હે મહાબાહો ! ફરી પણ મારુ પરમ વચન તું સાંભળ; મારા પર પ્રેમમય બનેલા તને હું એ તારા હિતની ઈચ્છાથી કહીશ. (૧)
ભાવાર્થ:
પરમમ્ વચઃ એટલે રહસ્ય (Secret) અને પ્રભાવયુક્ત વચન. "સૂર્ય પૂર્વમાં ઉગે છે' તે સત્ય વચન કહેવાય કે જે પ્રત્યક્ષ - પરોક્ષ અગર અનુમાન પ્રમાણોથી સત્ય છે તેવું સાબિત થઇ શકે. "સૂર્ય પશ્ચિમમાં ઉગે છે" તે અસત્ય વચન કહેવાય. જે પ્રત્યક્ષ પરોક્ષ અગર અનુમાન પ્રમાણોથી અસત્ય છે તેવું સાબિત થઇ શકે. પરંતુ પરમમ્ વચઃ પરમ વચન જેમ કે "આત્મા અમર છે" તે વચન કોઈ પણ પ્રમાણથી સત્ય છે તેવું પણ સાબિત ના થઇ શકે અને અસત્ય છે તેવું પણ સાબિત ના થઇ શકે. ગીતા કહે છે કે 'ન તત્ સત્ ન તત્ અસત્ ઉચ્યતે' - (શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૩/૧૩). જે અનાદિ પરબ્રહ્મ છે તેને નથી તો "સત્' કહી શકાતું કે નથી તો 'અસત્' કહી શકાતું. અગર તો આ પરમ વચન સત્ય છે તેવા અસંખ્ય પ્રમાણો રજૂ કરનારા આસ્તિકો પણ ઘણા છે અને તે સત્ય નથી અસત્ છે તેવું સાબિત કરનારા અસંખ્ય પ્રમાણો રજૂ કરનારા નાસ્તિકો પણ ઘણા છે. વળી બીજી વખત ભગવાન એમ પણ કહે છે "સત્ ચ અહં અસત્ ચ અહમ્ - (શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૯/૧૯) સત્ પણ હું છું, અસત્ પણ હું છું."
આવા પરમ વચનો જે કોઈ પ્રમાણથી સાબિત ના થઇ શકે, તે રહસ્ય (Secret) છે તે તો માત્ર શ્રદ્ધાથી જ સમજાય.
પરમ વચનનો અર્થ જેની વિપરીત કોઈ વચન ના હોઈ શકે. બીજા સામાન્ય વચનો જે આજે સત્ય લાગે તે કાલે અસત્ય ઠરે અગર તો કાલે અસત્ય હતું તે આજે સત્ય સાબિત થાય. પરમ વચન ત્રણે કાળમાં એક જ રહે - તમે માનો અગર ના માનો તો પણ. પરમ વચન એટલે જેના પક્ષમાં અગર વિપક્ષમાં કોઈ પ્રમાણ ના આપી શકાય. પ્રકાશને હાથથી અડી ના શકાય - કાનથી સાંભળી ના શકાય - જીભથી ચાખી ના શકાય - નાકથી સૂંઘી ના શકાય. આંધળો જોઈ શકે નહીં તો પણ પ્રકાશ છે જ.
આંખો (જ્ઞાનચક્ષુ - શ્રદ્ધા) બંધ હોય તો પ્રકાશ છે તેમ ના કહી શકાય, પરંતુ આંખ ખુલ્લી રાખે તો પ્રકાશ નથી તેમ ના કહી શકાય. માણસ પોતાના અંધાપાને પણ આંખ સમજીને ચાલે તો પછી પ્રકાશના હોવાપણામાં અગર તો ના હોવાપણામાં કોઈ ફેર પડે નહીં. પરમ વચન એટલે તમારી ચાલુ મન:સ્થિતિમાં તમને અસત્ય વચન લાગે, પરંતુ મન: સ્થિતિ બદલાતા સત્ય વચન લાગે.
પરમ વચનનો અર્થ તમે જેવા જે સ્થિતિમાં છો, તે સ્થિતિમાં તમે પ્રમાણ ખોળવા નીકળો તો ના જડે, પરંતુ તમે તે સ્થિતિમાંથી બહાર નીકળીને એટલે કે આંતરિક રૂપાંતરણ (Inner transformation) માટે તૈયાર થાઓ તો તમને પ્રમાણ જરૂર મળે. આખા કાશીના તમામ પંડિતોને જીતી આવ્યા, કેવી રીતે? તો કહે કે તેમણે કહ્યું, "હા" અને મેં કહ્યું "ના". આવો ઘાટ થાય. તમે તમામ પ્રમાણો એકઠા કરવાની ઝંઝટ છોડી દઈને માત્ર શ્રદ્ધા-ભક્તિથી સમજવા ઉત્સુક હો તો જ પરમ વચન સમજાય. વાદ, વિવાદ, તર્ક ના ચાલે.
આવું પરમ વચન અતિશય પ્રેમ રાખનાર (પ્રિયમાણાય) ની આગળ જ કહેવાય. ભગવાન આગળ આજ્ઞા કહે છે કે,
ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥
(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૧૮/૬૭)
આવા પરમ વચન - secrets જે માણસ તપરહિત હોય, અભક્ત હોય, સાંભળવા માટે ઉત્સુક જિજ્ઞાસુ ના હોય અને મારો દ્વેષ કરતો હોય તેના આગળ ના કહેવાય. સાચો ગુરુ અત્યંત પ્રીતિવાળા પ્રેમી એવા શિષ્યને પરમ વચન કહી શકે. સાધારણ શિક્ષક સાધારણ વિદ્યાર્થીને સત્ય વચન શીખવાડે, પરંતુ પરમ વચન (ગુહ્યાત ગુહ્યતરં પરમ્ - ૧૫/૨૦, ૧૮/૬૩) ના કહી શકે. શિક્ષક ધંધાદારી - professional છે. જયારે ગુરુ પોતાનું હૃદય નિ:શુલ્ક ખોલે છે. "પ્રિયમાણાય" અતિશય પ્રેમી એટલે સંદેહ રહિત પ્રેમ હોય તેના આગળ પરમ વચન (ગૂઢ રહસ્ય) કહેવાય.
અને તે પણ "હિત કામ્યયા" શિષ્યના પરમ કલ્યાણ માટે. માત્ર રોટલા રળી ખાવા માટે નહીં. બધા સત્ય વચન હિતકારી નથી હોતા. કેટલાક સત્યો અહિતકારી પણ હોય છે. જયારે પરમ વચન સદાકાળ હિતકારી જ હોય. કેટલીક વખત અસત્ય વચન પણ હિતકારી હોય છે, પરંતુ તેથી કરીને તે પરમ વચન ના કહેવાય. કેટલીક વખત કોઈનું અહિત કરવા આપણે સત્ય વચનનો ઉપયોગ કરીએ છીએ. પરમ વચનમાં માત્ર આનંદ અને પરમકલ્યાણ જ ફલિત થાય છે.