હે યોગેશ્વર, આપનું હંમેશા ચિંતન કરતો હું આપને કેવી રીતે જાણી શકું? તથા હે ભગવાન ! ક્યા ક્યા ભાવો પદાર્થોમાં આપ મારે માટે ચિંતન કરવા યોગ્ય છો? (૧૭)
ભાવાર્થ:
અને ક્યા ક્યા ભાવથી હું આપણું ચિંતન નિરંતર કરું તે પણ મને સમજાવો. મારી યોગ્યતા - પાત્રતા - મારી સંભાવનાનો ખ્યાલ રાખીને મારે આપને ક્યા ક્યા ભાવથી ભજવા તે મને સ્પષ્ટ કરી આપો. પરમાત્માને કોઈ પણ એક ભાવથી પામી શકાય છે, કારણ કે દરેક વ્યક્તિની પોતાની યોગ્યતા - પાત્રતા - સંભાવના ઉપર તેનો આધાર છે.
જિન્હકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી.
પરમાત્માને ગોપીઓ કામભાવથી પામી, હિરણ્યકશિપુ ક્રોધભાવથી પામ્યો, હિરણ્યાક્ષ લોભભાવથી પામ્યો. કંસ મોહભાવથી પામ્યો, રાવણ મદભાવથી પામ્યો. શિશુપાલ માત્સર્યભાવથી પામ્યો, યશોદા રાગ(વાત્સલ્ય) ભાવથી પામી. પૂતના - સૂર્પણખા દ્વેષભાવથી પામી, શબરી ભક્તિભાવથી પામી, દેવહુતિ પુત્રભાવથી પામી, મીરા પતિભાવથી પામી, કુબ્જા જારભાવથી પામી.
કેટલાક જનક જેવા કર્મયોગથી પ્રભુને પામે, હૃદયવાદીઓ (પ્રેમ - વાત્સલ્ય ભાવથી ઉભરાતા) પરમાત્માને ભક્તિયોગથી પામે જયારે બુદ્ધિવાદીઓ પરમાત્માને જ્ઞાનયોગથી પામે.
અર્જુનનો સવાલ એ છે કે હું ક્યા ભાવથી, કર્મ, જ્ઞાન કે ભક્તિયોગથી આપનું ચિંતન કરું અને કેવા પ્રકારે આપનું ચિંતન કરું.