Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

શ્રીભગવાનુવાચ :
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ॥૧૯॥

હન્ત તે કથયિષ્યામિ દિવ્યા: હિ આત્મવિભૂતયઃ

પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ ન અસ્તિ અન્ત: વિસ્તરસ્ય મે

શ્રી ભગવાન બોલ્યા:

હિ - કારણ કે

કુરુશ્રેષ્ઠ - હે કુરુશ્રેષ્ઠ !

મે - મારા

વિસ્તરસ્ય - વિસ્તારનો

અન્ત: - પાર

ન અસ્તિ - નથી

હન્ત - ભલે

દિવ્ય આત્મવિભૂતયઃ - મારી દિવ્ય વિભૂતિઓ

તે - તને

પ્રાધાન્યતઃ - પ્રધાનપણે

કથયિષ્યામિ - કહીશ

શ્રી ભગવાન બોલ્યા:

હે કુરુશ્રેષ્ઠ! સારું, મારી દિવ્ય વિભૂતિઓ મુખ્યત્વે હું તને કહું છું; કેમ કે મારા વિસ્તારનો અંત નથી. (૧૯)

ભાવાર્થ:

પરમાત્મા હવે જવાબ આપે છે કે મારી વિભૂતિઓ તો અનંત છે, પરંતુ હું તેમાંની જે મુખ્ય વિભૂતિઓ છે તે જ તને કહીશ.

તમારે મુંબઇનો પરિપૂર્ણ વિગતવાળો નકશો બનાવવો હોય કે જેમાં દરેકે દરેક ખૂણો ખાંચરો ઈંચેઈંચનાં માપવાળો આવી જાય તો તેવો નકશો તમે કદાપિ બનાવી શકો જ નહિ, કારણ કે એવો નકશો તો મુંબઈ જેવડો જ થાય. અને જો આખા મુંબઈ જેવડો નકશો બનાવો તો પછી તે નક્શાનું કોઈ પ્રયોજન જ ના રહે. આખા મુંબઇનો નકશો એવડો જ બનાવાય કે જે ખિસ્સામાં અગર તો બેગમાં સમાઈ શકે અને તો જ તે નકશો કામમાં આવી શકે અને ઉપયોગી થઇ શકે. આખા મુંબઇનો નકશો આખા મુંબઈ જેવડો બનાવો તો તે નકશો લઈને તમે ફરી શકો જ નહિ. અને કદાચ આખા મુંબઈ જેવડા નકશાને લઈને તમે મુંબઈમાં ફરો તેના કરતા તો તમે આખા મુંબઈમાં જ ફરી લો તે બહેતર છે - નકશાની જરૂર જ નથી. આખું મુંબઈ જ આખા મુંબઇનો સાચો detailed નકશો છે. આખા ભારતનો નકશો exactly આખા ભારત જેવડો બરાબર ઇંચે ઇંચ paralleled સમાન્તર રતિભાર પણ ફેરફાર વગરનો બનાવવો હોય તો એક નવું આખું ભારત જ બની જાય.

નકશાનો અર્થ જ એ છે કે તેને હાથમાં રાખીને તમે મુંબઈની ગલીએ ગલીમાં નકશામાં જોઈ જોઈને ફરી શકો. નકશાનો અર્થ જ એ છે કે તે અસ્તિત્વની વાસ્તવિકતા તરફ ઈશારો માત્ર કરી શકે - આખી વાસ્તવિકતા ના ચીતરી શકે.

એ જ પ્રમાણે શ્રીકૃષ્ણ પરમાત્માનું (સંપૂર્ણ અસ્તિત્વનું - Total/absolute existence) પૂરેપૂરું વર્ણન કરે તો તેનો અંત જ ના આવે. આટલું મોટું લાંબું - પહોળું પ્રત્યક્ષ અસ્તિત્વ મોજૂદ હોવા છતાં અર્જુન તેને નથી સમજી શકતો તો પછી તેના ભાષાના માધ્યમમાં વર્ણવેલા વિસ્તારને કેવી રીતે સમજી શકે? અને જો અસ્તિત્વના સંપૂર્ણ વિસ્તારને સંપૂર્ણપણે સમજવું હોય તો તે અસ્તિત્વ પોતે જ પૂરતું છે - તે અસ્તિત્વને સમજી લેવું બસ છે.

એટલા માટે પરમાત્મા કહે છે કે, મારુ અનંત અનંત ઐશ્વર્ય અને વિભૂતિનું પૂરેપૂરું વર્ણન કરવા કરતા તેના મુખ્ય મુખ્ય અંશનો નકશો તને આપું જેનાથી તું સમગ્ર અસ્તિત્વની વિશાળતાની કલ્પના કરી શકીશ. મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓનો નકશો હું તને આપીશ જેના આધારે મારી સમગ્રતાને - Totalityને માપવા તું કોશિશ કરી શકીશ.