હે મહાબાહો ! આપનું બહુ મોઢા તથા આંખોવાળુ; બહુ હાથ, સાથળો તથા પગવાળું; ઘણા પેટવાળું તેમ જ બહુ દાઢોથી વિકરાળ આ રૂપ જોઈને બધા લોકો અને હું ઘણા વ્યાકુળ થયા છીએ. (૨૩)
ભાવાર્થ:
હવે અર્જુન પરમાત્માનું વિકરાળ સ્વરૂપ જોઈ રહ્યો છે જ્યાં પરમાત્મા મૃત્યુનું મુખ બની ગયા છે. આવું રૂપ જોઈને સમસ્ત લોક અને હું પોતે પણ હવે તો વ્યથિત થઇ ગયો છું અર્જુનની આ વ્યાકુળતા સ્વાભાવિક છે કારણ કે આપણે પરમાત્માના એક જ સૌમ્ય સુંદર સ્વરૂપને ઓળખીએ છીએ - માનીએ છીએ. એટલે જયારે તમામ દ્વંદ્વો જ્યાં એકત્રિત થયા હોય તેવું પરમાત્માનું સંપૂર્ણ પરિપૂર્ણ રૂપ જોઈએ ત્યારે ગભરામણ થાય તે સ્વાભાવિક જ છે અને આ વ્યાકુળતા પરમાત્માને કારણે નહીં પરંતુ તે આપણી બુદ્ધિના તાદાત્મ્યના કારણે જ છે. આપણે પરમાત્માના માત્ર એક જ સૌમ્ય સુંદર હિસ્સાની સાથે જ તાદાત્મ્ય કરેલું છે. આપણે એમ જ માની બેઠા છીએ કે
મધુરાધિપતે: અખિલમ્ મધુરમ્ |
પરમાત્મા માત્ર મધુર સૌંદર્યવાળા જ છે એવું આપણે ચોક્કસપણે માની બેઠા છીએ. પરંતુ મહાકાળી માતાનું વિકરાળ સ્વરૂપ - એક હાથમાં તલવાર - એક હાથમાં કાપેલું અને લોહી નીકળતું માથું - ગળામાં મુંડની માળા - કોઈની છાતી ઉપર પગ મૂકીને લાલ લાલ જીભ કાઢીને ઉભેલી મૂર્તિ જોઈને આપણે ભયના માર્યા પગે લાગીએ છીએ. પરંતુ પરમાત્માની આવી મહામાયા અમોઘ શક્તિનું આવું વિકરાળ સ્વરૂપ પણ હોઈ શકે તેવો ભાવ આપણને પેદા થતો નથી. મમતા અને વાત્સલ્યની મૂર્તિ જેવી માનું આવું વિકરાળ સ્વરૂપ જોઈને મનમાં બેચેની પેદા થાય છે. પરંતુ મૂર્તિ ઘડનાર અગર તો શાસ્ત્રોમાં જેણે આવા વિકરાળ સ્વરૂપની કલ્પના કરી હશે તેણે અત્યંત પ્રેમ અને ક્ષમાની મૂર્તિ એવી મામાં આવી વિકરાળતા પણ હોઈ શકે છે અને તેમાં સૌમ્ય તથા વિકરાળ બંને વિપરીત દ્વંદ્વો સમાયેલા છે તે બતાવવા પ્રયાસ કરેલો છે. મામાં જન્મ છે તો મૃત્યુ પણ માનાં ઉદરમાં ફરીથી પ્રવેશવાનું પગથિયું છે. એમ જન્મ અને મૃત્યુ બંને વિપરીત દ્વંદ્વો હોવા છતાં માનાં સાન્નિધ્યનાં જ સાધનો છે તે દર્શાવવા શાસ્ત્રોએ પ્રયાસ કરેલો છે.
પરમાત્માની મૂર્તિ પણ આપણે આપણી કામનાઓ - વાસનાનોના હિસાબે જ નિર્મિત કરીએ છીએ. મૂર્તિના તથ્ય કરતા આપણી ભાવના સાથે તેનો વધારે સંબંધ છે. આપણને પનોતીની બીક લાગે છે તેથી આપણે હનુમાનજીને પનોતીની છાતી ઉપર પગ મૂકીને ઉભેલા ચીતર્યા છે. આપણને ઘરડા થવું ગમતું નથી તેથી રામ - કૃષ્ણના, જૈનોના ચોવીસે તીર્થંકરો વગેરેને આપને દાઢી - મૂછવાળા ચીતરતા નથી. તેનો અર્થ એવો નથી કે તેમના શરીરને વૃદ્ધાવસ્થા નહિ આવી હોય અને દાઢી - મૂછો નહી ઉગી હોય. વૃદ્ધાવસ્થાના પ્રતીક રૂપે ધોળી દાઢીમૂછ આપણને નથી ગમતી. તેમાં, સેફ્ટી રેઝરથી દરરોજ દાઢીમૂછ છોલવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવાની આપણી ઉત્સુકતા એ ઘણી જ અજબની વિચારણીય મનોવૈજ્ઞાનિક અને થોડીક પેથોલોજીકલ - થોડીક રુગ્ણ બાબત છે.
ખરો ભય તો મૃત્યુનો છે. શરીર તો છૂટશે જ - એ વાત તો પાકી છે. એટલા માટે માણસ જેમ જેમ ઘરડો થતો જાય છે તેમ તેમ તે આત્મામાં ભરોસો કરતો થઇ જાય છે કે આત્મા અમર છે. પરંતુ તેને ખરેખર આત્માની અનુભૂતિ તો થઇ જ નથી - મતલબ કે માણસ ઘરડો થાય છે છતાં અનુભવી થતો નથી - થયો નથી. માણસ જેમ જેમ ઘરડો થતો જાય છે તેમ તેમ મોત નજીક આવતું તેને લાગે છે અને તેમ તેમ મોતનો ભય વધતો જાય છે. અને ત્યારે તે મંદિર તરફ વધારે હડિયાદોટો કરવા માંડે છે. અને તે મોતના ભયમાંથી કાંઈક આશ્વાસન રૂપે તે આત્માની અમરતાની વાતો કરતો - માનતો થઇ જાય છે. પરંતુ આત્માની અમરતાની અનુભૂતિ તેને જરાય થઇ હોતી નથી.
જેટલો મોતનો ભય વધારે તેટલી આત્માની અમરતાની ગુલબાંગો વધારે પોકારતો હોય છે. ભયના કારણે - અનુભૂતિના કારણે નહીં. અસલમાં આત્માની અનુભૂતિ એ તો એક અનોખી વસ્તુ છે અને એ તો ત્યારે જ થાય અને તેને જ થાય જે મૃત્યુના ભયને અને જિંદગીની વાસનાને સદંતર છોડી દે. એવો માણસ તો ખોળ્યો પણ ના જડે. આપણે તો મૃત્યુના ભયને લીધે આત્માની અમરતાની વાતો કરવા મંડયા છીએ - અનુભૂતિપૂર્વક નહીં. આપણને તો ખરેખર આત્મા છે તેની જ ખબર નથી. જેને મૃત્યુનો ભય અને જિંદગીનો મોહ (Lust for life) મટી જાય તેને જ આત્માનો પત્તો લાગે.
અર્જુનને ભયભીત થવાનું મુખ્ય કારણ એ છે કે તેણે કદાપિ એવી કલ્પના પણ નહીં કરેલી કે પરમાત્માનું સ્વરૂપ આટલી હદ સુધી બેહદ વિકરાળ અને ભયકંર હોઈ શકે. આપણે યમરાજાની કલ્પના કરીએ છીએ - તે એક કાળા પાડા ઉપર બેઠા છે. તેમના વિકરાળ દાંત છે. પોતે પણ કાળા મેંશ જેવા છે. માથે બરછટ શીંગડા છે. વગેરે. પરંતુ યમરાજા એ પણ પરમાત્માનું જ એક રૂપ છે તેનો આપણે કદાપિ ખ્યાલ કર્યો જ નથી. પરમાત્માના દાંત એ જ યમરાજા છે - મૃત્યુ છે તેનો તો આપણને ખ્યાલ જ નથી.