હે રાજા ધૃતરાષ્ટ્ર ! એમ કહીને તે પછી મહાયોગેશ્વર શ્રીકૃષ્ણે અર્જુનને ઐશ્વર્યયુક્ત દિવ્ય રૂપને બતાવ્યું. (૯)
ભાવાર્થ:
સંજય ઉવાચઃ- સંજય બોલ્યો
સંજયની શી જરૂર હતી વચમાં લાવવાની? અર્જુન પોતે જ યુદ્ધ પતી ગયા પછી આંખે દેખ્યો અહેવાલ ના કહી શકત? કારણ એ છે કે જેને પૂરી અનુભૂતિ થઇ ગઈ હોય તેનામાં અભિવ્યક્તિનું પૂરું સામર્થ્ય હોવું જરૂરી નથી. તમે ઉગતા સૂર્યને જોઈને આહલાદ્દ અનુભવી શકો પરંતુ તેનું આબેહૂબ ચિત્ર કદાચ ના દોરી શકો. અનુભૂતિ એક વસ્તુ છે, જયારે અભિવ્યક્તિ જુદી વસ્તુ છે. જે અભિવ્યક્તિ છેટે બેસીને જોનાર માણસ વધારે કુશળતાથી કરી શકે. ક્રિકેટ રમનાર પોતે રનીંગ કોમેન્ટ્રી ના આપી શકે. વળી સંજય આંખે દેખ્યો અહેવાલ દૂરદર્શન શક્તિ દ્વારા આંધળો માણસ સમજી શકે તે ભાષામાં બોલે છે તેથી તે સમજવામાં સુગમ પડે છે અને લોકપ્રિય બની શકે છે. ગીતાની લોકપ્રિયતાનું આ પણ એક કારણ છે અને ગીતા આપણને વધારે ઉપયોગી છે કારણ કે આપણે બધા એક રીતે ધૃતરાષ્ટ્ર છીએ અને ગીતા આપણે સમજી શકીએ તે ભાષામાં લખાયેલી છે.
વેદો - ઉપનિષદોની ભાષા આપણને કઠણ પડે છે. તેથી તે ગીતા જેટલા લોકપ્રિય નથી. ગીતાનો ઉપદેશ અને અનુભવ કૃષ્ણે અર્જુનને પલકવારમાં કરાવ્યો. પરંતુ તે અનુભવ એટલો વિરાટ હતો કે તે ધૃતરાષ્ટ્રને સમજાવવા સંજયને લાંબી ગીતા કહેવી પડી. ગીતા આટલી લાંબી પડે છે તે કૃષ્ણ અને અર્જુનની વચમાં નહી પરંતુ સંજય અને ધૃતરાષ્ટ્રની વચમાં અને તે હજુ પણ વધારે લાંબી પડે છે. તમારી અને મારી વચમાં. તે જમાનામાં કૃષ્ણ અને અર્જુનની વચમાં જે ઘટના ઘટી તે સમજાવાવમાં તે વખતે સંજયથી વધારે કોઈ સમર્થ નહોતો અને ધૃતરાષ્ટ્રથી વધારે કોઈ જિજ્ઞાસુ નહોતો. ગીતા સમજાવનારાના સામર્થ્ય ઉપર અને ગીતા સમજનારની અને સમજવાની જિજ્ઞાસા ઉપર ગીતા લાંબી - ટૂંકીનો આધાર છે.
Therefore Geeta is most read and least understood. એટલા માટે વધારેમાં વધારે ગીતા જ વંચાય છે અને ઓછામાં ઓછી ગીતા જ સમજાય છે.