સામવેદના વિભાગોમાં બૃહત્ સામ અને છંદોમાં ગાયત્રી હું છું; મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંતઋતુ હું છું. (૩૫)
ભાવાર્થ:
(૫૨) સામ્નામ્ બૃહત્સામ્ અહમ્
ગાયન કરવા યોગ સામવેદની શ્રુતિઓમાં (સામ્નામ્ ) હું બૃહત્સામ છું, સામવેદ ભક્તિપ્રેરક છે. (શ્લોક ૨૨)
તેમાં જે વિશેષ ગીત ગવાયું છે તેને બૃહત્ સામ કહે છે. બૃહદ (વ્યાપક) ધાતુ ઉપરથી બ્રહ્મ શબ્દ બન્યો છે. સમસ્ત બ્રહ્માડમાં - જડ ચેતનમાં જે બ્રહ્મ વ્યાપક અને સમાન રૂપે સ્થિત છે. તે બ્રહ્મના સંબંધમા ગવાયેલું સર્વશ્રેષ્ઠ ગીતને 'બૃહત્ સામ' કહે છે. તેમાં પરમેશ્વરની ઇન્દ્રરૂપમાં સ્તુતિ છે.
(૫૩) છન્દસામ્ ગાયત્રી અહમ્
વેદોમાં જેટલી છંદબદ્ધ ઋચાઓ છે. તેમાં ગાયત્રી નામના છંદની પ્રધાનતા છે. ગાયત્રી મંત્રમાં સૂર્યની ઉપાસના છે.
ગાયત્રી મંત્ર -
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ, ભર્ગો દેવસ્ય ધીમહિ, ધિયો યોન: પ્રચોદયાત. |
(૫૪) માસાનામ્ માર્ગશીર્ષ: અહમ્
મહાભારત કાળમાં મહિનાઓની ગણના માગશરથી આરંભ થતી હતી. વાલ્મીકીય રામાયણમાં તેને સંવત્સરનું ભૂષણ ગણાવ્યું છે. માગશર સુદી ૧૧ ગીતા જયંતી મનાય છે.
(૫૫) ઋતૂનામ્ કુસુમાકરઃ
વસંતઋતુમાં તમામ વનસ્પતિ લીલીછમ અને પત્રપુષ્પથી આચ્છાદિત હોય છે. અને કોયલ - સ્વર સાથે હવામાન સમશીતોષ્ણ રહે છે. તેથી વસંત "ઋતુરાજ" કહેવાય છે.