તમામ વૃક્ષોમાં અશ્વત્થ (પીપળો) હું છું. પીપળો એક વિશેષ પ્રકારનું વૃક્ષ છે. બીજા તમામ વૃક્ષો કરતા એકલી હિંદુ માન્યતા પ્રમાણે જ નહીં, પરંતુ વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે પણ અને મનોવિજ્ઞાન પ્રમાણે પણ આ અદ્ભૂત વૃક્ષ છે. બીજા વૃક્ષોની માફક પીપળો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ નથી છોડતો, તેથી રાત્રે પીપળાની નીચે સૂવાથી નુકશાન ના થાય. ચોવીસે કલાક તેમાંથી જીવન નિ:સૃત થાય છે. મસ્તિષ્કમાં જે ગ્રંથીઓની પાસે ચેતનાની નિકટતા માલુમ પડે છે તે ગ્રંથિઓમાં જે રક્તસ્ત્રાવ છે - બહુ જ ચકિત કરે તેવી વાત છે કે મસ્તિષ્કમાં જે કારણે બોધ અને ચેતના નિર્મિત થાય છે અને જેના અભાવમાં માણસ બેહોશ થઇ જાય છે તે રાસાયણિક તત્વની સર્વાધિક માત્રાની ઉપલબ્ધી પીપળાના વૃક્ષમાં છે. બુદ્ધને બુદ્ધત્વ જે વૃક્ષ નીચે ઘટિત થયું તે પીપળાની જાતિનું વૃક્ષ છે. વૃક્ષોમાં પણ બુદ્ધિ છે, સ્મૃતિ છે, Memory છે, બોધ છે, સંવેદનશીલતા છે. પીપળામાં આ બધું વિશેષરૂપે છે, જ્યાં વિશેષતા ત્યાં પરમાત્માની વિભૂતિનું વધારે સરળતાથી દર્શન થાય.
(૨૧) દેવર્ષીણામ્ ચ નારદઃ
દુનિયાની કોઈ પણ મીથીલોજીમાં નારદ જેવું અનોખું પાત્ર નથી. નારદના વ્યક્તિત્વમાં બિલકુલ ગંભીરતા નથી. જીવનને તે એક ખેલ - નાટક - મનોરંજન - ઉત્સવ માને છે. ગંભીરતા પણ એક પ્રકારની બીમારી છે. ગંભીર આદમી હસી ના શકે, નાચી ના શકે, જીવે તો પણ મરતા મરતા - તેની જિંદગી એક ક્રમિક મોત જેવી, જાણે કે ચારે બાજુ સ્મશાન છે, જિંદગી નથી. કોઈ ઋષિ જૂઠું ના બોલે, કોઈને ગુંચવે નહીં, ધોખાબાજી ના કરે, મશ્કરી ના કરે, કોઈને ઉઠાં ના ભણાવે. નારદ ઋષિ આ બધું કરી શકે (અને છતાં બધા તેને મહર્ષિ કહે) અને પોતે જાતે પણ તેમાં ફસાય અને પોતાની જાતને પણ awkward position માં હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે. નારદ પોતે આખી મનુષ્ય જાતિને એક Cosmic joke - એક વિરાટ મજાક સમજે છે. જીસસ કોઈ દિવસ હસ્યા નથી, કારણ કે તેમની આજુબાજુ બધા દુખીયા અને ગંભીર આદમીઓ જ ભેગા થતા અને તે પણ એવાને જ એકઠા કરતા. ધર્મના નામ ઉપર ઉદાસ થવું - આખી દુનિયાના દુઃખોના ભાર માથે લઈને ફરવું તે પણ તેમને માટે એક રેશનેલાઇઝેશન - એક બુદ્ધિયુક્ત વાત બની જાય છે. અને તેમની આ ઉદાસી તપશ્ચર્યા કહેવાય છે. તેમની ઉદાસી એક એવું મેટાફિઝિક્સ - એક દર્શનશાસ્ત્ર બની જાય છે. અને આવા દુઃખી દિવેલિયાઓ હસતા ફરતા આનંદિત માણસોને પાપી ગણે છે, કારણ કે હસવું પ્રોફેન છે - બહુ અપવિત્ર માલૂમ પડે છે. ધર્મ પેદા થાય છે વિરાટ આનંદમાંથી, પરંતુ તે સંગઠિત થાય છે દુખીયાઓના હાથમાં.
જિંદગી એક નાટક છે અને તેની પૂરેપૂરી નાટકીયતા જે સમજે તે ખરો ઋષિ. રાવણ પણ કોઈ રામલીલાના મંચ ઉપર એવું નથી સમજતો કે હું કોઈ પાપ કરી રહ્યો છું. રાવણ તરીકેનો ખેલ - અભિનય જો તે બરાબર રીતે ના કરે તો તેને માટે તે પાપ કહેવાય. જિંદગીને જે માત્ર અભિનય સમજે તે જ ગહનતમ જ્ઞાનને (સત્યને) ઉપલબ્ધ થયો ગણાય. નારદને માટે જિંદગી અભિનયથી વિશેષ કાંઈ નથી. કૃષ્ણને માટે પણ એવું જ છે. તેથી તો તે પૂર્ણાવતાર કહેવાય છે.
કૃષ્ણ અને નારદ જેવા મર્યાદામુક્ત વ્યક્તિત્વને સમજવા માટે એટલો જ મર્યાદમુક્ત સમાજ જોઈએ, નહીં તો તેમને નહીં ઓળખી શકાય. નારદ અને કૃષ્ણ પોતાના જીવનને સમગ્રતામાં સ્વીકાર કરે છે. કોઈ તેમને ખાનદાન - સત્યવાદી કહે તો પણ ભલે અને કોઈ તેમને ચોર - જૂઠો કહે તો પણ ભલે. તમામ અસંગતિઓની વચમાં તેમના જીવનની સંગતિ છે, જીવન લીલામય છે.
(૨૨) ગન્ધર્વાણામ્ ચિત્રરથઃ
કશ્યપનો પુત્ર - ગાયનાચાર્ય - દિવ્ય સંગીતજ્ઞ કે જે સંગીતમાં પરમાત્મભાવ પેદા કરી શકે, માટે તે પરમાત્માની વિભૂતિ છે.
(૨૩) સિદ્ધાનામ્ કપિલ: મુનિઃ
કપિલ મુનિ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા છે. સાંખ્ય એટલે આત્મજ્ઞાન - આપણા અસલ સત્ ચિત્ આનંદ સ્વરૂપની (original eternal self) ની વિસ્મૃતિ થઇ ગઈ છે તેની સ્મૃતિ થવી તે જ્ઞાન - હું સિંહ છું, ઘેટું નથી એવી પાકી અનુભૂતિપૂર્વકની સમજણ - સમ્યક્ જ્ઞાન. આમ ઘેટાને સિંહ થવા માટે કોઈ પ્રક્રિયા સાધન (process - rituals) કરવાની જરૂરિયાત નહીં. માત્ર સમજણ તે સમ્યક્ જ્ઞાન બસ છે. Only to Know is enough. કપિલને યોગ સાથે કોઈ સંબંધ નથી. કપિલને પાતંજલ યોગદર્શન સાથે કોઈ નિસ્બત નથી.
યોગ માને છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે - આત્મસાક્ષાત્કાર માટે - આત્મજ્ઞાન માટે કાંઈક પણ અભ્યાસ - સાધન - સાધના - પ્રક્રિયા (process - Rituals - Penance) કાંઈક ક્રિયા કરવી જ પડે. પરિશ્રમ કર્યા વગર કશુંય મફત મળે જ નહીં.
સાંખ્યની માન્યતા આથી બિલકુલ વિપરીત છે. આત્મા એ કાંઈ સોનુ નથી, જેને શુદ્ધ કરવા માટે કાંઈ પ્રક્રિયા - પ્રોસેસ કરવી પડે. આત્મા તો સદા અત્યંત શુદ્ધ જ છે. માત્ર આત્માનું વિસ્મરણ થઇ ગયું છે. અશુદ્ધિ નથી થઇ. પરંતુ કરોડોમાં કોઈક જ સાંખ્ય માર્ગે જઈ શકે.
પરંતુ આત્માની વિસ્મૃતિ થવાના કારણોને દૂર કરવા માટે યોગસાધના કરવી જ પડે. યોગસાધના કરવાથી જ્ઞાન ઉત્પન્ન ના થાય, પરંતુ તે યોગસાધના એવી ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચાડી દે કે જ્યાં જ્ઞાન સહજ રીતે ફલિત થાય - પ્રગટ થાય - ઉપલબ્ધ થાય. નવ્વાણું ડિગ્રી સુધી પાણીને ગરમ કરવાનો પ્રોસેસ (યોગસાધના) કર્યા પછી ૧૦૦મી ડિગ્રી વટાવતા પાણી એની મેળે એક જ ક્ષણમાં વરાળ (આત્મજ્ઞાન)ને ઉપલબ્ધ થઇ જાય.
સાધક યોગસાધના કરતાં કરતાં સિદ્ધ થઇ શકે. બુદ્ધ છ વર્ષ સુધી સતત સાધના કરતાં કરતાં એ જગ્યાએ પહોંચી ગયા, જ્યાં સાંખ્ય શરુ થયું - યોગ સમાપ્ત થયો. પોતે સિદ્ધ તરીકે પ્રસિદ્ધ થઇ ગયા.
ઘણાને, અનેક જન્મો પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેના તમામ કર્મ સમાપ્ત થઇ જાય છે.
યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ગીતા - ૩/૧૭॥
કર્મનો કર્તા મટી જાય (કર્તાપણાનો અહંકાર નષ્ટ થઇ જાય) ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા (યોગસાધના) સમાપ્ત થઇ જાય, કારણ કે આત્મા તો સદા પ્રાપ્ત જ છે. સાધના (યોગસાધના) કર્મયોગથી કશું નવું મળતું નથી, પરંતુ જે મળેલું જ હતું - જે સદાપ્રાપ્ત હતું તેની વિસ્મૃતિ હટી ગઈ અને જે સદા હતું જ (આત્મા) તેની પહેલી જ વખત અનુભૂતિ થઇ તેનું નામ સાંખ્યજ્ઞાન.
સાંખ્ય એટલે જે મને જડયું તે પહેલેથી જ મારી પાસે જ હતું, તેવી સમજણ - સમ્યક્ જ્ઞાન - સમ્યક્ યોગ - આ સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલમુનિ પરમાત્માની વિભૂતિ છે.