાત્મક છે. તે એકનું એક (ઘરેડ Monotony) સહન નથી કરી શકતી. તેને બે જોઈએ - કાંઈક ફેરફાર જોઈએ. માટે મોક્ષની અનિવાર્ય શરત એ છે કે બુદ્ધિને મોક્ષના દરવાજા આગળ જ છોડી દેવી. Bore થવા માટે બુદ્ધિ જોઈએ અને ઉબ પેદા થાય છે બુદ્ધિની સાથે. ગાય - ભેંશ વગેરે જાનવરો કદાપિ Bore થતા નથી કારણ કે તેમને બુદ્ધિ નથી. તેથી તેમને એકનું એક કામ અને એકનો એક ખોરાક આપો તો પણ તે Bore નહીં થાય. તેથી ઉલ્ટું બુદ્ધિની પાર ગયેલા મહાવીર, બુદ્ધ - તે પણ Bore નહીં થાય. તેથી તેઓ કાયમ પ્રસન્નતા - પ્રસન્નતા જ અનુભવે છે. કારણ કે તેમણે બુદ્ધિને પરમાત્માના ચરણમાં ગીરો મૂકી દીધી છે. ભેંશ અને ભગવાનની વચમાં આપણા જેવા સામાન્ય માણસો બુદ્ધિને લીધે પરેશાન છીએ. અર્જુન પણ આવી દિક્કતમાં પડી ગયો છે. એટલા માટે મહાન પુરુષો - આર્ષદ્રષ્ટાઓ જેમણે પરમાત્માને વિરાટમાં - નિર્ગુણ નિરાકારમાં જોયો છે તેમણે સામાન્ય બુદ્ધિવાળા માણસો માટે પરમાત્માના સાકાર સ્વરૂપની મૂર્તિઓ નિર્મિત કરી છે. કારણ કે સામાન્ય માણસ જો સીધો એકદમ નિર્ગુણ નિરાકાર - વિરાટમાં પ્રવેશ કરવા જાય તો અર્જુનની માફક તે વિક્ષિપ્ત થઇ જાય - ગભરાઈ જાય. સમય જતા ધીમે ધીમે તે સાકારમાંથી નિરાકારમાં પ્રવેશ કરી શકે.
એટલા માટે અર્જુન એ માંગણી કરે છે કે પ્રભુ ! આપ મૂર્ત બની જાઓ - અમૂર્ત નહીં. આપના સાકાર ચતુર્ભુજ સ્વરૂપને પાછું બતાવો.