તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકોમાં વ્યાપીને રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો. (૧૬)
ભાવાર્થ:
માટે હે ભગવન્ ! આપ જ આપની દિવ્ય વિભૂતિઓને આપના સ્વમુખે સંપૂર્ણપણે કહેવાને યોગ્ય છો અને સમર્થ પણ છો કે, જે વિભૂતિઓ દ્વારા આપ આ તમામ લોકોને વ્યાપ્ત કરીને સ્થિત છો. આપની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરવામાં નારદ - વ્યાસની વાણી પણ કમજોર ઠરશે - આપની સમગ્રતા (Totality)નું વર્ણન ખુદ શેષનારાયણ અને સરસ્વતી પણ નહી કરી શકે - આપના પરમાત્માના સંબંધમાં અત્યાર સુધીમાં જેટલા વક્તવ્ય થયા છે તે બધા જ આંશિક (Partially) થયા છે. કોઈ વક્તવ્ય સમગ્રતયા થયા જ નથી - થઇ શકે પણ નહીં. છ દાર્શનિકો પણ આપના સ્વરૂપનું પૂર્ણતયા (Totally) દર્શન કરી શક્યા નથી. આખું આકાશ સમગ્ર રીતે કોણ જોઈ શકે? ભક્તો આપને સગુણ સાકાર માને છે. જ્ઞાનીઓ આપને નિર્ગુણ નિરાકાર માને છે. શંકરાચાર્ય આપને પૂર્ણ માને છે, બુદ્ધ આપને શૂન્ય માને છે. પરંતુ કોઈ આપને પૂરેપૂરા જાણતું નથી. માટે આપ પોતે જ આપની સમગ્રતા (Totality) ખોલીને બતાવો.