Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

યથા નદીનાં બહવોઽમ્બુવેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ ।
તથા તવામી નરલોકવીરા વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ ॥ ૨૮॥

યથા નદીનામ્ બહવ: અમ્બુવેગાઃ સમુદ્રમ્ એવ અભિમુખા: દ્રવન્તિ

તથા તવ અમી નરલોકવીરા: વિશન્તિ વક્ત્રાણિ અભિવિજ્વલન્તિ

તથા - તેવી રીતે

અમી - એ સઘળા

નરલોકવીરા - મનુષ્યલોકના વીર પુરુષો

તવ - આપના

અભિવિજ્વલન્તિ - પ્રજ્વલિત

વક્ત્રાણિ - મુખોમાં

વિશન્તિ - પ્રવેશ કરે છે.

યથા - જેમ

નદીનામ્ - નદીઓના

બહવ: - ઘણા

અમ્બુવેગાઃ - જળપ્રવાહો

સમુદ્રમ્ અભિમુખા: એવ - સમુદ્ર તરફ જ

દ્રવન્તિ - દોડે છે.

જેમ નદીઓના અનેક જળપ્રવાહો સમુદ્ર તરફ વેગથી વહે છે તેમ મનુષ્યલોકના આ વીરો આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશે છે. (૨૮)

ભાવાર્થ

ભીષ્મ, દ્રોણ જેવા અસંખ્ય મહારથીઓ પણ મૃત્યુના મુખમાં પડતાની સાથે તેમના ભચરકા ઉડી જાય અને તેમના શરીરના કકડા મૃત્યુની દાઢોની બખોલોમાં ફસાઈ જાય - આવું દ્રશ્ય અર્જુને જોયું. નદીઓ સમુદ્ર તરફ ધસમસતી દોડે છે તેવા વેગથી પ્રત્યેક પ્રાણી મૃત્યુના મુખ તરફ દોડી રહેલ છે. દરેક વ્યક્તિ આખી જિંદગી સતત દોડ્યા જ કરે છે કાંઈક ને કાંઈક મેળવવા, પરંતુ આખરે છેલ્લે દિવસે તે માત્ર મોત જ મેળવે છે અને આખી જિંદગીપર્યંત મેળવી મેળવીને એકઠું કરેલું બધું એક્સામટું ખોઈ બેસે છે. માણસ આખી જિંદગી દોડતો દોડતો, નાસતો ભાગતો છેવટે સ્મશાનમાં પહોંચી જાય છે અને ત્યાં લાંબો થઈને સુઈ જાય છે. માત્ર મૃત્યુથી બચવા માટે જ માણસ આખી જિંદગી મહેનત કરી કરીને ધન - બંગલા - મોટરો બધું ખૂબ ખૂબ ભેગું કરે છે અને તો પણ છેવટે તો તેને મૃત્યુનો જ ભેટો થાય છે. મૃત્યુથી બચવાની કોશિશ કરવામાં જ તે મૃત્યુના મુખમાં જઈને પડે છે.

તું જાણે હું જથાવાળો પુત્ર ને પરિવાર

ઓચિંતાની આવી પડશે જમ કેરી ધાડ - મૂરખ મનમાં વિચાર

લીલા વાંસની પાલખી ઉંચકનારા ચાર.

તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિરધાર

એમાં ભૂલી ગયો ભગવાનને રે

ધન, દોલત, નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી ઘોડી ને દરબાર - એમાં

મેડી મંદિર ઝરુખા ને માળીયા રે, સુખદાયક સુંદર સેજ - એમાં

ગાદી તકીયા ને ગાલ મશુરિયા કે, અતિ આડ કરે છે એ જ - એમાં

નીચી કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન - એમાં

મરમાળી મોહનની મૂરતી રે, તેની સાથે ન લાગેલ તાન - એમાં

પાપ અનેક જન્મના આવી મળ્યા રે, તારી મતિ મલીન થઇ મંદ - એમાં

રામ વ્હાલાને તું વિસરી ગયો રે, તારે ગળે પડ્યો ભવફંદ - એમાં

***

ભાવે કરીને ભોગવ્યા ભારે ભભકથી ભોગને

રતિમાત્ર પણ જાણ્યો નહીં નીજને રૂંવાડે રોગને

કાયા કદી સુંદર મળી સુખ સરસ રીતે સાંપડ્યું

(પણ) જાણ્યું ન જો કલ્યાણ તો તે સર્વથા નિષ્ફળ ગયું

બેઠા બગીચા બંગલામાં મોજશોખ સદા કરી

ભાષણ કર્યા પુરજોશથી મોટી સભા મંડળ ભરી

મોટા જનોમાં માનને કદી કોઈ રીતે મેળવ્યું. (પણ)

ધન ધામ ને ધરણી મળ્યા દ્રવ્યે ભર્યા ભંડાર છે

"હે કોઈ હાજર" એમ કહેતા એક સો તૈયાર છે.

રાગે અને રંગે હૃદય આનંદથી રાચી રહ્યું - (પણ)

ભોજન કરાવ્યા ભાવથી જ્ઞાતિ અને જાતિ વિશે

પહેરી પીતામ્બર પ્રેમથી ફૂલી ફર્યા પંગત વિશે

વિનયથી વદતાં સદાયે વાહ વાહ વદાવિયું. - (પણ)

પામ્યા પવિત્ર કલત્ર તેમ સુપુત્ર આ સંસારમાં

આવી નહીં અડચણ જરાયે આહાર કે વિહારમાં

વિદ્યા ભણ્યા વાંચ્યું ઘણું વિજ્ઞાન સઘળું વાપર્યું. - (પણ)

***

ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમ્યો દિવસ ને રાત - ભૂલ્યો

જીવની આશા રે ડુંગર જેવડી મરણ ડગલાની હેઠ

જંપીને જરીયે બેઠો નહીં વાગી અચાનક ઠેસ - ભૂલ્યો

હડકાયા કૂતરાની જેમ તું ભમ્યો દિવસ ને રાત

માયાએ બાંધેલ પ્રાણીઓ સમજ્યો નહીં શુદ્ધ વાત - ભૂલ્યો

ખોટો ખેલ સંસારનો આતશબાજીનો રંગ

રમતા વર્ષ વીત્યા ઘણા ક્ષણમાં થશે તે ભંગ - ભૂલ્યો

જન્મમરણ તણી આપદા, નથી કોઈ સંકટ સહેલ

ધંધો કરતા રે ઢળી પડ્યો જેમ કાંઈ ઘાંચીનો બેલ - ભૂલ્યો

રણ રે સંબંધે આવી મળ્યા, સુતવિતદારા ને દેહ

લેવા - દેવા રે ક્યારે મટે, મારગ લાગશે તેહ - ભૂલ્યો

નિશ્ચે જાણો રે રહેવું નથી જૂઠો જગત વિશ્વાસ

એથી રે રહેજે તું વેગળો આઠે પહોર ઉદાસ - ભૂલ્યો

દેહ તણું ફળ એ જ છે ભાવે ભજીયે ભગવાન

બીજા સાધન રે સંસારના નહીં હરિનામ સમાન - ભૂલ્યો

હવે અર્જુનને જીવનની પૂરેપૂરી ધારા મૃત્યુ તરફ વહેતી દેખાય છે. જો અર્જુને આ ભયંકર દ્રશ્ય ના જોયું હોત તો તેને કદાપિ ના સમજાત કે મૃત્યુ પણ પરમાત્માના મુખમાં જ ઘટિત થાય છે. એને એવો જ ખ્યાલ રહી જાત કે મૃત્યુ કોઈ અલગ જગ્યાએ ઘટિત થતું હશે. - પરમાત્માના મુખમાં તો નહીં જ. હવે આ તેનો ભ્રમ ટળી ગયો. અત્યાર સુધી તે એમ માનતો હતો કે કમ સે કમ મૃત્યુથી બચવા માટે પરમાત્માનો ઉપયોગ કરી શકાશે. - સહારો લઇ શકાશે. પરંતુ જ્યાં પરમાત્માના મુખમાં જ બધાને મૃત્યુને ભેટતા દેખ્યા એટલે તે ગભરાઈ ગયો. અત્યાર સુધી તે એમ માનતો હતો કે જમરાજા મૃત્યુ લઈને આવશે તો ભગવાન બચાવનારો બેઠો છે. પરંતુ આજે તો ખુદ પરમાત્માના મુખમાં જ બધાયના - પોતાના પણ - ભચરકા ઉડી જતા તે દેખે છે.

આપણી માન્યતા એવી છે કે દુઃખનું કારણ શેતાન - દુષ્ટાત્માઓ છે અને મૃત્યુ લાવનારા જમરાજા જ છે. પરંતુ ખરેખર તો દુઃખનું કારણ આપણા પોતાના જ દુષ્ટ કર્મો છે અને મૃત્યુનું કારણ આપણા દેહની ક્ષણભંગુરતા જ છે. દુઃખ અગર મૃત્યુ કાંઈ પરમાત્માને કારણે નથી. એટલે પરમાત્મા તો આપણને દુઃખ અને મૃત્યુથી બચાવવા માટે જ નવરા બેઠા છે તેવી આપણા મનમાં આપણે એક રાહત અનુભવીએ છીએ. પરંતુ અહીં તો અર્જુને તદ્દન ઉલ્ટું જ દ્રશ્ય જોયું એટલે તે ગભરાયો છે.

કબીરે એક પદ લખ્યું છે કે, “ચલતી ચક્કી દેખકર મૈં બહુત ઘબડા ગયા અને ચક્કીના બે પડિયાની વચમાં આવી ગયેલા બધા દાણા લોટ થઇ ગયા.” તેવી રીતે આખું જગત એક ચાલતી ચક્કી જ છે, જેમાં બધાય પીસાય છે. કબીરની થોડીક ભૂલ સુધારીને તેના દીકરા કમાલે લખ્યું કે, “ચક્કીના ખીલડાને વળગીને જે દાણા બેસી રહ્યા તે બચી ગયા.”

અર્જુનને લાગ્યું કે જે પરમાત્માને હું અત્યાર સુધી રક્ષક માનતો હતો - મૃત્યુથી બચાવનાર માનતો હતો તે આજે મને ભક્ષક દેખાય છે. તેથી અર્જુન ગભરાય છે. પરંતુ અહીં અર્જુનની એક ભૂલ થાય છે. બિલાડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે છે તે જ મોઢાથી તે ઉંદરને પકડે છે. પરંતુ બચ્ચાને પકડવામાં વાત્સ્લય છે. તેમ ભક્તને પકડીને દુઃખ દેવામાં - મૃત્યુને ભેટાડવામાં પરમાત્માની કરુણા છે. આ વાતની આગળ જતા ભગવાન ચોખવટ કરશે.

મૃત્યુ પરમાત્મામાં ઘટિત થાય છે તો જીવન પણ તેમાં જ ઘટિત થાય છે. પરમાત્મા મૃત્યુ પણ છે અને મા પણ છે. બધી નદીઓ સાગરમાં સમાપ્ત થાય છે તો બધી નદીઓ સાગરમાંથી જ પેદા થાય છે. જે નદીઓ સાગરમાં ઠલવાતી હશે તે ગભરાતી હશે કે ખલાસ થઇ ગયા. તેને સાગર મોત દેખાય, પરંતુ તેને ખબર નથી કે સાગર મોત પણ છે તો ગર્ભ પણ છે. કારણ કે આવતી કાલે એ જ નદી તેમાંથી નીકળશે - તાજી થઈને - શુદ્ધ થઈને - નવીન થઈને - યુવાન થઈને. સમુદ્રમાં ઠલવાતી વખતે તે ઘરડી થઇ ગઈ હતી. આ બધી ગંદકી સાગર પોતામાં સમાવી લે છે અને તેને શુદ્ધ - બાષ્પીભૂત (Distilled - Crystal clean water) બનાવીને ઉપર જવા દે છે, જ્યાંથી તેની ગંગોત્રીથી નવી યાત્રા શરુ થાય છે. આ એક વર્તુળ - એવમ પ્રવર્તિતમ ચક્રમ | અનાદિ કાળથી ચાલે છે.