આયુધોમાં વજ્ર અને ગાયોમાં કામધેનુ હું છું. સંતાન ઉત્પન્ન કરનારો કામદેવ હું છું. અને સર્પોમાં વાસુકી હું છું. (૨૮)
ભાવાર્થ:
(૨૭) આયુધાનામ્ અહમ્ વજ્રમ્
તમામ આયુધોમાં વજ્ર મારુ સ્વરૂપ છે કારણ કે દધીચિ ઋષિના અસ્થિઓથી બનાવેલું વજ્ર તપશ્ચર્યા, ત્યાગ અને અહિંસાનું ઉપલક્ષણ છે.
(૨૮) ધેનૂનામ્ અસ્મિ કામધુક્
ગાયોમાં હું કામધેનુ ગાય છું.
ધેનુનો અર્થ પુષ્કળ દૂધ આપનારી ગાય. તેમાં પરમાત્માની વિભૂતિના દર્શન થાય. કામધેનુ સમસ્ત લૌકિક ભૌતિક સુખો આપનારી ગાય છે.
(૨૯) પ્રજન: ચ અસ્મિ કન્દર્પઃ
સંતાનની ઉત્પત્તિનો હેતુ એવો કામદેવ હું છું.
પ્રજોત્પતિ સુદ્રઢ અને સંસ્કારી પ્રજા ઉત્પન્ન થાય તેટલી જ મર્યાદામાં કામને પરમાત્મા પોતાની વિભૂતિ માને છે. બાકી કામ - વાસના ત્યાજ્ય છે. જીવનનું સમસ્ત ઉત્પત્તિસર્જન કામથી થાય છે. માત્ર પ્રજોત્પતિમાં જ કામની શક્તિ ઉપયોગી છે તેવું નથી, પરંતુ કોઈ પણ કવિતા - ચિત્ર - મૂર્તિ નિર્મિત થાય છે - જ્યાં પણ કોઈ વ્યક્તિ સર્જન કરે તો તેની અંદર જે ઉર્જા-શક્તિ ઉપયોગમાં આવે તે કામ જ છે. આપણે માત્ર કામવાસનાના એક જ રૂપથી પરિચિત છીએ. તેના બીજા રૂપની આપણને ખબર જ નથી.
કામઉર્જા જે નીચેની તરફ પ્રવાહિત થાય છે તે કામવાસના કહેવાય અને તે જયારે ઉપરની તરફ પ્રવાહિત થવા લાગે છે ત્યારે તે અધ્યાત્મ - કુંડલીની વગેરે કહેવાય છે. આ ઉર્જા - શક્તિ તો એક જ છે, માત્ર આયામ - દિશા બદલાઈ જાય છે. નીચેની બાજુ વહેતી હોય તો બીજાઓને પેદા કરે છે. ઉપરની બાજુ ઉઠવા લાગે તો સ્વયંનો મેળાપ કરી આપે છે. નીચેની તરફ વહેતી કામઉર્જા મૂલાધાર ચક્રથી જનેન્દ્રિયના માર્ગે પ્રકૃતિમાં લીન થાય છે. અને ઉપરની બાજુ વહેવા લાગે તો સહસ્રારથી (અંતિમ ચક્ર) ઉપડીને બ્રહ્મમાં લીન થઇ જાય છે. એક જ ઉર્જા કામકેન્દ્ર દ્વારા માણસને પ્રકૃતિ સાથે જોડે છે અને સહસ્ત્રાર દ્વારા પરમાત્મા સાથે જોડાય છે. અગ્નિ ઘર પણ સળગાવી દે અને રોટલી પણ શેકી દે, ખીચડી પકાવી દે. આપણને કામઉર્જાના અધોગામી રૂપનો જ અનુભવ છે. જેનાથી આપણી આસપાસ સંસાર નિર્મિત થાય છે. જેમાંથી કામ, ક્રોધ, લોભ વગેરેનો જન્મ થાય છે. કામઉર્જાના ઉર્ધ્વગામી સ્વરૂપનો આપણે અનુભવ નથી, જે પરમાત્માની વિભૂતિ છે. કામઉર્જા નીચેની બાજુ સંસાર તરફ વહે છે તે વિખરાઈ જાય છે, ફેલાઈ જાય છે. તે ઉર્જા જો સંગઠિત integrated - કેન્દ્રિત થાય ત્યારે જે કેન્દ્રીયતા આપણી અંદર પેદા થાય તે જ આત્માનો અનુભવ છે. આ પણ એક સર્જન છે. સ્વયં પોતાનું - અસલ પોતાનો જન્મ. જે દિવસે તમે તમને ખુદને ઓળખો તે જ તમારો સાચો જન્મદિન. માબાપથી મળેલા શરીરનો જન્મદિન ખોટો છે તે તો દરેક યોનિમાં મળતો હોય છે. કામવાસના રૂપાંતરિત થઈને ઉર્ધ્વગામી બને ત્યારે તેને કામદેવ કહેવાય. જીવનમાં તમામ વિક્ષિપ્તતા કામવાસનાને લીધે જ છે. જયારે કામદેવ (કંદર્પ) તો પરમાત્માની વિભૂતિ છે. જગતમાં જે કાંઈ શુભ, સુંદર, સમજ, સંસ્કાર, સંગીત, કળા, કવિતા, મૂર્તિ, ચિત્ર વગેરે ૦ તે બધું કામ ઉર્જા (કામદેવ - કંદર્પ) નું જ પ્રતિફલન છે.
કામઉર્જાને ઉર્ધ્વગામી દિવ્ય બનાવે તો જ કૃષ્ણે કહેલા કામદેવની - કંદર્પની વાત સમજાય. આપણી સમજણની કામઉર્જા તો પશુતાથી પણ નીચે ગયેલી છે. પશુ પણ આપણા કરતા કાંઈક સારા છે. તેમની કામવાસના શુદ્ધ શારીરિક biological છે, જયારે આપણી કામવાસના અધિકતર માનસિક હોવાથી વિકૃત છે. એક પશુઓની નગ્નતા છે, એક આપણી કપડામાં ઢાંકેલી નગ્નતા છે. અને એક મહાવીરની નગ્નતા છે. પશુ અને મહાવીરની નગ્નતામાં innocence છે. નિર્દોષતા છે - નાગાઈ, વ્યભિચાર કે વિકાર નથી.
તારા કરતા તો પુણ્યવાન પાડો રે પ્રાણીયા પાપી રે,
તે તો વાળી દીધો આંક આડો રે પ્રાણીયા પાપી રે
કામવાસના રૂપાંતરિત થઈને ઉર્ધ્વગામી (કંદર્પ) બને ત્યારે જે આનંદની અનુભૂતિ થાય તે આનંદ હજારો સંભોગમાં પણ નહીં મળે.
(૩૦) સર્પાણામ્ અસ્મિ વાસુકિઃ
સર્પોમાં વાસુકી હું છું. કશ્યપ ઋષિના પત્ની કદ્રૂનો દીકરો વાસુકી પૃથ્વી ધારણ કરનાર સાપ સર્પો પૈકીનો એક છે. સમુદ્ર મંથન વખતે તેણે ખાસ કામ કરેલું.