અથવા હે અર્જુન ! આ બહુ જાણવાથી તને શું (ફળ) છે? હું (મારા) એક અંશમાત્રથી આ સમગ્ર જગત ધારણ કરી રહેલો છું. (૪૨)
ભાવાર્થ:
જે જે પણ વિભૂતિયુક્ત અર્થાત ઐશ્વર્યયુક્ત તથા કાંતિયુક્ત તથા શકિતયુક્ત વસ્તુ - વ્યક્તિ - પદાર્થ - પ્રાણી છે તે બધાને મારા જ તેજના અંશથી ઉત્પન્ન થયેલા જાણ. જેણે આંખો બંધ રાખી છે તે માણસ સૂર્ય સામે ઉભો ઉભો સૂર્યને પૂછે છે કે હું તમને ક્યાં ક્યાં જોઈ શકું? સૂરજ એક જ જવાબ આપે કે તું જ્યાં જ્યાં પ્રકાશ દેખે ત્યાં ત્યાં હું જ છું - જો તું આંખ ઉઘાડીને જુએ તો.
આખું જગત મારો એક અંશ માત્ર જ છે. આખું જગત ઈશ્વર છે, પરંતુ આખો ઈશ્વર જગત નથી. આખો ઈશ્વર જગત હોય તો ઈશ્વર પણ સીમિત થઇ જાય. જગત સીમિત છે, જયારે ઈશ્વર અસીમ - અનંત છે. ઈશ્વર અનંત હોવાનો અર્થ એ છે કે આ જગત તેની એક અભિવ્યક્તિ છે. તેની બીજી અનેક અભિવ્યક્તિઓ હોઈ શકે - હોય છે અને હોવાની - હોતી રહેવાની.
ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે "વિભૂતિયોગો નામ દશમો અધ્યાયઃ |