હે યોગેશ્વર પ્રભો ! જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય, તો મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. (૪)
ભાવાર્થ
મન્યસે યદિ તત્ શક્યમ્
જો હું આપનું ઈશ્વરીય રૂપ જોવાને શક્તિમાન હોઉં તેવું આપને લાગતું હોય તો અને જો હું તે રૂપ જોવાને લાયકાતવાળો અધિકારી છું, તેવું આપ માનતા હો તો મારે તે ઐશ્વર્ય રૂપમ-ઈશ્વરીય રૂપ જોવું છે અને તો મને દર્શય આત્માનમ્ અવ્યયમ્ - અવ્યય આત્માને દેખાડો. આમાં
(૧) અવ્યય આત્મા જે નિર્ગુણ, નિરાકાર, અરૂપ, અશરીરી છે - જે નેત્રનો વિષય નથી એવા અદર્શનીય વસ્તુનું દર્શન કરવાની અને સાથે સાથે
(૨) ઈશ્વરીય રૂપ (રૂપ આંખનો વિષય છે) સગુણ સાકાર રૂપના દર્શન કરવાની અર્જુને અભિલાષા વ્યક્ત કરી છે.
અહીં અનેક રૂપ જોવાની ઈચ્છા નથી, પરંતુ અવ્યક્ત આત્માનું જે અખંડ રૂપ છે જે
જે પરમાત્મા પોતાના એક અંશ માત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહ્યા છે તે રૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવું રૂપ જોવાની ઈચ્છા કરવી તે એક મહાન સાહસ (greatest adventure) છે. તેને માટે ચર્મચક્ષુ ના ચાલે. તેને માટે આંખની તમામ શક્તિને પાછી ખેંચી લઈને, અંતર્મુખ કરીને આંતરદિશામાં પ્રવાહિત કરવી પડે.
આંખની ખડકી બંધ કરીને જ ખુલ્લા હૃદયાકાશમાં વિરાટને જોઈ શકાય. આ ઘટનાને ત્રીજું નેત્ર, Third eye. શિવનેત્ર વગેરે કહે છે. પ્રથમ તો
(૧) ચર્મચક્ષુથી આંધળા થઇ જાઓ, સંસાર દેખાતો બંધ થઇ જાય (એટલે કે મનનો લય થઇ જાય) ત્યારે શિવનેત્ર ખુલે અને બીજું
(૨) પોતે સદંતર મરી જાઓ (અર્થાત અહંકાર ખતમ) ત્યારે જ આ પરમ જીવનનો સંસ્પર્શ થઇ શકે. આવી રીતે આંધળા થઇ જવું અને મરી જવું તે ઘણું જ ભયકંર Most dangerous આગ સાથે ખેલ કરવા જેવું દુ:સાહસ છે. બધું જ અસ્તવ્યસ્ત થઇ જાય ત્યારે જ ભગવદ્ભાવમાં મસ્ત થવાય.