હે વિષ્ણો ! આકાશને સ્પર્શ કરતા, તેજસ્વી, અનેક વર્ણવાળા, ફાડેલા મોઢાવાળા, અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈ અતિ વ્યાકુળ મનવાળો હું ધીરજ કે શાંતિ પામતો નથી. (૨૪)
ભાવાર્થ:
અર્જુન કહે છે કે આકાશને સ્પર્શતું દેદીપ્યમાન, અનેક રૂપોથી યુક્ત અને પહોળા મોઢા કરેલું પ્રકાશમાન વિશાળ નેત્રોવાળું આપનું સ્વરૂપ જોઈને ભયભીત અંતઃકરણવાળો હું (પ્રવ્યથિતાન્તરાત્મા) ધીરજ અને શાંતિને પ્રાપ્ત થતો નથી. અર્જુન બરાબર કહે છે. આપને લીધે નહીં પરંતુ હું ભયભીત અંતઃકરણવાળો છું તેને લીધે હું ભયભીત થાઉં છું. આપ તો વિશાળ છો - મહાન છો - પરમેશ્વર છો પરંતુ હું ભયભીત અંતઃકરણવાળો છું. કારણ કે અત્યાર સુધી મેં કદાપિ જાણ્યું કે સાંભળ્યું પણ નથી કે પરમાત્માનું સ્વરૂપ મૃત્યુના જેવું વિકરાળ પણ હોઈ શકે. નાનપણથી જ અર્જુનના અંતઃકરણમાં પરમાત્માની એક સૌમ્ય - સુંદર - કરુણામય પ્રતિમા સ્થાપિત થયેલી છે અને તે પ્રતિમા આજે ખંડિત થઇ રહેલી દેખાય છે તેથી તેનું અંતઃકરણ ધ્રુજારી અનુભવે છે.