હે કેશવ! આપ જે મને કહો છો, તે સર્વ હું સત્ય માનું છું; હે ભગવન્ ! આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી. (૧૪)
ભાવાર્થ:
અર્જુન કહે છે કે હું આપની વાત સાચી માનું છું, પરંતુ આપના લીલામય સ્વરૂપને દેવો તથા દાનવો પણ જાણી શકતા નથી, તો પછી હું તો કેવી રીતે જાણી શકું? હું માનું છું ખરો, પરંતુ હજુ પુરેપુરો હું આપને જાણી શક્યો નથી, જાણી શકતો નથી. આવી કબૂલાત કરવી તે અર્જુનની ઈમાનદારી છે. આપણે ઈશ્વરમાં માનીએ છીએ પરંતુ ખરેખર જાણતા નથી. જો ઈશ્વરને અનુભૂતિપૂર્વક જાણતા હોય તો તો માણસ કોઈની સાથે ઠગબાજી - લુચ્ચાઈ - કરચોરી - ભ્રષ્ટાચાર કરી શકે જ નહી. પરંતુ આપણે માનવાનો અર્થ જાણું છું એમ કહીએ છીએ તે આપણી બેઈમાની છે. અર્જુન ઈમાનદારીપૂર્વક કહે છે કે, ભગવન્! સંતો, શાસ્ત્રો અને આપના કહેવા ઉપરથી હું આપની મહાનતા માનું છું પરંતુ હજુ હું અનુભૂતિપૂર્વક જાણી શક્યો નથી.