Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અમી હિ ત્વાં સુરસઙ્ઘા વિશન્તિ કેચિદ્ભીતાઃ પ્રાઞ્જલયો ગૃણન્તિ ।
સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિસિદ્ધસઙ્ઘાઃ સ્તુવન્તિ ત્વાં સ્તુતિભિઃ પુષ્કલાભિઃ ॥ ૨૧॥

અમી હિ ત્વામ્ સુરસંઘા: વિશન્તિ કેચિત્ ભીતાઃ પ્રાંજલય: ગૃણન્તિ

સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા મહર્ષિસિદ્ધસંઘા: સ્તુવન્તિ ત્વામ્ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ

હે ભગવન ! -

મહર્ષિ - મહર્ષિ અને

સિદ્ધસંઘા: - સિદ્ધોના સમૂહ

સ્વસ્તિ - 'કલ્યાણ થાઓ !'

ઇતિ - એમ

ઉક્ત્વા - કહીને

પુષ્કલાભિઃ - સંપૂર્ણ અર્થબોધક

સ્તુતિભિઃ - સ્તોત્રો વડે

ત્વામ્ - આપની

સ્તુવન્તિ - સ્તુતિ કરે છે.

અમી - તે (સર્વે)

સુરસંઘા: - દેવોના સમૂહ

ત્વામ્ - આપમાં

હિ - જ

વિશન્તિ - પ્રવેશ કરે છે (અને)

ભીતાઃ - ભય પામેલા

કેચિત્ - કેટલાક

પ્રાંજલય: - હાથ જોડીને

ગૃણન્તિ - પ્રાર્થના કરે છે (તથા)

આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે, કેટલાક ભય પામેલા હાથ જોડીને સ્તુતિ કરે છે, મહર્ષિઓ તથા સિદ્ધોના સમૂહો 'સ્વસ્તિ - કલ્યાણ થાઓ', એમ કહી અનેક સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. (૨૧)

ભાવાર્થ:

અર્જુન દેખે છે કે દેવોનો આ સમુદાય પરમાત્મામાં પ્રવેશ કરે છે અને કેટલાક ભયભીત થઈને હાથ જોડીને પરમાત્માનાં નામ અને ગુણોનું ઉચ્ચારણ કરે છે. મહર્ષિ અને સિદ્ધોના સમુદાય 'કલ્યાણ હો - કલ્યાણ હો' એમ ઉચ્ચારણ કરે છે અને ઉત્તમોત્તમ સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરે છે.

મનસવિદો, વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ એમ કહે છે કે ધર્મનો જન્મ ભયમાંથી થયો છે. કેટલેક અંશે તેમની વાત સાચી છે. પ્રકૃતિની શક્તિઓથી માણસ ડરતો હોય છે. નદીઓમાં ભયંકર પૂર આવે, મોટા મોટા પર્વતો ઊંચેથી ગબડે, જ્વાળામુખી ફાટે, ધરતીકંપ થાય, દાવાનળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આવા અનેક આધિભૌતિક અને આધિદૈવિક ઉપદ્રવોનો ડર માણસને લાગે છે અને તેથી જ તે પ્રકૃતિને ફોસલાવવા હાથ જોડીને લાંબી લાંબી સ્તુતિઓ કરતો હોય છે. પરંતુ આ બધા ભયોમાં અસલી ભય તો મોતનો જ હોય છે. મોતના ભયમાં ને ભયમાં જીવન જીવવાની મઝા મરી જાય છે. માણસને જીવવું જ છે - અમર થવું છે - મરવું નથી. અને મોતના ભયમાં ધર્મનો વિચાર પેદા થાય છે. ધર્મથી માણસને જો બરાબર સમજાઈ જાય કે મારામાં એવું પણ એક તત્ત્વ છે જે કદાપિ મરતું જ નથી. અનાદિ, અનંત, અજન્મા - Eternal એવું એક તત્વ છે, જેને આત્મા કહે છે. તે આત્મતત્વ જો અનુભવમાં આવી જાય તો જ માણસ મૃત્યુના ભયમાંથી મુક્ત થઇ શકે અને અભય થઇ શકે. બીજો કોઈ ઉપાય છે જ નહીં.

અભય થાય તો જ તે જીવન જીવવાનો આનંદ માણી શકે. આત્મા એ મૃત્યુની વિપરીત ખોજ છે અને તે માત્ર માનવાની નહીં પરંતુ અનુભૂતિની વસ્તુ છે. દેવો પણ મૃત્યુથી ડરે છે. કારણ કે તેઓ પણ વાસનાની બહાર નથી. જેટલી વાસના વધારે તેટલો અહંકાર વધારે અને તેટલો મૃત્યુનો ડર વધારે. દેવો વધારે ડરે છે કારણ કે તેમની પાસે ખોવાનું પણ વધારે છે. ગરીબ કરતા પૈસાદારને મૃત્યુનો ડર વધારે હોય છે. ઇન્દ્રને મૃત્યુનો ડર વધારેમાં વધારે છે કારણ કે તેની પાસે વધારેમાં વધારે ખોવાનું છે. ઇન્દ્ર વાસનાના શિખર ઉપર બેઠેલો છે. તેથી તેને ગબડવાનો વધારેમાં વધારે ભય છે. ઇન્દ્રનો આ ભય સાયકોલોજિકલ છે. જ્યાં સુધી તમને 'હું (અહંકાર) છું' એવો ખ્યાલ છે ત્યાં સુધી તમે ભયભીત જ રહેવાના. જયારે તમારો "હું" (અહંકાર) મરી જશે ત્યારે જ તમને મૃત્યુનો ભય મટી જશે અને ત્યારે જે બાકી રહેશે તે માત્ર આત્મા જ રહેશે. જે કદાપિ મરતો નથી અને ત્યારે મૃત્યુનો ભય રહી શકતો નથી.