દમન કરનારાઓનો દંડ હું છું. જીતવા ઇચ્છનારાઓની નીતિ હું છું. ગુપ્ત ભાવોમા મૌન હું છું. તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું છું. (૩૮)
ભાવાર્થ:
(૬૫) દણ્ડ: દમયતામ્ અસ્મિ
દમન કરનારાઓમાં દંડ અર્થાત દમન કરવાની શક્તિ હું છું. દંડ એટલે ઇન્દ્રિયદમન (સંયમ). ઈન્દ્રિયોનું દમન (નિગ્રહ) અને મનનું શમન (નિરોધ) આ બે ભગવદ્ પ્રાપ્તિ માટે અત્યંત ઉપયોગી છે - અનિવાર્ય છે.
(૬૬) નીતિ: અસ્મિ જિગીષતામ્
જીતવાની ઇચ્છાવાળાઓમાં નીતિ હું છું. નીતિ શબ્દ અહીં ન્યાય વાચક છે. ન્યાય નીતિથી ઉપાર્જન કરેલો ધર્મ - ધન - વિજયમાં જ ખરી સફળતા છે. માટે નીતિ પરમાત્માની વિભૂતિ છે.
(૬૭) મૌનમ્ ચ એવ અસ્મિ ગુહ્યાનામ્
ગુપ્ત રાખવા યોગ્ય ભાવોમાં મૌન હું છું. મૌનનો બાહ્ય અર્થ વાણીનો સંયમ અને આંતરિક અર્થ પરમાત્માનું મનન. અનુદ્વેગકરમ વાક્યમ (ગીતા - ૧૭/૧૫) વાણીનું તપ છે. પરંતુ મૌન (મન: પ્રસાદ: સૌમ્યત્વં મૌનમ - ગીતા ૧૭/૧૬) માનિસક તપ છે - વાણીનું નહીં.
તુલ્ય નિંદા સ્તુતિ: મૌની એ ભક્તનું પણ લક્ષણ છે. (ગીતા - ૧૨/૧૯) ગોપનિયોમાં ગુપ્ત રાખવા યોગ્ય મૌન હું છું. આપણે વાતને છુપાવીએ, વિચારને છુપાવીએ, પરંતુ મૌનને કેવી રીતે છુપાવીએ? તેનો અર્થ એ છે કે કોઈને ખબર ના પડવી જોઈએ કે તમારી અંદર મૌન નિર્મિત થઇ રહ્યું છે. મૌન તે અંતરતમ સંપદા છે. કોઈને પ્રભાવિત કરવા માટે તેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. મનમાં વિચારો ચાલતા રહે તો તે મૌન તૂટ્યું કહેવાય. મૌનનું અંતિમ લક્ષણ નિર્વિચાર અવસ્થા. માત્ર પરમાત્મા સાથે એકતાર થઇ જવાય તે મૌન. અત્યંત Secret રાખવા જેવું છે. અને આવા મૌનમાં પરમાત્મા જડે. ભાષા સંસારમાં ઉપયોગી છે, પરંતુ ભગવદ્પ્રાપ્તિમાં બાધક છે.
(૬૮) જ્ઞાનમ્ જ્ઞાનવતામ્ અહમ્
જ્ઞાનવાનોમાં તત્ત્વજ્ઞાન હું છું. જ્ઞાની એટલે બ્રહ્મજ્ઞાની. જ્ઞાનીનાં લક્ષણો ગીતા અધ્યાય ૧૩માં ૭ થી ૧૧ શ્લોકોમાં આપેલા છે. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના, બારમા અધ્યાયમાં ભક્તના, ચૌદમા અધ્યાયમાં ગુણાતીતનાં અને સોળમા અધ્યાયમાં અભિજાત એટલે કે દૈવીસંપત ધરાવનાર પુરુષના લક્ષણો આપેલા છે. તે બધા લક્ષણો જ્ઞાનીમાં પણ છે. જ્ઞાનીઓનું તત્ત્વજ્ઞાન હું છું. તત્ત્વજ્ઞાનનો અર્થ શાસ્ત્રીય જ્ઞાન નહીં - જાણકારી નહીં - સૂચના નહીં - શાસ્ત્રીયતા નહીં. તત્ત્વજ્ઞાન એટલે માત્ર આત્મિક અનુભવ - સત્યનો નિજી અનુભવ. Self realization. સાંભળેલું - વાંચેલું ઉધાર જ્ઞાનને જે જ્ઞાન માની બેઠા છે તે તત્ત્વજ્ઞાનને નહીં સમજી શકે. જ્ઞાનીને જયારે સમજાય કે હું ખરેખર જ્ઞાની નથી, ત્યારે તે આત્મજ્ઞાનની યાત્રા ઉપર નીકળી શકે. ભર્તૃહરિએ કહ્યું કે -
યદા કિંચિજ્જ્ઞોઽહં દ્વિપ ઇવ મદાંધઃ સમભવં
તદા સર્વજ્ઞોઽસ્મીત્યભવદવાલિપ્તં મમ મનઃ।
યદા કિંચિત્કિંચિદ્બુધજનસકાશાદવગતં
તદા મૂર્ખોઽસ્મીति જ્વર ઇવ મદો મે વ્યપગતઃ॥
અજ્ઞાની અંધકારમાં અટવાય છે. જયારે કહેવાતો, તથાકથિત (so called) જ્ઞાની, ઉધાર જ્ઞાનવાળો જ્ઞાની મહાઅંધકારમાં અટવાય છે. સ્મૃતિ એ જ્ઞાન નથી. જ્ઞાનનો અર્થ પોતાના અસલ સ્વરૂપનો નિજી અનુભવ. નિજી અનુભવ એ જ પરમાત્મા છે. પરમાત્મા સંબંધી જાણો તે જ્ઞાન નહીં. પરમાત્માને ખુદને જાણો તે જ્ઞાન. નિજી અનુભવને માટે કોઈ licensed શાસ્ત્રની જરૂર નથી અને તેને માટે કોઈ એકનો ઈજારો નથી. પરમાત્માને જાણવા માટે દરેકને સ્વરૂપસિદ્ધ અધિકાર છે અને તેને માટે તમામ હકદાર છે.