આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ આપ એકથી જ વ્યાપ્ત છે. હે મહાત્મન્ ! આપનું આ અદ્ભૂત ઉગ્ર રૂપ જોઈ ત્રણ લોક અત્યંત ભય પામ્યા છે. (૨૦)
ભાવાર્થ:
હવે અર્જુનને પરમાત્માનું અલૌકિક અને ઉગ્ર સ્વરૂપ દેખાય છે. કે જેનાથી સ્વર્ગ અને પૃથ્વીનું વચલું સંપૂર્ણ આકાશ તથા દિશાઓ વ્યાપ્ત થઇ ગયેલી છે. જે જોઈને ત્રણે લોક વ્યથિત થઇ ગયેલા દેખાય છે.
માણસને વ્યથિત થવાના મુખ્ય કારણો બીમારી, દુઃખ અને મૃત્યુ છે. પરંતુ તેમાંય મોત એક ગહન દુઃખ છે જયારે બીજા બધા દુઃખ તેની છાયા છે. માણસ દુકાને જતો હોય કે ઘેર જતો હોય પરંતુ તે પ્રત્યેક ક્ષણે મોતના મુખમાં જ પ્રવેશ કરતો હોય છે. દરેક વ્યક્તિ એક હાલતીચાલતી, હરતીફરતી લાશ છે. જેની ઉપર મરઘટ જવાની તારીખ - expiry date લખેલી જ હોય છે, પરંતુ તે વાંચી શકાતી નથી. વૈજ્ઞાનિકો ઘડિયાળ જેવું એક યંત્ર બનાવે જે દરેક વ્યક્તિના કાંડે બાંધી રાખીએ, જેમાં મૃત્યુ હવે કેટલું દૂર છે તેનો આંકડો પ્રત્યેક ક્ષણે બતાવતું રહે તો માણસમાં એક જબરદસ્ત પરિવર્તન આવી જાય.
દરેક માણસ મૃત્યુની ક્યૂમાં જ ઉભો છે. પરંતુ ક્યૂમાં તેનો કેટલામો નંબર છે તેની તેને ખબર નથી. મૃત્યુ(પરમાત્મા)નું રૂપ અદ્ભૂત છે અને સાથે સાથે ઉગ્ર પણ છે. જેમ પાનખર ઋતુમાં પાંદડા ખરી જવાથી ઉગ્ર રૂપ દેખાય છે. તો સાથે સાથે વસંતના આગમનની આગાહી રૂપે અદ્ભૂત પણ દેખાય છે. તેવી રીતે મૃત્યુનું ઉગ્ર રૂપ અને નવા જન્મનું અદ્ભૂત રૂપ એકીસાથે અર્જુનને દેખાય છે. જન્મ એ મૃત્યુ તરફનું પહેલું પગલું છે અને મૃત્યુ એ જન્મ તરફનું પહેલું પગલું છે. જન્મ-મૃત્યુ એકબીજાને જોડાયેલા જ છે. જન્મ-મૃત્યુ એક વર્તુળાકાર ઘટના છે. જન્મથી મૃત્યુ અડધું વર્તુળ અને મૃત્યુથી જન્મ બીજું અડધું વર્તુળ મળીને એક આખું જીવનનું વર્તુળ થાય છે. આ જગતમાં કાંઈપણ નષ્ટ થતું નથી. બધું જ વર્તુળાકાર ફર્યા કરે છે, એક પરપોટો ફૂટે છે ત્યારે બીજો પરપોટો પેદા કરવા પાણી છૂટું થાય છે. સમુદ્રમાં એક મોજું પટકાય છે તે બીજા મોજાને ઉત્પન્ન થવાની જગ્યા કરી આપે છે. અને આ ઘટના અનાદિકાળથી ચાલે છે. જન્મ-મૃત્યુ, સુખ-દુઃખ, માન-અપમાન, બધા વિપરીત દ્વંદ્વો એક જ વર્તુળના હિસ્સા રૂપે પરમાત્મામાં સ્થિત જોઈને તે સ્વરૂપ અર્જુનને અદ્ભૂત લાગ્યું અને સાથે સાથે આખું જગત આ વર્તુળમાં ફસાયેલું અને વ્યગ્ર વ્યથિત થયેલું જોઈને તે રૂપ અર્જુનને ઉગ્ર સ્વરૂપ પણ લાગ્યું.