શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૧૦
વિભૂતિયોગ
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ ।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥૧૧॥
તેષામ્ એવ અનુકમ્પાર્થમ્ અહમ્ અજ્ઞાનજમ્ તમઃ
નાશયામિ આત્મભાવસ્થ: જ્ઞાનદીપેન ભાસ્વતા
(અને હે અર્જુન ! )
અહમ્ - હું
ભાસ્વતા - પ્રકાશિત
જ્ઞાનદીપેન - જ્ઞાનરૂપી દીવા વડે
તમઃ - (આવરણરૂપ) અંધકારને
નાશયામિ - નષ્ટ કરું છું.
તેષામ્ - તેમના ઉપર
અનુકમ્પાર્થમ્ - અનુગ્રહ માટે
અજ્ઞાનજમ્ - અજ્ઞાનથી ઉત્પન્ન
એવ - જ
આત્મભાવસ્થ: - (તેમના અંતઃકરણમાં) આત્મારૂપે રહેલો
તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો નાશ કરું છું. (૧૧)
ભાવાર્થ:
પરમાત્મા જ જેનો સંસાર બની ગયો - પરમાત્મા જ જેની વાસના - ઇચ્છા - પ્રાર્થના બધું જ જેનું પરમાત્મા જ બની ગયા તેવી વ્યક્તિમાં આપોઆપ વ્યવસાયાત્મિકા બુદ્ધિ - બુદ્ધિયોગ ઉપલબ્ધ થઇ જ જાય. તેનામાં શીલ - સમાધિ અને પ્રજ્ઞા આપોઆપ પ્રગટ થાય.
શીલનો અર્થ જે ક્રિયાકર્મ કરો છો તે.
સમાધિનો અર્થ તમે જે થઇ જાઓ (શાંતચિત્ત) તે, અને
પ્રજ્ઞાનો અર્થ જે તમારામાં ખીલે છે (આત્માનંદ) તે,
શીલથી જીવન રૂપાંતરિત થાય, સમાધિમાં ચેતના રૂપાંતરિત થાય,
પ્રજ્ઞાનો અર્થ બંનેનું રૂપાંતરણ થતા જે આત્માનંદની ઉપલબ્ધી થાય તે - તેને બુદ્ધિયોગ કહેવાય. આપણે આપણી જાતને જે બુદ્ધિમાન માની બેઠા છીએ તે બુદ્ધિયોગ ના કહેવાય. જે બુદ્ધિ પરમાત્માની સાથે યોગ - joint કરી આપે તેને બુદ્ધિયોગ કહેવાય. બુદ્ધિયોગ એટલે intelligence - અક્કલ નહીં, પરંતુ wisdom પ્રજ્ઞાવસ્થા - જે પરમાત્મા સાથે એકત્વનો - ઐક્યનો અનુભવ કરે. દુનિયાના કહેવાતા બુદ્ધિશાળીઓ (having refracted intelligence) પરમાત્માની દ્રષ્ટિમાં પહેલા નંબરના બુદ્ધુઓ કહેવાય.
આપણું (intelligence) શિક્ષણ આપણને જૂઠો બુદ્ધિયોગનો ભ્રમ પેદા કરીને આપણામાં તણાવ (Tension) ઉભો કરીને આપણને નુકશાન કરે છે. કહેવાતા બુદ્ધિમાન માણસોમા બુદ્ધિમત્તા હોતી નથી. ભૌતિક શિક્ષણ (materialistic intelligence ) જે યુનિવર્સિટીઓમાં અપાય છે તે બુદ્ધિયોગ નથી. તે માત્ર અજ્ઞાન (ભૌતિક જ્ઞાન - information) છે. આત્મજ્ઞાન જ એકમાત્ર જ્ઞાન છે, બાકીનું બધું જ અજ્ઞાન છે. (અજ્ઞાનમ્ યદતોન્યથા). અજ્ઞાન એટલે ભૌતિક જ્ઞાન (Physics. Chemistry etc. ).
અજ્ઞાનમાં પરમાત્મા સંસારરૂપે દેખાય છે.
જ્ઞાનમાં સંસાર પરમાત્મારૂપે દેખાય છે.
અંધકારમાં રજ્જુ સર્પરૂપે દેખાય છે.
અજવાળામાં રજ્જુ રજ્જુ રૂપે યથાર્થ દેખાય છે. - સર્પ છે જ નહીં, હતો જ નહીં.