નાગોમાં અનંત (નામનો નાગ) હું છું. જળચરોમાં વરુણ હું છું. પિતૃઓમાં અર્યમાં અને વશ કરનારાઓમાં યમ હું છું. (૨૯)
ભાવાર્થ:
(૩૧) અનન્ત: ચ અસ્મિ નાગાનામ્
નાગોમાં શેષનાગ હું છું. સર્પ અને નાગમાં ફેર છે. સર્પને ફેણ નથી હોતી. વિષ્ણુ શેષનાગ ઉપર સુઈ જાય છે. નાગ સર્પ કરતા વધારે ઝેરીલા હોય છે. લક્ષ્મણ અને બલરામ શેષનાગના અવતાર મનાય છે.
(૩૨) વરુણ: યાદસામ્ અહમ્
જળચરોમાં વરુણદેવ હું છું. કશ્યપ અદિતિના પુત્રો જળચરોના સ્વામી છે.
(૩૩) પિતૄણામ્ અર્યમા ચ અસ્મિ
પિતૃઓમાં અર્યમા હું છું. પુરાનોમસ સાત પિતૃઓનો ઉલ્લેખ છે. કવ્યવાહ, અનલ, સોમ, યમ, અર્યમા, અગ્નિશ્વાતા અને બહિર્ષદ. હિન્દૂ શાસ્ત્રોમાં પિતરોનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને માતાપિતાના ઋણમાંથી મુક્ત થાય છે. પિતરો પરમાત્મા સમાન છે.
(૩૪) યમઃ સંયમતામ્ અહમ્
શાસન કરનારાઓમાં યમરાજ - મૃત્યુ હું છું.
આ જગતમાં કાંઈ પણ Absolute certain સુનિશ્ચિત હોય તો તે મૃત્યુ છે. બાકીનું બધું જ અનિશ્ચિત છે. યમરાજાના શાસનમાં જરા પણ શિથિલતા, લાગવગ, ભેદભાવ, પક્ષપાત, અપવાદ, રુશ્વતખોરી નથી. તેમનો કાયદો જડબેસલાક છે. મૃત્યુ અમીર ગરીબનો ભેદ મટાડી દે છે. ત્યાં પૂરેપૂરો સમાજવાદ છે. જીવનમાં સમાનતા અસત્ય છે કે હોતી જ નથી. સોસ્યાલિઝ્મ એક સ્વપ્ન છે, કારણ કે જીવનમાં બધે જ, બધી રીતે, બધી જ બાબતોમાં અસમાનતા જ છે અને તે કાયમ રહેવાની. એકમાત્ર મૃત્યુમાં જ સમાનતા છે. Death is the Leveller. મૃત્યુ આગળ રાય રંક બધાય સમાન છે. એકમાત્ર મૃત્યુ પાસે જ socialistic dictatorship છે. જિંદગીનો આખો ઢંગ અસમાનતા inequality છે. જગત ઉપર પરિપૂર્ણ સમાજવાદ સમાનતા Equality કદાપિ ના આવે અને કદાચ આવે તો પૃથ્વી મરઘટ - સ્મશાન બની જાય. કોઈ પણ વ્યક્તિ સમાન જન્મે નહીં - સમાન જીવે નહીં. માત્ર મરવામાં જ સમાન છે. એટલા માટે જે લોકો પરમાત્મા પાસે પક્ષપાત માંગે છે, તે લોકો પાગલ છે. "બીજા લોકોને પાપોની શિક્ષા કરજો, પણ મારા પાપોને માફ કરજો. કારણ કે મેં યમુનાસ્નાન કર્યું છે. અને હું પૂજા - પાઠ - માળા કરું છું.” નારિયેળ ચઢાવીને દેવદેવીઓને ફોસલાવવાનું છોડી દો. યમરાજ (પરમાત્મા) એટલે અત્યંત અટલ, તટસ્થ, શાશ્વત નિયમ.