જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક જ વખતે પ્રકાશી ઉઠયું હોય, તો તે (વિશ્વરૂપ) પરમાત્માના તેજ જેવું કંઈક થાય. (૧૨)
ભાવાર્થ
પહેલો પડદો ખૂલ્યો (શ્લોક - ૧૦ - ૧૧ માં) તેમાં અર્જુનને પરમાત્માનું મહિમાવાળું પરમ ઐશ્વર્યરૂપ જે અત્યંત સુંદર જેમાં આખા જગતનું સૌંદર્ય - સુગંધ - પ્રેમ નીચોવી લીધા હોય તેવું દેખાડયુ, હવે બીજો પડદો ખૂલ્યો (શ્લોક ૧૨) તેમાં પરમાત્માનું પ્રકાશ રૂપ દેખાડયુ. પહેલું દ્રશ્ય અરુણોદય દેવું સૌમ્ય સુંદર દેખાડયુ જેથી કરીને પ્રકાશ જોવા માટે અર્જુનની આંખો તૈયાર થઇ શકે. બીજું દ્રશ્ય સૂર્યોદય જેવું પ્રચંડ પ્રકાશરૂપ દેખાયું. એકસામટા એક હજાર સૂર્ય ઉગે તો પણ તે આ પરમાત્માના પ્રકાશની તોલે ના આવે તેવું ઝગઝગાટ રૂપ જોયું. વગર તૈયારીએ પરમાત્માના પ્રકાશરૂપની સીધી સાધના ખતરનાક છે. માણસ જયારે અસ્તિત્વના ગહન અનુભવમાં ઉતરે છે ત્યારે તેને પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. ધૃતરાષ્ટ્રને (એટલે એક રીતે આપણને) બિચારાને એક સૂર્યના પ્રકાશનો પણ પૂરેપૂરો અનુભવ નથી તેના આગળ એક હજાર સૂર્ય સામટા ઉગે તેના પ્રકાશની કલ્પના કરવી મુશ્કેલ પડે. એક સૂર્યના પ્રકાશની ગરમીમાં માણસ જયારે પરેશાન થઇ જાય છે તો સામટા હજાર સૂર્યના પ્રકાશ સામે અર્જુન કેવી રીતે ઉભો રહી શક્યો હશે એવી શંકા કરવી નહીં, કારણ કે પરમાત્માનો પ્રકાશ અંતઃકરણમાં ઉદય થતા તે જ્ઞાનનો પ્રકાશ છે જે શીતળ અને શાંત છે.
ભગવાન સહજાનંદ સ્વામી બોલ્યા છે કે -
મારુ ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ |
સર્વે સમૃદ્ધિ રે સર્વે ગુણે કરી અભિરામ ||
અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય |
(પણ) શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય ||