વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણીઓમાં ચેતના હું છું. (૨૨)
ભાવાર્થ:
૨૧ માં શ્લોકમાં ભગવાને ચાર વિભૂતિઓ ગણાવી. હવે આ ૨૨ માં શ્લોકમાં બીજી ચાર વિભૂતિઓ બતાવે છે.
(૫) વેદાનામ્ સામવેદ: અસ્મિ
ચારેય વેદોમાં સામવેદ મારી વિભૂતિ છે. ઋગ્વેદ જ્ઞાનપ્રધાન છે, યજુર્વેદ યજ્ઞપ્રધાન છે, અથર્વવેદ વિધિ - નિષેધ પ્રધાન છે જયારે સામવેદ ભક્તિ પ્રધાન છે. વળી સામવેદ પાંડિત્યનો સિદ્ધાંતનો નહિ, પરંતુ સંગીત - ગીતનો વેદ છે. ગીતામાં પણ ગીત અને ભક્તિની પ્રધાનતા છે. તેથી ગીતા અને સામવેદનું સામ્ય છે. સામવેદ ગીત - સંગીત - લય - નૃત્ય અને તલ્લીનતાનું શાસ્ત્ર છે, તેથી બંસી બજૈયા શ્રીકૃષ્ણ સ્વરૂપ છે. વેદોમાં સામવેદ હું છું એટલે કે સમસ્ત ધ્વનિઓમાં સંગીત હું છું.
(૬) દેવાનામ્ અસ્મિ વાસવઃ (ઇન્દ્ર)
ઇન્દ્ર બધા દેવોનો રાજા અને તેમનામાં સર્વશ્રેષ્ઠ હોવાથી તેને પરમાત્માએ પોતાની વિભૂતિ ગણાવી છે.
(૭) ઇન્દ્રિયાણામ્ મન: ચ અસ્મિ
ઇન્દ્રિયોમાં મન હું છું. બધી ઇન્દ્રયો મનમાં એકઠી થાય છે. એકત્રિત થાય છે. "આ પેંડો છે" એવું કાન સાંભળે છે એટલે આંખ પેંડાનો કલર રંગ જુએ છે, નાક પેંડાને સૂંઘે છે, જીભ પેંડાને ચાખે છે, સ્પર્શેન્દ્રિય તેનો સ્પર્શ કરે છે, પગ પેંડાને લેવા માટે દોડે છે, હાથ તેને લે છે અને આ બધી ઇન્દ્રિયોનો સંગ્રહ જે મન છે તે મન તેનો ઉપભોગ કરે છે અને મનન કરે છે. બધી ઇન્દ્રિયો પોતાનો અલગ અલગ અનુભવ મનને કહે છે. બધી ઇંદ્રિયોની કેન્દ્રીય ઇન્દ્રિય મન છે. મન બેહોશ થઇ જાય તો બધી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઇ જાય.
(૮) ભૂતાનામ્ અસ્મિ ચેતના
ભૂત પ્રાણીઓમાં ચેતનતા અર્થાત જ્ઞાનશક્તિ હું છું. મનથી આગળ પ્રાણીમાત્રમાં રહેલી ચેતના - જાણવાની ક્ષમતા - Consciousness હું છું. ચેતના એટલે તમામ જ્ઞાનનો જ્ઞાતા, તમામ દ્રશ્યનો દ્રષ્ટા, તમામ ધ્યાનનો ધ્યાતા - જેનો કોઈ જ્ઞાતા નહીં - દ્રષ્ટા નહીં - ધ્યાતા નહીં તે ચેતના (હોશ - Awareness. Consciousness means Subjectivity - the ultimate Subjectivity) આખરી જાણકારી - ચૈતન્ય - ચેતન - ચિત્ત - જ્ઞાનશક્તિ તે હું છું. પ્રાણીની અંદર જે ગહનતમ કેન્દ્ર - બધાંયથી ઘેરું જે છુપાયેલું કેન્દ્ર છે તે ચેતના જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, છાતીના ધબકારા, લોહીનું પરિભ્રમણ - ખાધેલાનું પાચન વગેરે ક્રિયાઓ જે સતત કરે છે અને જે ભૂખ - તરસ - મળત્યાગનું ભાન કરાવે છે તે ચૈતન્ય હું છું.
સમસ્ત પ્રાણીઓની જે જ્ઞાનશક્તિ છે જેના દ્વારા તેને સુખદુઃખનો અને સમસ્ત પદાર્થોનો અનુભવ થાય છે - જે અંતઃકરણની વૃત્તિ વિશેષ છે - ગીતાના તેરમા અધ્યાયના સાતમા શ્લોકમાં જેની ગણના ક્ષેત્રના વિકારોમાં કરેલી છે - તે જ્ઞાનશક્તિનું નામ ચેતના - જે સમસ્ત પ્રાણીઓના સમસ્ત અનુભવોની હેતુભૂતા પ્રધાનશક્તિ છે તે ચેતના પરમાત્માની વિભૂતિ છે.