વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન । ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥ ૨૬॥
વેદ અહમ્ સમતીતાનિ વર્તમાનાનિ ચ અર્જુન
ભવિષ્યાણિ ચ ભૂતાનિ મામ્ તુ વેદ ન કશ્ચન
ચ - તથા
વર્તમાનાનિ - હાલ રહેલા
તુ - પણ
મામ્ - મને
કશ્ચન - કોઈ
ન વેદ - જાણતો નથી.
અર્જુન - હે અર્જુન !
સમતીતાનિ - પહેલા થઇ ગયેલો
ચ - અને
ભવિષ્યાણિ - ભવિષ્યમાં થનારો
ભૂતાનિ - સર્વ પ્રાણીઓને
અહમ્ - હું
વેદ - જાણું છું.
હે અર્જુન ! ભૂતકાળના, વર્તમાનકાળના તથા ભવિષ્યકાળના (બધા) ભૂતોને હું જાણું છું; પરંતુ મને કોઈ જાણતું નથી. (૨૬)
ભાવાર્થ:
"ભૂતકાળમાં જે કાંઈ થઇ ગયું - વર્તમાનમા કે કાંઈ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે કાંઈ થવાનું છે તે બધું હું જાણું છું."
કૃષ્ણ જેવી નિરાકાર ચેતનાની સમક્ષ સમય જેવી કોઈ ચીજ નથી હોતી. ભૂત, વર્તમાન, અને ભવિષ્ય તે આપણા લોકોની ધારણા છે. જે નિરાકારને જાણી લે તેને માટે સમયની તમામ સીમાઓ ખતમ થઇ જાય અને એક Eternal now ... "બધું અત્યારે જ" થઇ જાય.
સમય નથી વીતતો, આપણે વીતી રહ્યા છીએ.
કાલો ન યાત: વયમેવ યાતા: (ભર્તૃહરિ)
કાળ પસાર ન થયો, અમે પસાર થઇ ગયા. સમય તો તેની જગ્યાએ જ ઉભો જ છે; આપણે ચાલી રહ્યા છીએ - ભૂતકાળ જઈ નથી રહ્યો - ભવિષ્યકાળ આવી નથી રહ્યો - આપણે વર્તમાનમાં ચાલી રહ્યા છીએ. જેમ ટ્રેનમાં બેઠેલા માણસને ભવિષ્યમાંથી આવતા ઝાડ - સ્ટેશનો વગેરે ભૂતકાળ બાજુ જતા દેખાય છે, પરંતુ ખરેખર તો તે મુસાફર જઈ રહ્યો છે - ચાલી રહ્યો છે. અને ઝાડ સ્ટેશનો વગેરે તો તેમની જગ્યાએ જ ઉભા છે.
હું એક રસ્તા ઉપર ક્યારનોય ચાલ્યા કરું છું. પંદર મિનિટ પહેલા આ રસ્તા ઉપર મેં એક બાવલું જોયું હતું તે હવે મને દેખાતું નથી. તે બાવલું ભૂતકાળ બની ગયું છતાં તે ખોવાઈ ગયું નથી. તે હજુ પણ મોજૂદ છે. પરંતુ આ રસ્તો વન વે ટ્રાફિક છે તેથી હું ભૂતકાળમાં પાછો જઈ શકતો નથી. પંદર મિનિટ પછી આ રોડ ઉપર ચાલતા ચાલતા એક દવાખાનું જોવા મળશે, પરંતુ અત્યારે મને તે દેખાતું નથી. તેનો અર્થ એવો નથી કે તે દવાખાનું અત્યારે નથી. અત્યારે પણ તે દવાખાનું તો છે જ. પરંતુ તે મને ભવિષ્યમાં પંદર મિનિટ પછી દેખાશે. આ પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય એકી સાથે મોજૂદ હોવા છતાં ચાલનાર માણસને (જીવાત્માને) ન દેખાય, પરંતુ પ્લેનમાં બેઠેલાને (કાલાતીત પરમાત્માને) તે બધું એકી સાથે દેખાય.
માણસ ચાલે છે, સમય નથી ચાલતો. કૃષ્ણ જેવા માણસને એ પ્રેમ ચેતના સ્થિતિમાં - એ સમાધિની દશામાં વર્તમાન, અતીત અને ભવિષ્યનો ફાંસલો (gap) રહેતો નથી. જેટલી ચેતનાની ઊંચાઈ હશે, તેટલો સમયનો બોધ - ખ્યાલ ઘટી જશે. કૃષ્ણ જેવી પરમ ઊંચાઈની ચેતનાવાળાને જે કાંઈ થઇ ગયું - જે થઇ રહ્યું છે અને જે થશે તે બધું જ તેને હમણાં જ Here and Now દેખાય. આ અનુભવના આધાર પર જ સમસ્ત જ્યોતિષનો વિકાસ થયેલો છે. જ્યોતિષનો સમસ્ત વિકાસ સમાધિસ્થ ચેતનાથી થયેલો છે. જ્યોતિષ જ્યોતિર્મય ચેતનાના અનુભવમાંથી નીકળેલ છે. કૃષ્ણને સ્પષ્ટ દેખાય છે કે કૌરવો હારી ગયા છે અને તેમની લાશો પડેલી છે તેથી તે હિંમતથી અર્જુનને કહે છે કે,
આ વાક્યો ગપ મારીને નહિ, પરંતુ પ્રત્યક્ષ જોઈને બોલાયેલા છે. કૃષ્ણને હવે પછી થનારું ભવિષ્ય દેખાય છે, પરંતુ કૃષ્ણની આસપાસ ઉભેલા સેંકડો માણસોને આમાંનું કશું જ દેખાતું નથી અને કૃષ્ણ પણ દેખાતા નથી, મામ તુ વેદ ન કશ્વન.
પહાડની ઊંચાઈ ઉપર રહેલાને ખીણની નીચાઈ જોવી સહેલી પડે, પરંતુ ખીણની નીચાઈએ ઊભેલાને પહાડની ઊંચાઈ જોવી મુશ્કેલ પડે. તેમ માણસની ચેતના જેટલી નીચી (હલકી - મૂઢતાવાળી) તેટલી તે વધારે Narrowed - સંકીર્ણ હોય. તેથી કૌરવો કૃષ્ણની ઊંચાઈને જોઈ શકતા નથી. જો જોઈ શકે તો તુરત જ સમર્પિત થઇ જાય.
જે થવાનું હતું તે જ થઇ રહ્યું છે એમ બરાબર જાણતા હોવાથી અત્યંત પ્રસન્ન મુખમુદ્રા સાથે જીસસ વધસ્તંભ ઉપર ચઢી ગયા અને સોક્રેટિસ ઝેરનો કટોરો પી ગયા. કૃષ્ણ - જીસસને એટલા માટે જે કાંઈ બની રહ્યું છે અગર તો બનશે તે માત્ર નાટકના ખેલ જેવું જ લાગે છે. હલકી ચેતનાવાળાઓને કૃષ્ણ માત્ર સારથી દેખાય છે. તેમનું વિરાટ સ્વરૂપ અર્જુન સિવાય કોઈ જોઈ શક્યું નહિ. મામ તુ વેદ ન કશ્વન. અર્જુન પણ સમર્પિત થયો તો જ કૃષ્ણના અનુગ્રહથી દિવ્યદ્રષ્ટિ પામીને તે જોઈ શક્યો.