Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥ ૧૯॥

બહૂનામ્ જન્મનામ્ અન્તે જ્ઞાનવાન્ મામ્ પ્રપદ્યતે

વાસુદેવઃ સર્વમ્ ઈતિ સ: મહાત્મા સુદુર્લભઃ

સર્વમ્ - આ સઘળું

વાસુદેવઃ - વાસુદેવ જ (છે)

ઈતિ - એ પ્રમાણે

સ: - એવો

મહાત્મા - મહાત્મા

સુદુર્લભઃ - અતિ દુર્લભ (છે).

બહૂનામ્ - બહુ

જન્મનામ્ - જન્મોને

અન્તે - અંતે (મનુષ્ય)

જ્ઞાનવાન્ - જ્ઞાનવાળો (થઇ)

મામ્ - મને

પ્રપદ્યતે - ભજે છે.

બહુ જન્મોને અંતે (આ) બધું ‘વાસુદેવ જ છે’ એવા જ્ઞાનવાળો - જ્ઞાની મને પામે છે; તે મહાત્મા અતિ દુર્લભ છે.(૧૯)

ભાવાર્થ:

જ્ઞાની તું આત્મા એવ - જ્ઞાની તો સાક્ષાત મારુ જ સ્વરૂપ છે. પરમાત્માથી અલગપણું - દૂરપણું તે અજ્ઞાનને કારણે છે - પરમાત્મા સ્વરૂપ થઈને જ પરમાત્માને જાણી શકાય.

બ્રહ્મવિદ્દ બ્રહ્મણિ સ્થિત: (ગીતા - ૫/૨૦)

એટલે કે જેનો આત્મા યુક્ત - integrated થઇ ગયો છે - જે બહાર અંદર એક જ છે - ગમે ત્યાંથી ચાખો એક જ સ્વાદ છે - ઘડીકમાં પ્રેમ - ક્ષમા તો ઘડીકમાં ઘૃણા અને ક્રોધ હોય એવું નહી.

"ક્વચિત હૃષ્ટ: ક્વચિત તુષ્ટ:, હ્રુષ્ટ: તુષ્ટ: ક્વચિત ક્વચિત'

એવું નહી તે ખરો જ્ઞાની મારુ સ્વરૂપ છે.

પરમાત્માની પાસે જેવા છો તેવા દેખાવા પ્રયત્ન કરો. તમારું અસલી સ્વરૂપ છુપાવો નહી.

નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥ ગીતા - ૫/૧૯॥

નિર્દોષ બ્રહ્મને પામવા તમે નિર્દોષ ભાવે જાઓ. ચાલાકી ના કરો. જે અંદર બહાર એક થઇ જાય - યુનિસાઈકીક, મલ્ટીસાઇકીક નહી. બહુચિત્ત નહી - એકચિત્ત થઇ જાય. જે વિરાટ ચેતના સાથે એકત્વ અનુભવે તે વ્યક્તિ જ્ઞાની "આત્મા એવ" પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે.

તમે કોઈ વ્યક્તિ અગર પરમાત્મા સાથે જેટલી વંચના કરશો તેટલી તમારી પોતાની જ આત્મવંચના થવાની. બધી વંચનાઓ આત્મવંચના જ છે. તમારી જેવી જિંદગી છે તેની સ્વીકૃતિ કરો - કબૂલ કરો તો તુરત જ તમારામાં એક એવી ક્રાંતિ આવશે કે જેમાં તમારી તમામ બુરાઈઓ સમાપ્ત થઇ જશે.

યુક્ત આત્મા પરમાત્મા સાથે એક થઇ જાય છે. જે પોતાની સાથે એક થઇ શકે છે તે બધાની સાથે એક થઇ શકે છે. જે પોતાની સાથે જ તૂટેલો છે તે પરમાત્માની સાથે પણ તૂટેલો જ રહેવાનો.

વાસુદેવ: સર્વમિતિ - જ્ઞાની ભક્ત પરમાત્માથી કાયમ અવિભક્ત જ રહે. તે કદાપિ વિભક્ત થાય જ નહી - તેને સમગ્ર વિશ્વ "વાસુદેવ: સર્વમિતિ" વાસુદેવમય - પરમાત્મામય જ થઇ જાય.

તમારી અંદર જે શેતાનિયત છે તે તમારું અસલ સ્વરૂપ નથી. જે દિવસે તમને તમારું અસલ સ્વરૂપ દેખાશે તે દિવસે જ તમારી શેતાનિયત વિદાય થઇ જશે.

નજરોંસે દેખ પ્યારે ક્યાં રૂપ હૈ તુમ્હારા

અપને કો ઢૂંઢ તનમેં બાહીર ફિરે ગમારા - નજરો સે

કરમે કંગન છિપાવે ઢૂંઢને કો દૂર જાવે,

ફિરકે સમીપ પાવે મિથ્યા કરો વિચારા - નજરો સે

મૃગ નાભિમેં સુગંધી, સૂંઘે વો ઘાસ ગંદી

દુનિયા સભી હૈ અંધી, સમજે નહી ઈશારા - નજરો સે

જિમી દૂધ કે મથન સે, પાવોગે ઘી જતનસે

તિમી ધ્યાનકી લગનસે પરબ્રહ્મ લે નિહારા - નજરો સે

વિરાટ ઉર્જામાં જયારે ક્ષુદ્ર મનની બીમારીઓ વિલીન થઇ જશે, ત્યારે તમને આત્માની વિરાટતા દેખાશે. ગટરનું પાણી ગંગાજીમાં પડતા જ પાવન થઇ જશે. ક્ષુદ્રની સાથેનો સંબંધ શેતાન પેદા કરે છે. વિરાટની સાથેનો સંબંધ ભગવાનને પેદા કરે છે.

તેને જાણી લો જેને જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. એક ક્ષણ માટે પણ જો પરમાત્માની સાથે તાદાત્મ્ય અનુભવાય તો આખી જિંદગી તો શું અનંત જિંદગીઓ સ્વપ્નવત થઇ જાય.

જ્ઞાનનું એક જ કિરણ અંતઃકરણમાં ઉતરે તો અંદર જ્ઞાની ના બચે - માત્ર જ્ઞાન જ બચે - જયારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે સાક્ષાત્કાર કરનાર (અહંકાર) સમાપ્ત થઇ જાય. જેને ખોળતો હતો તે જડતાની સાથે જ ખોળનારો ખોવાઈ જાય.

આર્ત - જિજ્ઞાસુ - અર્થાર્થી પણ પરમાત્માને ભજે છે, તેથી તેમને ઉદારા: ઉત્તમ તો કહ્યા. પરંતુ તેમની ઈચ્છાની પૂર્તિ થતા કદાચ તેઓ ભગવાનને ભૂલી જાય (સુગ્રીવની માફક). પરંતુ અસલી ભક્ત તો જ્ઞાની ભક્ત જ છે. "જ્ઞાની તુ આત્મા એવ મે મતમ્" જે નિષ્કામ ભાવથી મને ભજે છે તે મારો ખરો જ્ઞાનીભક્ત મારો આત્મા છે.