શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૧૦
વિભૂતિયોગ
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥૨૦॥
અહમ્ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ
અહમ્ આદિ: ચ મધ્યમ્ ચ ભૂતાનામ્ અન્ત: એવ ચ
ભૂતાનામ્ - સઘળા પ્રાણીઓનો
આદિ: - આદિ (ઉત્પત્તિ)
મધ્યમ્ - મધ્ય સ્થિતિ
ચ - અને
અન્ત: - અંત (લય)
ચ - પણ
એવ - છું
ગુડાકેશ - હે નિદ્રાજિત અર્જુન
અહમ્ - હું
આત્મા - આત્મારૂપે
સર્વભૂતાશયસ્થિતઃ - સર્વે ભૂતોના હૃદયમાં રહેલો છું.
ચ - તથા
અહમ્ - હું
હે અર્જુન ! હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. અને ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. (૨૦)
ભાવાર્થ:
ભગવાન કહે છે -
(૧) હું તમામ ભૂતો (Becomings) ના હૃદયમાં સ્થિત બધાંયનો આત્મા છું. તથા
(૨) સંપૂર્ણ ભૂતોનો આદિ - મધ્ય - અંત પણ હું છું.
આ બે બાબતોમાં જ ભગવાનને જે કહેવું છે તે બધું આવી ગયું.
(૧) હું તમામ ભૂતો (Becomings), તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિઓમાં અવ્યક્તરૂપે બિરાજમાન છું. તમામ અનાત્મ તત્ત્વોનો આત્મા હું છું. તમામ પ્રાકૃતિક પદાર્થ, પ્રાણી, વસ્તુ, વ્યક્તિમાં પુરુષરૂપે હું છું. તમામ ક્ષરમાં અક્ષર રૂપે, ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે, મૂર્તમાં અમૂર્ત રૂપે, જડમાં ચેતન રૂપે, વ્યયમાં અવ્યય રૂપે, દેહમાં દેહી રૂપે, સ્થૂળમાં સૂક્ષ્મ રૂપે, સ્થાવરમાં જંગમ રૂપે, દ્રશ્યમાં અદૃશ્યરૂપે, સાકરમાં નિરાકાર રૂપે, પ્રગટમાં અપ્રગટ રૂપે, વ્યક્તમાં અવ્યક્ત રૂપે, વિકારીમાં અવિકારી રૂપે, ચિન્તયમાં અચિન્ત્ય રૂપે, વચનીયમાં અનિર્વચનીય રૂપે, ચળમાં અચળ રૂપે, છેદ્યમાં અચ્છેદ્ય રૂપે, દાહ્યમાં અદાહ્ય રૂપે, કલેદ્યમાં અકલેદ્ય રૂપે, શોષ્યમાં અશોષ્ય રૂપે, અનિત્યમાં નિત્ય રૂપે, ક્ષણભંગુરમાં સનાતન રૂપે, મરચામાં તીખાશરૂપે, ગોળમાં ગળપણ રૂપે, આંબલીમાં ખટાશ રૂપે, મીઠામાં ખારાશ રૂપે, ઝેરમાં કડવાશ રૂપે, અને કાર્યમાં કારણ રૂપે, ઘડામાં માટી રૂપે, બંગડીમાં સોના રૂપે, ટેબલમાં લાકડાં રૂપે, લાકડામાં અગ્નિ રૂપે, અગ્નિમાં દાહકતા રૂપે, પાણીમાં રસ રૂપે, પૃથ્વીમાં ગંધ રૂપે, વાયુમાં સ્પર્શ રૂપે, આકાશમાં શબ્દ રૂપે - હું સમગ્ર રૂપે તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ બધાયમાં બધાયના આત્મારૂપે સમગ્ર વિશ્વમાં અણુએ અણુમાં વ્યાપ્ત છું. મારો X-Ray કોઈપણ વૈજ્ઞાનિક લઇ શકે નહીં. હું ઇન્દ્રિયાતીત છું તેથી
આંખ મને જોઈ શકે નહીં,
કાન મને સાંભળી શકે નહીં,
જીભ મને ચાખી શકે નહીં,
નાક મને સૂંઘી શકે નહીં,
ચામડી મને સ્પર્શ કરી શકે નહીં.
પરંતુ મારી સત્તાથી
આંખ પદાર્થને જોઈ શકે - મને નહીં,
કાન પદાર્થને સાંભળી શકે, મને નહીં.
જીભ પદાર્થને ચાખી શકે, મને નહીં.
નાક પદાર્થને સૂંઘી શકે, મને નહીં.
ચામડી પદાર્થને સ્પર્શ કરી શકે, મને નહીં.