આપ પરબ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો; સર્વ ઋષિઓ તથા દેવર્ષિ નારદ, અસિત, દેવલ, અને વ્યાસ આપને પરમ પુરુષ, સનાતન, દિવ્ય, આદિ દેવ, અજન્મા અને વ્યાપક કહે છે અને આપ પોતે પણ મને (એમ જ) કહો છો. (૧૨,૧૩)
ભાવાર્થ:
પરમાત્મા ૧૧ શ્લોક સુધી જે બોલ્યા તેનો જાણે કે અર્જુને સ્વીકાર કરી લીધો તેવું ઉપર ઉપરથી તો લાગે છે, પરંતુ અર્જુને જો ખરેખર અનુભૂતિપૂર્વક તેનો સ્વીકાર કરી લીધો હોત તો તો ગીતા અહીં જ સમાપ્ત થઇ જાત. પરંતુ હજુ અર્જુનને શ્રીકૃષ્ણ તો સાક્ષાત નારાયણ પરબ્રહ્મ પરમાત્મા જ છે તેવી પૂરેપૂરી અનુભૂતિપૂર્વકની ગેડ બેઠી લાગતી નથી. તેથી તે કહે છે કે બધા ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે મહર્ષિઓ વગેરે મોટા મોટા માણસો આપને પરંબ્રહ્મ, પરંધામ, પરંપવિત્ર, અજન્મા, વિભુ, શાશ્વત, દિવ્ય, અનાદિ પુરુષ કહે છે અને આપ પોતે પણ મને તેવું જ કહો છો, તેથી હું માનું છું કે આપ તેવા જ હશો.
આ માનવું અને અનુભૂતિપૂર્વક જાણવું એમાં બહુ ફેર છે. માનવામાં બીજાઓની સાક્ષીની જરૂર પડે છે જયારે ખરેખર જાણવું તે તો નિજી અનુભૂતિ છે, જેમાં બીજા ગમે તે કહેતા હોય તેની ઉપર નિર્ભર નથી. આંધળો માણસ સૂર્ય સામે ઉભો હોય અને કહે કે હું માનું છું કે આપ સૂર્યનારાયણ છો અને આપનામાં પ્રકાશ છે, કારણ કે શાસ્ત્રો - સંતો અને દુનિયાના મહાન પુરુષો અને આપ પોતે પણ એમ જ કહો છો તેથી હું માનવા તૈયાર થઇ ગયો છું પરંતુ જેને આંખોથી દેખાય છે તે સૂર્યનારાયણ સામે ઉભો હોય તો "આ સૂર્યનારાયણ જ છે" તેવું માનવા માટે તેને બીજા કોઈ શાસ્ત્રો, સંતો કે દુનિયાના મહાન પુરુષોની સાક્ષીની જરૂરિયાત છે જ નહિ. એ તો બારોબાર સૂર્યપ્રકાશના આનંદની અનુભૂતિ સ્વયં પોતે જ પોતાની મેળે જ મેળવી લે. સત્યને માટે કોઈ સાક્ષીની જરૂર નથી. અસત્યને માટે સાક્ષી પુરાવાની જરૂર પડે છે. જેના મનમાં જરાપણ સંદેહ નથી તેને સાક્ષી પુરાવાની જરૂર નથી. જેટલો ઘેરો સંદેહ હોય તેટલા વધારે સાક્ષી પુરાવા એકઠા કરવા પડે. માનવું અને જાણવું બેમાં ભેદ છે. માન્યતા બદલાઈ જવાની શક્યતા છે, પરંતુ બરાબર જાણી લીધું પછી તો તેમાં ફેરફાર થાય જ નહીં. જે ધર્મમાં તમારી માન્યતા હોય તેનાથી જો તમારામાંથી સંદેહ પુરેપૂરો ટળી ના જાય - તમારા જીવનમાં - તમારા સંશયોમાં આમૂલ પરિવર્તન ના આવે અને તમે તેથી નિઃસંદેહ નિઃસંશય નિર્ભય ના થઇ શકો તો તમે તે ધર્મને જાણતા જ નથી - માનો છો તો પણ.
કૃષ્ણને પૂરેપૂરા સમજવામાં કઠણાઈ લાગે છે તો નારદ - વ્યાસનું કહેલું પણ કેવી રીતે ગળે ઉતરે? ખુદ સૂર્યનારાયણ પોતે સામે ઉભા છે અને તે પોતે કહે છે કે હું જાતે પોતે સૂર્યનારાયણ છું, છતાં જો તે ના સમજાય તો પછી શાસ્ત્રો - સંતો - મહાન પુરુષોની સાક્ષી માનવી તે બેકાર છે. આ ટેબલ છે. આ ખુરશી છે. આ મારો બંગલો છે તે ચોક્ક્સ પાયે આપણે જાણીએ છીએ - માત્ર માનતા નથી. પરમાત્મા છે, તેવું આપણે માત્ર માનીએ છીએ, જાણતા નથી. પદાર્થને આપણે જાણીએ છીએ જયારે પરમાત્માને આપણે માત્ર માનીએ છીએ, જાણતા નથી.
પાંચેય ઇન્દ્રિયોથી જે દેખાય છે તે પદાર્થ (Matter) છે. પાંચેય ઇન્દ્રિયોથી પર છે તે પરમાત્મા (Energy) છે. આ તમારો બંગલો છે તે સાબિત કરવાના તમારે દસ્તાવેજો અને સાક્ષીઓ લાવવા પડે. તમે પોતે છો તે સાબિત કરવા કોઈ સાક્ષી પુરાવાની જરૂરિયાત નથી, અને તે મળે પણ નહિ. તમે છો તે સાબિત કરવા તમે પોતે જ બસ છો અને આખી દુનિયા તેની વિરૂઘ્ધનો પુરાવો રજૂ કરે તે તે બધો ખોટો છે.
(શ્લોક ૧૩) અર્જુન કહે છે :
ભગવત્ આપના લીલામય સ્વરૂપને દેવો દાનવો પણ પૂરેપૂરું નથી સમજ્યા. આપણું કહેવું હું સત્ય માનું છું
આમ તો દુનિયામાં બધાય લોકો સત્ય જ બોલે છે. ખરેખર તો આ દુનિયામાં ભાગ્યે જ તમને કોઈ જૂઠાબોલો માણસ જડે. કારણ કે બધાય એમ જ કહે છે કે હું સાચું જ બોલું છું; અગર તો હું બોલું છું તે જ સાચું છે. છતાં આ દુનિયામાં તમને કોઈ પણ માણસ એવો નહી જડે કે જે જૂઠાબોલો ના હોય.
ભગવાન બોલે છે તે સત્ય છે એમ અર્જુન માને છે કારણ કે વ્યાસ - નારદ જેવા પણ સત્ય માને છે. પરંતુ તે સત્ય જ છે એવી નિશ્ચિત પ્રતીતિ અર્જુનને થઇ લાગતી નથી. કારણ કે જો એવી પ્રતીતિ અર્જુનને થઇ જ હોત તો પછી અર્જુનને આગળ સવાલ પૂછવાનું રહેત જ નહિ અને ગીતા અહીં જ સમાપ્ત થઇ જાત. અર્જુનના હૃદયમાં હજુ પણ કાંઈક ડગડગો છે. ખુદ પરમાત્મા સામે ઉભા છે છતાં અર્જુન ફીકી ફીકી વાતો કરે છે. વ્યાસ, નારદ વગેરે અર્જુનના હિસાબે ઘણા વજનદાર છે, પરંતુ કૃષ્ણ આગળ તેની શી વિસાત છે? ભગવાનનું ભગવાનપણું વ્યાસ, નારદની સાક્ષી ઉપર તેમના વોટ ઉપર નભે છે? વ્યાસ - નારદ કદાચ ના માને તો ભગવાનની ભગવત્તા ના ટકે?
પરમાત્મા એકલા અર્જુનના સામે નહિ, પરંતુ મારા તમારા જેવા તમામ અર્જુનોના સામે સદા ઉભા છે કારણ કે જે કાંઈ સામે છે તે બધું જ પરમાત્મા છે. દ્રષ્ટિ જોઈએ. છતાં આપણે પરમાત્મા છે તેવું જ્ઞાને કરીને અનુભૂતિપૂર્વક માનતા નથી કારણ કે એવી દ્રષ્ટિ જ નથી.
યસ્યનાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ |
લોચનાભ્યામ: વિહિનસ્ય દર્પણ: કિં કરિષ્યતિ ||