વળી સર્વનો સંહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓનું ઉત્પત્તિ કારણ હું છું. અને સ્ત્રી (વાચક નામો)માં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા હું છું. (૩૪)
ભાવાર્થ:
(૪૯) મૃત્યુઃ સર્વહર: ચ અહમ્
તમામનો નાશ કરનાર મૃત્યુ હું છું.
જન્મ અને મૃત્યુની ઘટના તમારા હાથની વાત નથી. પરમાત્માના હાથની વાત છે. જે જન્મ આપી શકે તે જ મૃત્યુ આપી શકે. માટે તમામ ધર્મો તમારી મેળે આપઘાત કરવાની ના પાડે છે. અને બીજાઓની હિંસા કરવાની ના પાડે છે. આપઘાત અને હિંસા પરમાત્માની વિરુદ્ધનું વર્તન છે. જેને જીવાડવાની શક્તિ કે અધિકાર નથી તેને કોઈને મારવાનો પણ અધિકાર નથી. ભીષ્મ - દ્રોણ - કર્ણ વગેરે મૃત્યુના (પરમાત્માના) મુખમાં પ્રવેશી ચૂકેલા હતા (મયા હતા: ત્વં જહિ મા વ્યથિષ્ઠા:|) તેથી અર્જુન તેમને મારવામાં નિમિત્ત માત્ર થઇ શક્યો. નહીં તો અર્જુનની પોતાની તાકાત નથી કે ઈશ્વર ઈચ્છા વિરુદ્ધ તે એક કીડીને પણ મારી શકે.
ગીતામાં ભગવાને અર્જુનને હિંસા કરવાનો ઉપદેશ આપ્યો જ નથી. માત્ર નિમિત્ત થવાનો ઉપદેશ આપ્યો છે. ગીતામાં હિંસાનો ઉપદેશ છે તેવું દેખાય છે; પરંતુ ગીતામાં તો પરમ અહિંસક દ્રષ્ટિ છે, જે મહાવીર અને બુદ્ધની અહિંસા કરતા પણ અત્યંત ગહન છે, કારણ કે મૌલિક અહિંસાનો આધાર અહંકાર છે જેને પરમાત્મા તોડી નાખે છે. "હું ધારું તેને મારી નાખી શકું છું. - હું હિંસક છું." તેમ કહેવું તે અહંકાર છે. તેવી જ રીતે "હું કોઈને મારુ જ નહીં - હું ચુસ્ત અહિંસક છું." તેમ કહેવું તે પણ સૂક્ષ્મ અહંકાર છે. તું હિંસક પણ નથી અને અહિંસક પણ નથી. તું નિમિત્તમાત્ર છે. મારવું અગર જીવાડવું તે મૃત્યુ (કાળ - પરમાત્મા)ના હાથની વાત છે.
સુખસ્ય દુઃખસ્ય ન કોઽપિ દાતા, પરો દદાતિ ઇતિ કુબુદ્ધિઃ એષા।
અહં કરોમિ ઇતિ વૃથા અભિમાનઃ, સ્વકર્મ સૂત્રાત્ ગ્રથિતઃ હિ લોકઃ॥
કાહુ ન કોઉ સુખ દુઃખકર દાતા, નિજકૃત કર્મ ભોગ સમ ભ્રાતા ||
મૃત્યુના મુખમાં પડી ચૂકેલાને મારી નાખવા માટે સર્પદંશ - અગ્નિ - એક્સિડન્ટ - રોગ વગેરે નિમિત્તમાત્ર જ છે. હું સર્વહર: તમામનું હરણ કરનાર - આંચકી લેનાર - પડાવી લેનાર - મૃત્યુ (કાળ) છું. તારી પાસે અઢળક ધન - સંપત્તિ - વૈભવ - પરિવાર હોય તે તમામ હું મૃત્યુ (કાળ) એક જ ક્ષણમાં એક જ તમાચો મારીને પડાવી, આંચકી લઇ શકું છું. તેમાં તારું કાંઈ ચાલે નહીં.
(૫૦) ઉદ્ભવ: ચ ભવિષ્યતામ્
ભવિષ્યમાં નિર્મિત થનાર તમામનું ઉત્પત્તિ કારણ (ઉપાદાન - નિમિત્ત) કારણ હું છું. કોઈ માણસ અહંકાર ના કરી શકે કે હું અમુક વસ્તુનો નિર્માતા છું. બાળકને જન્મ આપનાર માતા પિતા પણ અહંકાર ના કરી શકે કે ગર્ભમાં બાળકના શરીરનું નિર્માણ કરનાર અમે છીએ. બધી વસ્તુઓનું નિર્માણ પરમાત્મા જ કરે છે. માના ઉદરમાં બાળકનું શરીર ઘડાય છે, છતાં માને ખબર નથી પડતી કે બાળકના શરીરને કાન ક્યારે ચોંટાડયા, નાક ક્યારે બેસાડયું, પગ ક્યારે ઉગાડયા વગેરે શરીરના બધા અંગો કયારે અને કેવી રીતે બન્યા તેનું માતાને કાંઈ ભાન પડતું નથી. કારણ કે, આ બધું પરમાત્મા પોતે જ પોતાની પ્રકૃતિ દ્વારા કરી રહ્યા છે માટે જગતની કોઈ પણ વસ્તુનું હું નિર્માણ કરું છું તેવો અહંકાર કરવાનો કોઈને અધિકાર નથી. માત્ર પરમાત્મા જ સમગ્ર વિશ્વનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. સર્વ કારણોનું પણ કારણ પરમાત્મા છે.
સર્વ કારણકારણાય નમો નમઃ |
(૫૧) નારીણામ્ કીર્તિઃ શ્રી: વાક્ સ્મૃતિ: મેધા ધૃતિઃ ક્ષમા અહં
નારી શક્તિઓમાં - સ્ત્રી લિંગીઓમાં આ સાત મારી વિભૂતિઓ છે.
૧) કીર્તિ - એટલે (Honour) ઈજ્જત - જેનાથી વ્યક્તિ (Honourable) માનનીય ગણાય.
૨) શ્રી: - એટલે લક્ષ્મી, જેનાથી વ્યક્તિ શ્રીમાન ગણાય.
૩) વાક્ - એટલે વાણી જે પવિત્ર અને જ્ઞાન સંપન્ન હોય, જેનાથી વ્યક્તિ વિદ્વાન વક્તા ગણાય.
૪) સ્મૃતિ - એટલે ભૂતકાળમાં અનુભવ કરેલ વિષયનું પુન:સ્મરણ. આ શક્તિ ધરાવનાર વ્યક્તિ અનુભવી ગણાય.
૫) મેધા - એટલે તીવ્ર ગ્રહણ શક્તિ. સ્મૃતિ અને મેધાનો સંબંધ બુદ્ધિ સાથે છે. આ શક્તિ ધરાવનાર વ્યક્તિ મેધાવી કહેવાય.
૬) ધૃતિ: - ધીરજ - ધૈર્ય - ધારણ શક્તિ. આ માનસિક વૃત્તિ છે.
૭) ક્ષમા - એટલે વ્યાપક નિર્વિકારતાને કારણે ક્રોધ વૃત્તિ કદાપિ ઉઠે જ નહીં, તેનું નામ ક્ષમા. ક્રોધ પેદા થાય ત્યારે તેને બહાર પ્રગટ ના થવા દેતા તેને અંદર મનમાં શમાવી દે તેનું નામ "અક્રોધ", પરંતુ ક્રોધ પેદા જ ના થાય તેનું નામ "ક્ષમા".