આપને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા, તેજના સમૂહરૂપ, સર્વ તરફ ક્રાંતિવાળા, જોવા મુશ્કેલ, પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું. (૧૭)
ભાવાર્થ:
અર્જુન આ ત્રણ શ્લોક - ૧૫, ૧૬, ૧૭ માં બોલે છે. ત્યારે જાણે કે બિલકુલ અસ્તવ્યસ્ત થઇ ગયો લાગે છે. જાણે કે તેનામાં હોશ જ ના હોય તેવી રીતે બોલે છે. એ જે કહેવા માંગે છે તે કહી શકતો નથી અને જે કહે છે તેમાં પૂરી અભિવ્યક્તિ નથી. આ ક્ષણે અર્જુન જે હર્ષોન્માદમાં - એક્ષટસીમાં ડૂબી ગયો છે તેમાં જાણે કે તેના હોશ ખોવાઈ ગયા હોય તેવું લાગે છે.
અર્જુન કહે છે કે - જેણે જગત બનાવ્યું છે તે બ્રહ્મા અને જે જગતનો વિધ્વંસ કરે છે તે શંકર બંનેને હું તમારી અંદર જોઉં છું. સૃષ્ટિનો પ્રારંભ અને અંત, જન્મ અને મૃત્યુ તમામ દ્વંદ્વો એકી સાથે હું તમારી અંદર જોઉં છું અને તમામ દિવ્ય શક્તિઓ તમારી અંદર પડેલી મને દેખાય છે. આપણી પૃથ્વી ઉપર રહેનારા તમામ જળચર - સ્થળચર - નભચર પ્રાણીઓ અને તમામ અંગોને ભેગા કરીએ અને જે રૂપ બને તે રૂપ પણ પરમાત્માના રૂપની તોલે ના આવે. પરમાત્મા એ સમસ્ત સમષ્ટિની જોડ - સરવાળો છે. Sum total of all energy, all existence and all expansion of the whole universe.
વૈજ્ઞાનિકો કહે છે કે ઓછામાં ઓછી પચાસ હજાર પૃથ્વીઓ ઉપર જીવનની સંભાવના છે. અર્જુને આ બધું પરમાત્માના દેહમાં એક જ જગ્યાએ જોડાયેલું જોયું હશે - અને તેથી કિંકર્તવ્ય વિમૂઢ થઈને બોલતો હશે અને આટલું બધું જોવા છતાં તેનો કોઈ આદિ, મધ્ય કે અંત તેને દેખાતો નથી. અર્જુન કહે છે - હું આ બધું જોઈ રહ્યો છું છતાં મને નથી લાગતું કે હું આપને પૂરેપૂરા જોઈ રહ્યો છું. કારણ કે આપના પ્રારંભનો કે અંતનો મને પત્તો જ લાગતો નથી. તેથી મારી બુદ્ધિ ચક્કર ખાઈ ગઈ છે. પરમાત્માનું સ્વરૂપ દુર્નિરીક્ષ્ય ગહન દેખાય છે. ગહનનો અર્થ છે - જે હું જોઈ રહ્યો છું તે માત્ર ઉપર ઉપરનું પડ છે. પડની નીચે પડ, પડની નીચે પડ એમ અનેકાનેક ગહેરાઈઓ મને દેખાય છે. હું તો માત્ર બહાર ઉભો ઉભો બહારનું જ પડળ જોઉં છું. તેની નીચે અનેક પડદાઓ ટ્રાન્સપરન્ટ માલુમ પડે છે. તે પડદાઓ કેટલે સુધી છે તેનો અંત દેખાતો નથી. એટલું ગહન અને અપ્રમેય સ્વરૂપ છે કે જેને સમજવા મારી બુદ્ધિ પાસે કોઈ પ્રમાણ - કોઈ તર્ક - કોઈ નિષ્પત્તિ - કોઈ સિદ્ધાંત નથી, જેનાથી હું અનુમાન કરી શકું.
બીજા કોઈને કહું તો તે મને પાગલ સમજે. એટલા માટે પરમાત્માનું સ્વરૂપ સાચેસાચ જેણે જોયું છે તેઓ પાગલમાં ના ખપી જવાય તે ભયથી કહેતા અટકી જાય છે. કારણ કે તેનું કહેલું તમે માનવના તો છો જ નહીં. ઉલ્ટાનું આ માણસ કોઈ ભ્રમ - ભૂત delusion થી વિક્ષિપ્ત થયેલો છે માટે તેનો કોઈ ઈલાજ કરો એમ લોકો કહેવાના છે. એટલા માટે સૂફી ફકીર કહે છે કે - યોગ્ય અધિકારી વ્યક્તિ ના હોય તેના આગળ ઈશ્વરીય તત્ત્વની અનુભૂતિનું વર્ણન કરવું નહીં. નહીં તો જગતના લોકો તમને મુસીબતમાં મૂકી દેશે. અલ્લાહીલ્લાજ ભૂલથી પોકારી ઉઠયો કે હું બ્રહ્મ છું - "અનલહકક" - એટલે લોકોએ તેને પકડીને મારી નાખ્યો કે તું વળી બ્રહ્મ શાનો?
જેને નહોતી કહેવી જોઈતી તેમના આગળ વાત કરી તો માર્યો ગયો. નરસિંહ - મીરા - તુંકારામની લોકોએ દુર્દશા કરી. ગાંડાની હોસ્પિટલમાં ડાહ્યો હેરાન થઇ જાય.
જગતડાં કહે છે કે ભગતડા ભૂંડા છે
ભગતડા નથી ભૂંડા રે - પ્રભુને મન રૂડા છે.
જગતડાં કહે છે ભગતડા ઘેલા છે
ભગતડા નથી ઘેલા રે - પ્રભુને મન પહેલા છે.
જગતડાં કહે છે કે ભગતડા કાલા છે
ભગતડા નથી કાલા રે - પ્રભુને બહુ વ્હાલા છે.