Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોઽસ્તુ તે સર્વત એવ સર્વ ।
અનન્તવીર્યામિતવિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ ॥ ૪૦॥

નમઃ પુરસ્તાત્ અથ પૃષ્ઠત: તે નમ: અસ્તુ તે સર્વત: એવ સર્વ

અનન્તવીર્ય અમિતવિક્રમ: ત્વમ્ સર્વમ્ સમાપ્નોષિ તત: અસિ સર્વઃ

અનન્તવીર્ય - હે અપાર શક્તિવાળા !

ત્વમ્ - આપ

અમિતવિક્રમ: - અપાર પરાક્રમવાળા છો (તથા)

સર્વમ્ - સમસ્ત સંસારને

સમાપ્નોષિ - સમાવીને (વ્યાપીને) રહેલા છો

તત: - તેથી (આપ)

સર્વ: - સર્વરૂપ

અસિ - છો.

સર્વઃ - હે સર્વાત્મન !

પુરસ્તાત્ - આગળ

અથ - તથા

પૃષ્ઠત: - પાછળ રહેલા

તે - આપને

નમઃ - નમસ્કાર (હો!)

સર્વત: એવ - સઘળે જ રહેલા

તે - આપને

નમ: અસ્તુ - નમસ્કાર હો

હે સર્વસ્વરૂપ ! આપને આગળથી નમસ્કાર હો ! પાછળથી અને સર્વ બાજુથી નમસ્કાર હો ! અનંત સામર્થ્યવાળા અને અમાપ પરાક્રમવાળા આપ સર્વમાં વ્યાપ્ત છો, તેથી સર્વરૂપ છો. (૪૦)

ભાવાર્થ:

અર્જુન આગળ સ્તુતિ કરે છે:

આપ બ્રહ્માના પણ આદિકર્તા છો. (બ્રહ્નણોપ્યાદિકુત્રે) આપ તમામથી મોટા છો (ગરીયસે) તેવા આપને માટે તેઓ કેમ નમસ્કાર ના કરે (ન નમેરન્) જે સત્ અને અસત્ અને તેનાથી પણ પણ (તત્ પરમ - સત્ અસત્ ચ અહં - ન તત્ત્ ન તત્ અસત્ ઉચ્યતે) અને અક્ષર (અર્થાત સચ્ચિદાનંદઘન) તે આપ જ છો. (૩૭)

આપ આદિદેવ (પુરાણ) સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય (નિધાનમ્) અને જાણવાવાળા (વેત્તા) છો. આપ જાણવા યોગ્ય (વેદ્યમ્) અને પરમધામ છો અને આપના અનંત રૂપો છે અને આપનાથી આ સમગ્ર જગત વ્યાપ્ત એટલે કે પરિપૂર્ણ (તતમ્) છે. (૩૮)

વાયુ - યમરાજ - અગ્નિ - વરુણ, ચંદ્રમા (શશાંક:), પ્રજાપતિ (પ્રજાના સ્વામી બ્રહ્મા) અને બ્રહ્માના પણ પિતા (પ્રપિતામહશ્ચ) પણ આપ છો. આપને હજારો વખત (સહસ્ત્રકૃત્વઃ) નમસ્કાર હો. વારંવાર નમસ્કાર - નમસ્કાર - નમસ્કાર. (૩૯)

અનંત સામર્થ્યવાળા (અનંતવીર્ય:) આપને આગળથી અને પાછળથી અને તમામ બાજુથી નમસ્કાર કરું છું. હે અમિતવિક્રમ ! અનંત પરાક્રમવાળા આપ આખા સંસારમાં વ્યાપ્ત થયેલા છો. (સર્વમ સમાપ્નોસિ) (૪૦)

આ બધા વચનો પરમાત્મા પ્રત્યે ધન્યતાભાવનાં - અહોભાવના વચનો છે. અર્જુન ભયભીત થયો છે પરંતુ બડભાગી પણ થયો છે. આ એક અનુઠો અદ્વિતીય અવસર તેને મળી ગયો. એને એક ઝલક મળી ગઈ વિરાટમાં કે જ્યાં તમામ સીમાઓ તૂટી જાય છે. જ્યાં જાણવાવાળો અને જાણવાયોગ્ય - જ્ઞાતા અને જ્ઞેય બંને એક થઇ જાય છે. જ્યાં સૃષ્ટિ અને સૃષ્ટિના નિર્માતાનું અદ્વૈત દેખાય છે. અને તેને મૂળ આશ્રય અને પરમધામનો અનુભવ થયો. એક વખત નહીં હજારો વખત આગળ પાછળ ચારે બાજુ નમસ્કાર કરે છે, તો પણ તેનું મન ભરાતું નથી. જાણે કે તેને જે મળ્યું છે તેનાથી તે પૂરેપૂરો અનુગ્રહ માની શકતો નથી. પૂરેપૂરો ઋણમુક્ત થઇ શકતો નથી.

આપણે કહીએ છીએ કે માબાપના ઋણમાંથી મુક્ત થવું કઠણ છે. પરંતુ અસંભવ નથી. જયારે ગુરુ અને પરમાત્માના ઋણમાંથી મુક્ત થવું અસંભવ છે. મા તો ધાવણ ધવરાવે છે. પરંતુ ગુરુ તો ધાવણ છોડાવે છે. (જન્મ-મરણથી મુક્ત કરે છે) અર્જુનને જગદ્દગુરુ શ્રીકૃષ્ણ પાસેથી જે અનુભવ પ્રાપ્ત થયો તે અનુભવના બદલામાં કાંઈપણ કિંમત ચૂકવી શકાય તેમ નથી. કાંઈપણ આપી શકાય તેમ નથી. કારણ કે આપનારો જ ક્યાં બચ્યો છે? હવે તો તે જે આપે તે ઓછું જ છે - વ્યર્થ છે. એટલે માત્ર નમસ્કાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. પરમાત્માની સામે નમસ્કાર સિવાય બીજું કાંઈ આપી શકીએ તેમ નથી. જે બિલકુલ ઝૂકી જાય છે - નમી જાય છે તેને બધું જ મળે છે. ઘડાને પાણીથી ભરાવું હોય તો તેને ચકલીની નીચે બેસવું પડે અને તે પણ સન્મુખ થઈને બેસવું પડે. નદીમાં માણસ ઉભો હોય - પગ પાણીમાં ડૂબેલા હોય - છતાં જો તે નીચો ના નમે અને અક્કડ થઈને ઉભો રહે તો તે તરસ્યો જ મરે.

તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । (ગીતા - ૪/૩૪)