દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. (૩૦)
ભાવાર્થ:
(૩૫) પ્રહ્લાદ: ચ અસ્મિ દૈત્યાનામ્
દૈત્યને ઘરે જન્મેલો પ્રહલાદ પરમાત્માનો પરમભક્ત પાક્યો, જયારે ઇન્દ્રને ઘેર જન્મેલો જયંત અને કુબેરને ઘેર જન્મેલા યમલાર્જુન કામી નીવડયા. - ઘર બંધન નથી. બચપણથી જ તેમનો ઉછેર - upbringing પાલન પોષણ કેવા ઢંગથી થાય છે તેની ઉપર આધાર રાખે છે. માર્કસ કહે છે કે પરિસ્થિતિ બદલો તો માણસ બદલાય અને તેથી કોમ્યુનિઝમ પરિસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. પરંતુ તેમ ના થઇ શકે. પરિસ્થિતિ જડ છે. માણસ ચેતન છે, માલિક છે. ધનાઢ્યનો છોકરો ઉડાઉ પાકે અને ગરીબનો છોકરો તેજસ્વી નીવડે. વિપરીત પરિસ્થિતિને લીધે હું આગળ ના આવી શક્યો, તેવું કહેનાર પોતાની નપુંસકતા impotency જાહેર કરે છે. કમળ કીચડમાંથી નીકળીને પાણીથી પણ પર જઈને - પાણીથી અલિપ્ત રીતે આકાશમાં ખીલે છે અને કીચડમાંથી સુગંધી ખેંચે છે. કમળ અને કીચડને કોઈ બાપ - બેટાનો સંબંધ નથી.
પ્રહલાદ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં ઝઝૂમ્યો, માટે તે પરમાત્માની વિભૂતિ છે.
(૩૬) કાલઃ કલયતામ્ અહમ્
ગણતરીબાજોમાં કાળ (સમય - સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, પક્ષ, માસ, વર્ષ) હું છું.
સમય એક મહાન ગણતરીબાજ છે. જબરજસ્ત કેલકયુલેટર છે. તે એક એક ક્ષણ દરેકને ગણીગણીને આપે છે. કોઈનેય એક સામટી બે ક્ષણ એકી સાથે ના આપે - ના મળે. સમયને તમે deceive છેતરી ના શકો. સમયની ઘડિયાળમાં બે દાણા એક સામટા પડે જ નહીં. કોઈ પણ વ્યક્તિ તેને માટે નિર્માણ કરેલી ક્ષણોથી એક પણ વધારે ક્ષણ જીવી શકે નહીં અને એક પણ ક્ષણ વહેલો મરી શકે નહીં અને વીતેલી એક પણ ક્ષણ પાછી મેળવી શકે નહીં. સમયનું ગણિત બિલકુલ પાકું છે. માટે યુદ્ધમાં જે મરનારા છે તેમને તું એકપણ ક્ષણ વધારે જીવતા રાખી શકે તેમ નથી.અને જે જીવતા રહેવાના છે તેમને તું એકપણ ક્ષણ વહેલા મારી નાખી શકીશ નહીં. ગણતરીબાજ સમય મારી વિભૂતિ છે.
(૩૭) મૃગાણામ્ ચ મૃગેન્દ્ર: અહમ્
પશુઓમાં સિંહ હું છું. સિંહ આપણું રાષ્ટ્રીય પશુ છે. એની ગંભીર અને ઉત્કૃષ્ટ ગર્જના, ધીરોદાત્ત અને દિલદાર મુદ્રા, બાદશાહી એંટ, ભવ્ય સુંદર કેશવાળી, જાણે કે કુદરતી અમીરી, આંખમાં કારુણ્ય, ચહેરા ઉપર દુનિયા પ્રત્યેની બેપરવાઈ જાણે કે ધ્યાનમાં મશગૂલ, વનનો ઐશ્વર્યસભર રાજા તે પ્રભુની પાવન વિભૂતિ છે.
(૩૮) વૈનતેય: ચ પક્ષિણામ્
પક્ષીઓમાં ગરુડ હું છું. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન, કાકભુશુંડીનો શિષ્ય, કશ્યપ-વિનતાનો પુત્ર, પ્રબળ વેગવાન તે પરમાત્માની દિવ્ય વિભૂતિ છે.