Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે ।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ ૧૨॥

યે ચ એવ સાત્ત્વિકા: ભાવા: રાજસા: તામસા: ચ યે

મત્ત: એવ ઈતિ તાન્ વિદ્ધિ ન તુ અહમ્ તેષુ તે મયિ

એવ - જ (ઉપજેલા છે)

ઈતિ - એમ

વિદ્ધિ - જાણ;

તુ - પરંતુ

તેષુ - તેઓમાં

અહમ્ ન - હું (રહેલો) નથી.

તે - તેઓ

મયિ - મારામાં (કલ્પિત) છે.

ચ - અને

યે યે - જે જે

સાત્ત્વિકા: - સાત્ત્વિક

રાજસા: - રાજસ

ચ એવ - તેમ જ

તામસા: - તામસ

ભાવા: - પદાર્થો (છે)

તાન્ - તે (બધાને તું)

મત્ત - મારાથી

વળી સાત્ત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે, તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તુ જાણ. હું તેઓમાં નથી, પરંતુ તેઓ મારામાં છે. (૧૨)

ભાવાર્થ

પ્રકૃતિ પરમાત્મામાં છે, પરંતુ પરમાત્મા પ્રકૃતિમાં નથી. આ વક્તવ્ય ઘણું જ ગહન અને paradoxical વિરોધાભાષી છે. સત્ત્વ - રજ - તમ આ ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિ મારામાં છે, પરંતુ હું તેમાં નથી એમ ભગવાન કહે છે.

એક મોટા વર્તુળ circle માં નાનું વર્તુળ બનાવો તો નાનું વર્તુળ મોટામાં છે પરંતુ મોટું વર્તુળ નાનામાં નથી. એવી રીતે અનંત પ્રકૃતિઓ પરમાત્મામાં હોઈ શકે - હોય છે - બને છે - વિખરાય છે. પરમાત્માની અંદર જ બધું ઘટિત થાય છે.

વિરાટ ક્ષુદ્રમાં નથી હોતું. પરંતુ ક્ષુદ્ર વિરાટમાં હોય છે. સાગર કહે છે કે બધા મોજા મારામાં છે પરંતુ હું મોજામાં નથી. કારણ કે મોજા ના હોય તો પણ સાગર હોઈ શકે, પરંતુ સાગર ના હોય તો મોજા કદાપિ ના હોઈ શકે.

પ્રકૃતિમાં ગમે તેટલી ખોજ કરશો તો પણ પરમાત્મા નહીં જડે, પરંતુ જો પરમાત્માની ખોજમાં સફળ થશો તો સારી પ્રકૃતિ તમારે આધીન થઇ જશે. કોઈ આદમી ગમે તેટલી ધનની તલાશ કરે તો પણ તે પૂરેપૂરો ધનવાન કદાપિ નહીં થઇ શકે. પરંતુ જો તે પરમાત્માની તલાશમાં સફળ થાય તો તેની દરિદ્રતા પણ ધન બની જાય.

આપણે તો પરમાત્માને છોડીને બાકીનું બીજું બધું (પ્રકૃતિ) ખોળવા પાછળ પડયા છીએ અને તેથી પરમાત્મા તો નથી જ મળતા, પરંતુ માત્ર દોડધામ અને રાખ(સ્વપ્નોની અને આશાઓની રાખ) હાથમાં આવે છે. યશ ખોળવા ગમે તેટલી પછડાટો ખાશો તો પણ યશ નહિ મળે - પરંતુ પરમાત્માને ખોળશો તો ચોક્કસ યશસ્વી બની જશો. પ્રેમ ખોળવા જશો તો પ્રેમ કદાપિ નહિ જડે, પરંતુ પ્રાર્થનાને પકડશો તો જીવન પ્રેમની સુગંધીથી ભરાઈ જશે. પ્રકૃતિમાં ગમે તેટલું ખોળશો તો પણ કશુંય હાથ નથી લાગે, માત્ર માટી, હાડકા, પથ્થર હાથમાં આવશે. (જો કે માટી, હાડકા, પથ્થરમાં પણ પરમાત્મા તો છુપાયેલો છે જ.) જે પ્રકૃતિમાં ખોળતો ફરે છે તેની દ્રષ્ટિ પરમાત્મા પ્રત્યે આંધળી - Narrowed થઇ જાય છે. તેની Consciousness તેના હાડકા - ચામડા અને પથ્થર - માટી આગળ અટકી જાય છે.

અગર કોઈ આદમી પરમાત્મા વગર સાત્ત્વિક થઇ જાય તો પણ તે ધાર્મિક નહીં થઇ શકે. તેથી ઉલટું, કોઈ વ્યક્તિ ગમે તેટલી તામસિક અગર રાજસિક હોય, પરંતુ જો તે પરમાત્મામાં પ્રવેશ કરી જાય તો તે તત્કાલ સાત્ત્વિક થઇ જાય.

ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ । (ગીતા - ૯/૩૧)

"પરમાત્મા વગર માત્ર પોતાના જ બળ પુરુષાર્થથી જો કોઈ વ્યક્તિ (બલીરાજા જેવા) સાત્ત્વિક બની જાય તો પણ તે સૂક્ષ્માતિસૂક્ષ્મ અહંકારથી પીડાતો હોય છે, જયારે ગમે તેવી દીનહીન વ્યક્તિ પણ જો પરમાત્મામાં છલાંગ લગાવે તો જેમ આગમાં તમામ કચરો ભસ્મ થઇ જાય તેમ તેના તમામ પાપ (અહંકાર સહિત) બળીને ભસ્મ થઇ જાય. અર્જુનને સંન્યાસી થઈને સત્ત્વગુણીનો વેશ લેવો છે, પરંતુ પરમાત્માને સમર્પિત થયા વગરનો સત્ત્વગુણ તેને પરમ અહંકારી બનાવી દેશે અને તે કદાચ સ્વર્ગમાં જશે તો ત્યાં પણ તેનો સાત્ત્વિક અહંકાર નરકનું નિર્માણ કરશે.

પરમાત્માને સમર્પિત થયા સિવાય પ્રકૃતિ (સત્ત્વ - રજ - તમ)ને પકડવા દોડવું તે બૂટની દોરી પકડીને ઉભા થવા જેવો ઘાટ છે. કૂતરું પોતાની પૂંછડી મોંમાં પકડવા છલાંગો મારતું હોય છે. તેવી દશા કહેવાતા તપસ્વીઓ, નૈતિક સાધકોની પરમાત્માને સમર્પિત થયા સિવાય પ્રકૃતિને પકડવાની - બદલવાની ચેષ્ટામાં છે. જે દિવસે પરમાત્મા તરફ દ્રષ્ટિ વાળશો તે દિવસે આખું જગત - પ્રકૃતિ બદલાઈ જશે, ત્યાં સુધી પ્રકૃતિને બદલવાની ચેષ્ટા વ્યર્થ છે. પરમાત્મા કે જેમાં તમામ પ્રકૃતિ સમાયેલી છે તે પરમાત્મા તરફ દ્રષ્ટિ ઉઠશે તે દિવસે ચોરી, ક્રોધ, બેઈમાની ખતમ થઇ જશે. કારણ કે પછી કોની સાથે ચોરી, ક્રોધ, બેઈમાની કરો, જ્યાં બીજો કોઈ પરમાત્મા સિવાય છે જ નહિ. માટે સત્ત્વગુણની વાત છોડો, રજોગુણ - તમોગુણની નિંદા છોડો. આ પ્રકૃતિના તમામ ગુણો સહિત સમગ્ર પ્રકૃતિ જેનામાં છે તે પરમાત્માને પકડો. સત્ત્વ - રજ - તમ પ્રકૃતિ આ બધા ખંડોમાં પૂર્ણ રૂપે પરમાત્મા જ છે, પરંતુ પૂર્ણરૂપે પરમાત્મામાં કોઈ ખંડ નથી. પરમાત્મા અખંડ છે.

વિજ્ઞાન (Science) ખંડથી (એટલે કે પ્રકૃતિથી) શરુ કરે છે, જયારે ધર્મ અખંડથી (એટલે કે પરમાત્માથી) શરુ કરે છે. સમસ્ત ધર્મની પદ્ધતિ પૂર્ણથી (from the whole) શરુ કરવાની છે. જયારે સાયન્સની પદ્ધતિ (from the part) એટમથી - અણુથી શરુ કરવાની છે. ધર્મ વિરાટથી શરુ કરે છે અને વિરાટને જાણવું હોય તો તમારે સ્વયં વિરાટના ચરણમાં સમર્પિત થઇ જવું પડે. તમે ક્ષુદ્રના (પ્રકૃતિના) માલિક બની શકો છો, પરંતુ વિરાટના (પરમાત્માના) માલિક બની શકતા નથી. સાયન્સ પ્રકૃતિના માલિક બનવા પુરુષાર્થ કરે છે, જયારે ધર્મ પરમાત્માને માલિક બનાવીને આગળ વધે છે.