પછી વિસ્મયથી વ્યાપ્ત તથા રોમાંચિત થયેલો તે અર્જુન (એ) દેવને મસ્તક વડે પ્રણામ કરી, હાથ જોડી કહેવા લાગ્યો. (૧૪)
ભાવાર્થ
આવું જોઈને અર્જુન આશ્વર્યમુગ્ધ થઇ ગયો. તે રોમહર્ષ થયો. વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા ભક્તિપૂર્વક હાથ જોડીને નતમસ્તક સ્તુતિ કરવા લાગ્યો. જયારે બુદ્ધિ - અનુભવ - જ્ઞાન વગેરે દ્વારા જે વાત સમજમાં ના બેસે ત્યારે આશ્વર્ય થાય અને રૂવાંડા ખડા થઇ જાય. આશ્વર્ય એટલે જેની સામે બુદ્ધિ અફળાઇને પાછી પડે, જેની સામે બુદ્ધિગત રીતે કાંઈ ગેડ ના બેસે.
ઈશ્વરનો અનુભવ પૂરેપૂરા પ્રાણોમાં સ્પંદિત થાય ત્યારે રુંવેરુંવામાં ઝણઝણાટી અનુભવાય અને તે અકથનીય, અનુપમ, અવર્ણનીય, રોમહર્ષ પેદા કરે. પરમાત્માનો અનુભવ રુંવેરુંવામાં સ્પંદિત થવા લાગે તેવી ક્ષણોમાં હાથ જોડવાની જરૂર ના પડે - જોડાઈ જ જાય. માથું નમાવવાની જરૂર ના પડે - નમી જ જાય. આપણે હાથ જોડીએ છીએ - માથું નમાવીએ છીએ તે એક માત્ર વ્યવસાય છે - ચેષ્ટા છે. આપણે હાથ ના જોડીએ તો ના જોડાય માટે જોડવા પડે છે; માથું ના નમાવીએ તો ના નમે, માટે નમાવવું પડે છે. અર્જુનને તે વખતે હાથ જોડવા ના પડયા - જોડાઈ ગયા. માથું પગરખાં નથી - ખાસડાં નથી જે ઉતારી લઈએ અને પહેરી લઈએ. શ્રદ્ધા - ભક્તિ તો પ્રાણ છે. અર્જુનને તે વખતે જયારે એટલો બધો આશ્વર્યનો અનુભવ થયો અને જયારે તે એટલા બધા પ્રકાશથી ભરાઈ ગયો ત્યારે તેને શ્રદ્ધા - ભક્તિ કરવી ના પડી - થઇ ગઈ. પ્રણામ કરવા પડે તે સાચો ગુરુ નહીં, જેના સાન્નિધ્યમાં પ્રણામ થઇ જ જાય, માથું ઝૂકી જાય તે સાચો ગુરુ. સાચા ગુરુ પ્રત્યે સાચા શિષ્યને આદરભાવ પેદા ના થાય તે તદ્દન અસંભવિત છે.