પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું; માછલામાં મગરમચ્છ હું છું તથા નદીઓમાં ગંગા હું છું. (૩૧)
ભાવાર્થ:
(૩૯) પવનઃ પવતામ્ અસ્મિ
પાવન કરનારાઓમાં પવન હું છું. વાતાવરણમાં એકઠું થતું પ્રદુષણ - Air pollution પવન દૂર કરે છે. શીતલ - મન્દ - સુગંધ સમીર (પવન) પરમાત્માની વિભૂતિ છે. આ જગતમાં સર્વાધિક સ્વતંત્રતા વાયુની છે અને સ્વતંત્રતા જ ખરી પવિત્રતા છે.
વાયુ:સર્વત્રગો મહાન | વાયોરિવ સુદુષ્કરમ્ ॥ (ગીતા - ૬/૩૪)
વાયુ સર્વત્ર ફરી શકે છે અને તેનો નિગ્રહ કરવો ઘણો જ મુશ્કેલ છે. તે ક્યાંયથી યે બંધાય નહીં, તે કદાપિ અટકે નહીં. વાયુ stagnant નથી, બંધિયાર નથી. સદા પ્રવાહિત હોવાથી પોતે પવિત્ર અને તમામ દુર્ગંધને - પ્રદુષણને હટાવીને વાતાવરણને પવિત્ર - પાવન કરે છે. જેટલી પવિત્રતા તેટલી જ Transparency - પારદર્શિતા છે. બ્રાહ્મણ કે ભંગી, ગમે તેના ઘરમાં ફરે તો ય અભડાય નહીં. વાયુ બધાંયને પાવન કરે, માટે તે પરમાત્માની વિભૂતિ છે.
(૪૦) રામઃ શસ્ત્રભૃતામ્ અહમ્
તમામ શસ્ત્રધારીઓમાં રામ હું છું.
રામ જેવો દયાળુ - કૃપાળુ આ જગતમાં કોઈ નથી. જેના મનમાં કોઈ હિંસા નથી, પ્રતિસ્પર્ધા નહીં, ઈર્ષા નહીં, જેની આંખોમાં નર્યો પ્રેમ છલકાતો હોય, રામના સ્વભાવ માટે તુલસીદાસજી રામાયણમાં બોલ્યા છે કે,
મૈં જાનઉ નિજ નાથ સુભાઉ, અપરાધીહુ પર કોહ ન કાઉ.
(અયોધ્યાકાંડ - ૨૬૦)
સીલ સકુચ સુઠી સરલ સુભાઉ, કૃપા સનેહ સદન રધુરાઉ.
અરિહુક અનભલ કીન્હન રામા, અસકો જીવજંતુ જગમાંહી.
(અયોધ્યાકાંડ - ૧૭૯/૫-૬)
જેહિ રઘુનાથ પ્રાણપ્રિય નાહી. (અયોધ્યાકાંડ - ૧૫૯/૬)
દીનદયાલા પરમકૃપાલા, શરણાગત વત્સલ ભગવાના
આવા રામ કાયમ ખભે હથિયાર ભરાવીને ફરે તે તદ્દન અસંગત લાગે. દુષ્ટ રાક્ષસના હાથમાં હથિયાર હોય તો સુસંગત અને સાર્થક લાગે. મહાવીર - બુદ્ધ જેવા ચુસ્ત અહિંસાવાદીના હાથમાં બિલકુલ હથિયાર ન હોય તે આપણને સુસંગત અને સાર્થક લાગે, પરંતુ રામ જેવા કરુણામૂર્તિ - વાત્સલ્યમૂર્તિના હાથમાં હથિયાર કેવી રીતે શોભે? કૃષ્ણ પોતે પણ હથિયારધારી છે. સુદર્શન ચક્રધારી છે, છતાં કૃષ્ણ પોતે હથિયારધારીઓમાં રામને કેમ પોતાની વિભૂતિ ગણાવે છે? આ વિરોધાભાસ સમજવા જેવો છે.
રાવણના હાથમાં રહેલું શસ્ત્ર ખતરનાક છે. અનેક નિર્દોષોને ત્રાસકારી છે. રામના હાથમાં રહેલું શસ્ત્ર સમષ્ટિના કલ્યાણ માટે અને નિર્દોષોના રક્ષણ માટે ઉપયોગી છે. હિંસક અને વિષયી જીવોના હાથમાં ધન - વૈભવ - પ્રભુતા - સત્તાના શસ્ત્રો રાખવા તે આગમાં પેટ્રોલ નાખવા બરાબર છે. દુષ્ટોના હાથમાં તાકાત - સત્તા - શસ્ત્ર જગતમાં ઉપદ્રવ જ ફેલાવે છે. બેકન(Bacon) કહે છે કે power corrupts absolutely. દુષ્ટોના હાથમાં આવેલી શક્તિ અને સત્તાના કારણે તેઓ corrupt અને વ્યભિચારી બની જાય છે.
તુલસીદાસજી માનસ રામાયણમાં સ્પષ્ટ કહે છે કે -
અસ કોઉ નહીં જનમેઉ જગ માંહી, પ્રભુતા પાઇ જાહિં મદ નાહી.
રામના હાથમાં હથિયાર છે, પરંતુ હૃદયમાં કરુણા છે. સત્તા - શસ્ત્ર હાથમાં ન હોય અને તેને મદ અહંકાર ન થાય તેમાં કાંઈ નવાઈ નથી, તે સાચો ચારિત્ર્યવાન નહીં. સત્તા - શસ્ત્ર હાથમાં હોવા છતાં જરા પણ મદ અહંકાર ન થાય અને અત્યંત નિર્દોષતા કરુણાથી હૃદય ઉભરાતું હોય તે જ ખરો ચારિત્ર્યવાન ગણાય.
આજકાલ દુષ્ટો અને વિષયલોલુપ માણસો સત્તા અને શસ્ત્ર માટે દોડધામ, છળકપટ કરે છે. આવા કમજોર, હીન ચારિત્ર્યવાળા માણસોના હાથમાં શસ્ત્ર અને સત્તાનો દોર આવે છે ત્યારે તેમની સંતાડી રાખેલી દુષ્ટતા પ્રગટ થાય છે. સાચા, પવિત્ર, ચારિત્ર્યવાન માણસો સત્તા અને શસ્ત્રો માટે આકર્ષિત થતા નથી અને તેને માટે કોઈ પ્રયત્ન કરતા નથી. પરિણામે તેમના આવા નેગેટિવ એપ્રોચ (Negative approach) નકારાત્મક વલણને લીધે તે લોકો આડકતરી રીતે અગર ઈચ્છા નહી હોવા છતાં તેઓ દુષ્ટોનાં હાથમાં સત્તા અને શસ્ત્રો વિના પ્રયાસે સરળતાથી હાંસલ કરવામાં મદદગાર બને છે.
મહાવીર - બુદ્ધ કરુણામૂર્તિ અહિંસાવાદીઓ હોવાથી તેમણે ક્ષત્રિયો હોવા છતાં હાથમાં હથિયાર પકડયા નહીં. તેનું ખતરનાક પરિણામ એ આવ્યું કે દુષ્ટોના હાથમાં આપોઆપ વિના પ્રયાસે સત્તા અને શસ્ત્રો આવી ગયા. જેનાથી આખી દુનિયા ઉપદ્રવમાં પડી. આઝાદી પહેલા જે પક્ષના લોકો ચારિત્ર્યવાન, ભલાભોળા સેવકો ગણાતા હતા તે લોકોના હાથમાં સત્તા અને શસ્ત્રો આવતા જ તેઓ એક રાતમાં જ ચંગીઝખાન અને તૈમૂરના વંશજો સાબિત થઇ ગયા.
રાવણ દુષ્ટ, પણ હથિયાર (સત્તા) વાળો જયારે મહાવીર - બુદ્ધ સજ્જન, પણ હથિયાર (સત્તા) વગરના. આ બંને પરિસ્થિતિઓ ખરાબ. કરુણામૂર્તિ રામના હાથમાં જ હથિયાર શોભે, સત્તા શોભે. રાવણના હાથમાં કદાપિ ન શોભે, બલ્કે ભયાનક દેખાય. ધન, સત્તા, સંપત્તિ, શસ્ત્રો સજ્જનોના હાથમાં હોય તો જ શોભે એટલા માટે ગોસ્વામીજી માનસ રામાયણમાં કહે છે કે,
વિષયી જીવ પાઇ પ્રભુતાઈ, મૂઢ મોહબસ હોઈ જનાઈ.
જગ બૌરાઈ રાજમદુ પાયે.
શાસ્ત્રો કહે છે -
વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિઃ પરેષાં પર પીડનાય।
ખલસ્ય સાધોર્વિપરીતમેતદ્ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય॥
(૪૧) ઝષાણામ્ મકર: ચ અસ્મિ
માછલીઓમાં મગરમચ્છ હું છું. જળચરોમાં સૌથી વિશેષ બળવાન મગર છે.
(૪૨) સ્રોતસામ્ અસ્મિ જાહ્નવી
નદીઓમાં હું ગંગાજી છું.
ગંગાજી તેની લંબાઈ - પહોળાઈ - વિશાળતા વગેરેને લીધે જ મહાન છે તેવું નથી. પરંતુ પૃથ્વી ઉપર ગંગાજી બધી નદીઓ કરતા વધારે જીવંત (alive) નદી છે. કેમકલી ગંગાજીની વિશેષતા એ છે કે તેનું પાણી deteriorate થતું નથી. વરસો સુધી ભરી રાખો તો પણ તે સડતું નથી. હજારો વર્ષોથી ગંગાજીમાં લાશો વહેવડાવવા છતાં તેના હાડકા શીખ્ખે તેમાં લીન થઇ જાય છે. અને ગંગાજી અછૂતી વહેતી રહે છે. વિજ્ઞાન કહે છે કે ગંગાજીમાં રહેલા ખનીજ અને કેમિકલ્સમાં કાંઈક ભેદ છે. પરંતુ ખરો ભેદ જે કદાચ વૈજ્ઞાનિકો પણ નથી જાણતા તે એ છે કે ગંગાના કિનારે લાખો લોકોને જીવનની પરમ અવસ્થા પ્રાપ્ત થયેલી છે.
લાખો વર્ષોથી ભારતના જ્ઞાનીઓ ગંગા કિનારે બેસીને પરમાત્માની પ્રાપ્તિ માટે તપશ્વર્યા કરી ગયા છે અને કરતા રહ્યા છે અને જયારે તેવા તપસ્વીઓ ભગવદ્ભાવ પ્રાપ્ત કરે, ત્યારે ગંગાજીનું જળ તેનાથી વંચિત રહી શકે નહીં - ગંગાજળ પણ તેનાથી આચ્છાદિત થઇ જાય. ગંગાનું પાણી, ગંગાનો કિનારો અને ત્યાંની રેતીનાં કણેકણ અને તેનું વાતાવરણ લાખો વર્ષોથી એક વિશેષ રૂપથી Spiritually charged - આધ્યાત્મિક રૂપથી તરંગાયત થઇ ગયેલ છે. ગંગા માત્ર નદી જ નથી, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે. જેથી તેના કિનારે અનેક તીર્થક્ષેત્રો જોડાયેલા છે. પુરાણો કહે છે કે, ગંગાજી વિષ્ણુનું ચરણોદક છે અને તે શંકરની જટામાં ઝીલાઇને ત્યાંથી નીકળે છે, માટે ગંગાજી પરમાત્માની પરમ પાવન વિભૂતિ છે.