માટે શરીરને (દંડવત) જમીન પર મૂકી, પ્રણામ કરીને હું આપ સ્તુતિયોગ્ય ઈશ્વરને પ્રસન્ન થવા વિનવું છું. હે દેવ!જેમ પિતા પુત્રનો, મિત્ર મિત્રનો, પતિ પ્રિયાનો (અપરાધ) સહન કરવા યોગ્ય છે, તેમ આપ (મારા) અપરાધ સહન કરવા યોગ્ય છો. (૪૪)
ભાવાર્થ:
અર્જુન અત્યંત ગળગળો થઈને કહે છે કે આપ આ ચરાચર વિશ્વના પિતા અને ગુરુથી પણ મોટા ગુરુ અને પૂજનીય છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી. તો અધિક તો ક્યાંયથી હોય જ. માટે હું મારા શરીરને બરાબર રીતે આપના ચરણમાં રાખીને (પ્રણમ્ય પ્રણિધાય કાયં) અને પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરૂ છું. જેવી રીતે પિતા પુત્રના, મિત્ર મિત્રના અને પતિ જેવી રીતે પોતાની પ્રિયતમ પત્નીના અપરાધને સહન કરે છે તે રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો - હું જાણું છું કે આપ ક્ષમા કરી દેશો. ભૂતકાળમાં મેં આપની સાથે જે વર્તુણુક કરી છે તેને માટે આપ ખોટું નહીં લગાડશો. આપ મહા ક્ષમાવાન છો અને જેવી રીતે પ્રિયજનને કોઈ ક્ષમા કરી દે છે તે પ્રમાણે આપ મને ક્ષમા કરશો. ફરીથી હું આપણી ક્ષમા માંગુ છું.
પ્રણમ્ય પ્રણિધાય કાયં - શરીરને બરાબર રીતે આપના ચરણમાં રાખીને, આ વાક્યનો અર્થ બરાબર સમજવા જેવો છે. શરીરની પ્રત્યેક અવસ્થા મનની અવસ્થા સાથે જોડાયેલી છે. શરીર અને મન એવી બે ચીજો નથી તેથી વૈજ્ઞાનિકો (Mind and body) બંનેને માટે 'સાઈકોસોમેટિક' મનોશરીર એવો એક જ શબ્દનો પ્રયોગ કરે છે. શરીર અને મન એટલા બધા એક સાથે છે કે પ્રત્યેકમાં કાંઈપણ ઘટિત થાય છે તે બીજાને પ્રભાવિત કરે છે. માણસ ભયભીત થાય છે એટલે દોડે છે, કે દોડે છે એટલે ભયભીત થાય છે? માણસ પ્રસન્ન થાય છે ત્યારે હસે છે, કે હસે છે ત્યારે પ્રસન્ન થાય છે?
તમે હસ્યા વગર પ્રસન્ન થયેલા બતાડી શકો? અગર તો વગર દોડ્યે તમે ભયભીત થયેલા દેખાડી શકો? ખરેખર તો ભય અને ભાગવું બે અલગ નથી. ભય મનનું કાર્ય છે અને ભાગવું શરીરનું કાર્ય છે. પ્રસન્નતા અને હસવું બે અલગ નથી. પ્રસન્નતા મનનું કાર્ય છે અને હસવું શરીરનું કાર્ય છે. - શરીર અને મનનું બંનેનું કાર્ય Simultaneous છે. શરીર અને મન એકબીજાને તત્ક્ષણ પ્રભાવિત કરે છે - શરીર દારૂ પીએ છે અને બેહોશ થાય છે મન. મન દારૂ નથી પીતું. શરીર બેહોશ નથી થતું. મનમાં દુઃખ થાય છે અને શરીર ઢીલું પડી જાય છે - શરીરની Resistance - પ્રતિરોધક શક્તિ ઓછી થઇ જાય છે. - મનનો માંદલો માણસ શરીરથી માંદલો બની જાય છે. - મનથી દુઃખી થયેલા માણસના શરીરમાં રોગના કીટાણુઓ જલ્દીથી પ્રવેશ કરી જાય છે - પ્રસન્ન મનવાળા માણસના શરીરમાં રોગના કીટાણુઓ જલ્દીથી પ્રવેશ કરતા નથી. પ્લેગ ફેલાય ત્યારે પ્લેગના દર્દીઓની વચમાં ડોક્ટર રાતદિવસ કામ કરે છે છતાં ડોક્ટરને રોગ પકડતો નથી. કારણ કે ડોક્ટર પોતાના સેવાકાર્યથી પ્રસન્ન છે.
પ્રસન્ન ચિત્તવાળા માણસના શરીરમાં Resistance power - પ્રતિરોધકશક્તિ વધારે હોય છે. જયારે માણસ ક્રોધથી ભરાઈ જાય છે ત્યારે તેના હાથની મુઠીઓ એકદમ વળવા માંડે છે. દાંત ક્ચકચવા માંડે છે. આંખો લાલ થાય છે. અને શરીરમાં લોહીમાં એડ્રિનલ નામનું ઝેરી રસાયણ ફેલાવા લાગે છે. મનની શાંતિના સમયમાં જે પથ્થર તમે ખસેડી પણ ના શકો તે તમે ક્રોધમાં ઊંચકીને ફેંકી દઈ શકો છો. ક્રોધમાં આવું થાય છે તો પ્રેમમાં તેથી ઉલટું થાય છે. ક્રોધમાં શરીરમાં તણાવ (Tension) પેદા થાય છે, પ્રેમમાં શરીર શિથિલ થઇ જાય છે. આવી રીતે મન અને શરીર એકીસાથે બદલાતા રહે છે. જયારે તમે કોઈને અપમાનિત કરવા ચાહો છો ત્યારે તમે તમારા પગના જૂતા તેના માથામાં મારો છો. ખરેખરે તો તમે તમારા પગ તેના માથે મૂકવા માંગો છો પરંતુ તેમ કરવામાં અડચણ પડે છે તેથી પ્રતીક રૂપે પગના જૂતા તેના માથે અડકાડો છો. તેથી વિરુદ્ધ જયારે તમે કોઈ માણસની માફી માંગો છો - ક્ષમા યાચનાની અભિવ્યક્તિ કરો છો ત્યારે તમારું માથું તેના ચરણમાં ધરી દો છો. એટલા માટે અર્જુન પરમાત્માના ચરણમાં શરીર, માથું ટેકવી દે છે.
શરીરની ગતિવિધિ વિદ્યુતથી ચાલી રહી છે - શરીર એક વિદ્યુતયંત્ર (બેટરી) છે. જેમાં વિદ્યુતના તરંગો દોડે છે - તેનું વોલ્ટેજ જો કે બહુ જ ઓછું છે Low Voltage છે. બહુ જ ઓછી શક્તિ છે. પરંતુ આ યંત્ર એટલું અદભુત છે કે આટલા લો વોલ્ટજથી પણ બહુ કામ ચાલી રહે છે. - ગુરુના ચરણમાં માથું અડાડવાથી ગુરુની સાથે તેની વિદ્યુતની જોડ છે - ગુરુના ચરણમાં માથું અડાડતા જ ગુરુની જે વિચારધારા છે તે શિષ્યમાં પ્રવાહિત થવાની શરુ થઇ જાય છે - વિદ્યુતને પ્રવાહિત થવા માટે બે જ જગ્યાઓ છે - હાથ અને પગની આંગળીઓના વળાંકવાળા ગોળાકાર ખૂણા, જ્યાંથી વિદ્યુત બહાર જઈ શકે અને વિદ્યુતને અંદર લેવી હોય તો તેને માટે ગોળાકાર માથું છે જ્યાંથી વિદ્યુત ગ્રહણ થઇ શકે. Receptivity માટે માથું યોગ્ય છે અને દાનને માટે આંગળીઓ યોગ્ય છે. માથું એ શરીરનો Receptive ગ્રાહક હિસ્સો છે - અને હાથપગની આંગળીઓ તે દાન દેનાર હિસ્સો છે એટલા માટે આશીર્વાદ આપવા માટે ગુરુ શિષ્યના માથા ઉપર હાથ મૂકે છે અને શ્રદ્ધાપૂર્વક ગુરુના ચરણમાં માથું મૂકવાથી ગુરુના ચરણમાંથી એક પ્રકારના સાત્ત્વિક તરંગો નીકળે છે - જેનાથી માથામાં, મનમાં શાંતિનો અનુભવ થાય છે - એટલા માટે અર્જુન શ્રીકૃષ્ણના ચરણમાં માથું મૂકીને માફી માંગે છે - અને ત્યારે તેનો માથાનો બોજ ઓછો થાય છે.