હે જનાર્દન ! આપનો યોગ અને વિભૂતિ ફરી વિસ્તારથી આપ કહો; કેમ કે (આપના વચનરૂપ) અમૃત સાંભળતા મને તૃપ્તિ થતી નથી. (૧૮)
ભાવાર્થ:
ભૂયઃ વિસ્તરેણ કથય: ! ફરીથી વિસ્તારપૂર્વક કહો. અમૃતં શૃણ્વતઃ મે તૃપ્તિ: નાસ્તિ. આપની અમૃત જેવી વાણી સાંભળતા મને તૃપ્તિ થતી નથી. હજુ અસંતોષ રહી ગયો છે. સાધારણ રીતે આપણે એમ માનીએ છીએ કે ભગવાનના ભક્તો સંતોષી હોય છે. પરંતુ ભગવદ્ભક્તોમાં એક મહાન દિવ્ય અસંતોષ સળગતો હોય છે અને જયારે ભક્તના હૃદયમાં ભગવદ્પ્રાપ્તિ માટે એક ઉત્કૃષ્ટ અસંતોષની જ્વાળા ઉઠે છે ત્યારે તે ભૌતિક સુખો માટે સંતોષી થઇ જાય છે કારણ કે પછી ભૌતિક સુખો તેને માટે તુચ્છ બની જાય છે.
ગીતાના નવમા અધ્યાય સુધી અને દસમા અધ્યાયના ૧૧ શ્લોકો સુધી ભગવાને પોતાના ઐશ્વર્યની, યોગની, વિભૂતિની, પરમ ઐશ્વર્યની વિસ્તારપૂર્વક છણાવટ કરેલી છે. છતાં અર્જુન તેની હજુ પણ વધારે વિસ્તારથી રજૂઆત માંગે છે.
ખરેખર તો કોઈનો પરિચય કરવો હોય તો વિસ્તારપૂર્વક વિવેચન કરવું પડે. પરંતુ તેના સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેને માટે વિસ્તારપૂર્વક વિવેચન કરવાની જરૂર નથી. પરિચય માટે વિસ્તાર કરવો પડે. જ્ઞાન માટે સંક્ષેપમાં જ કહેવાય. જ્ઞાનની ભાષા 'સૂત્રાત્મક' હોય છે, પરિચયની ભાષા લખાણવાળી હોય છે.
પરિચયમાં વિસ્તાર - extensiveની મહત્તા છે, જ્ઞાનમાં ઊંડાણ (intensive)ની મહત્તા છે.
પરિચય વિસ્તાર માંગે છે, જ્ઞાન ગહેરાઈ માંગે છે.
જે લોકો જ્ઞાનને વિસ્તાર સમજે છે તે જ્ઞાનથી ચૂકી જાય છે. જે જ્ઞાનને ગહેરાઈ - ઊંડાણ - intensity સમજે છે તે જ્ઞાનને ઉપલબ્ધ થાય છે. જેને પોતે અજ્ઞાની છે તેવું જ્ઞાન થાય છે તે મહાજ્ઞાની છે. જેને હું મહાજ્ઞાની છું તેવો અહંકાર છે તે મહાઅજ્ઞાની છે. જે વિસ્તારપૂર્વક બધું જાણે છે - આખી દુનિયાની વાતો જાણે છે, તે કશું જ જાણતો નથી. જે અંતર્મુખ થઈને (interovert) આત્માને જાણે છે. તેને બીજું કશુંય જાણવાનું બાકી રહેતું નથી. ભર્તૃહરિ પોતે કબુલ કરે છે કે -
યદા કિંચિત્ જ્ઞોઽહં દ્વિપ ઇવ મદાન્ધઃ સમભવમ્ ।
તદા સર્વજ્ઞોઽસ્મીતિ અભવદાવલિપ્તં મમ મનઃ ॥
યદા કિંચિત્ કિંચિત્ બુદ્ધજનલશકાશાત્ અવગતં,
તદા મૂર્ખોઽસ્મીતિ જ્વર ઇવ મદઃ મે વ્યપગતઃ ॥
૮૦ વર્ષના બુઢ્ઢા પાસે દુનિયાની જાણકારી (information) વધારે હોય પરંતુ જ્ઞાનમાં મીંડું. ઇતિહાસમાં જે મહાજ્ઞાનીઓ થઇ ગયા - બુદ્ધ, મહાવીર, જીસસ, શંકરાચાર્ય, વિવેકાનંદ, રામતીર્થ, મહંમદ, નાગાર્જુન, વસુબન્ધુ, લાઓત્સે, સહજાનંદ આ બધા બુઢ્ઢા થઈને જ્ઞાની નથી થયા. મોટા મોટા પંડિતો પણ જેમણે શાસ્ત્રોની મોટા વિસ્તારપૂર્વક જાણકારી મેળવી છે તે બધા લુખ્ખા પંડિતો જ રહ્યા અને તદ્દન અંગુઠા છાપ - અભણ કબીર - મહંમદ - જીસસ - નાનક જે કોઈ કદાપિ નિશાળે ગયા નથી તે મહાજ્ઞાનને ઉપલબ્ધ થયા છે. વિસ્તાર જ્ઞાન નથી, પરિચય છે.
અર્જુનના મનમાં કદાચ એવો ખ્યાલ રહ્યો હશે કે, હું હજુ વધારે વિસ્તારથી સાંભળું તો મને ચોક્કસ વધારે જ્ઞાન થાય અને તૃપ્તિ થાય, પરંતુ ગહેરાઈથી જાણવા માટે સ્વયં પોતાને ગહેરાઇમાં ઉતરવું પડે. ઉપરછલ્લી લાંબી વિસ્તારવાળી માહિતી - પરિચય - information - એકઠી કરવાથી જ્ઞાન ના થાય. વ્યાકરણના બધા ક્રિયાપદો ગોખી નાખવાથી જ્ઞાન ના થાય.
More the resourceful in worldly affairs and information, more the poor in wisdom and knowledge. (આત્મજ્ઞાન)
More the money, more the miser.
પૈસાદાર કંજૂસ હોય છે - ગરીબ ઉદાર હોય છે.
અર્જુન કદાચ એમ માનતો હશે કે, વધારે વિસ્તારથી ભગવાન કહે તો સમજાય. ભગવાન આખો દસમો અધ્યાય વિસ્તારથી કહેશે તો તે એવા ખ્યાલથી કહેશે કે, અર્જુનને ખાતરી થાય કે ગમે તેટલા વિસ્તારથી કહીશ પણ તેને પૂરું નહિ સમજાય અને તેથી ફરીથી ૧૧માં અધ્યાયમાં પહેલા ચાર શ્લોકોમાં અર્જુન વધારે સમજણ માટે માંગણી કરે છે. સમજણ માટે સામો માણસ કેટલું બોલે છે અગર બતાવે છે તે કિંમતી નથી, પરંતુ તેમાંથી તમે કેટલું grasp કરો છો અને તેનાથી તમારા જીવનમાં કેટલું રૂપાંતર (inner transformation) થાય છે, તે મહત્વનું છે.
પરમાત્માના વચનો ધર્મનાં પરમ વચનો છે અને તેનો ગમે તેટલો વિસ્તાર તે કરે તો પણ અર્જુનને તૃપ્તિ થવાની નથી. ગીતા દરરોજ વાંચો અને તમને તૃપ્તિ થાય અને હવે તમે ધરાઈ જાઓ અને વાંચવામાં કંટાળો આવે તો સમજવું કે તમે ગીતા નથી વાંચતા પરંતુ કોઈ સાહિત્યની ચોપડી કે નોવેલ વાંચો છો. તમે જો ખરેખર ગીતા વાંચતા હો તો તમે અનેક વખત તે વાંચો તો પણ તમને દરેક વખતે કાંઈક નવીન જ સ્વાદ આવે. તમને "સ્વાદુ સ્વાદુ પદે પદે" લાગે. "ક્ષણે ક્ષણે યદ્દ નવતામ ઉપૈતિ". પ્રત્યેક ક્ષણે પ્રત્યેક પદમાં તમને અલૌકિક નવીનતા જ લાગે - તૃપ્તિ થાય જ નહીં. દરેક તૃપ્તિ પછી ઉબ આવી જાય છે - boredom થઇ જવાય છે. તુપ્તિ ઉબમાં પરિવર્તિત થઇ જાય છે. દુનિયામાં કોઈ પણ ભૌક્તિક સુખ એવું નથી કે જેનાથી તમને આખરે ઉબ ના આવી જાય. એક માત્ર આનંદ (સુખ દુઃખથી પર)માં જ ઉબ ના આવે, કારણ કે આનંદ કદાપિ જૂનો પુરાણો થતો નથી - રોજેરોજ તાજો જ બની રહે છે. પરમાત્માની વાણીમાં આનંદ તરફનો ઈશારો છે જે જાણીને નહીં સમજાય, પરંતુ તેને પામીને અને તે પ્રમાણે જીવી જાણીને જ સમજાય.