તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા (મનુષ્યો) તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે. (૨૦)
ભાવાર્થ:
પરંતુ જે લોકો "કામૈ: હ્યતજ્ઞાના:" ભોગોની કામના દ્વારા વિષયાસક્ત થયેલા છે તે લોકો "સવ્યા પ્રકૃત્યા નિયતા:" પોતાની પ્રકૃતિથી પ્રેરાયેલા અને કામનાઓ દ્વારા જ્ઞાનથી ચ્યુત થયેલા (હ્યતજ્ઞાના:) છે તે લોકો મને છોડીને બીજા બીજા દેવોને ભજે છે અને તે તે દેવોની પૂજા માટે જે તે નિયમો લોકમાં પ્રસિદ્ધ હોય તે તે નિયમોને તેઓ ધારણ કરે છે.
અંતઃકરણમાં જ્ઞાનની જે ધારા છે તે - મન જરાક પણ વિષયોની તરફ દોડે કે તુરત જ - તે જ્ઞાનની ધારા તૂટી જાય છે - પતિત થાય છે - સ્ખલિત થઇ જાય છે. જ્યાં ભોગોનો જરા પણ ખ્યાલ વિચાર આવ્યો કે તુરત જ અંતઃકરણમાં ચાલતી ચેતનાની ધારા - ચેતનાનો કરંટ - તત્કાલ ડામાડોળ થઈને અધોગતિનો માર્ગ પકડે છે.
દરેક વિષયાસક્તિ તમારી ચેતનાને પતિત કરે છે. જયારે આપણે તો ચોવીસે કલાક કામનાઓથી અને વિષયોથી જ ઘેરાયેલા છીએ એટલે આપણને તો ખબર જ પડતી નથી કે મારી જ્ઞાનધારા પતિત થઇ ગઈ છે. જેની પાસે ધન હોય તેને "અરે ! મેં દેવાળું કાઢ્યું" એવો ખ્યાલ આવે. પરંતુ ભિખારીને તો દેવાળું ફુક્યું છે તેવો વિચાર જ ના આવે. જેના ઘરમાં ઘોર અંધકાર હોય, નર્યું અંધારું જ હોય તેને પ્રકાશ થોડો ઝાંખો થયો તેનો ખ્યાલ જ ના આવે.
જયારે માણસ ભરપૂર વાસનાથી ઘેરાયેલો હોય ત્યારે તેનો વહેવાર લગભગ મૂઢતા stupidity નો હોય છે. કામવાસનાથી ઘેરાયેલા બે સ્ત્રી-પુરુષ વચ્ચેની વાતો સાંભળો અગર તેમના પ્રેમપત્રો વાંચો તો તદ્દન સ્ટુપિડ લાગે. તેઓ stupid ચેષ્ટાઓ કરતા હોય ત્યારે તેમને ભાન ના હોય કે તેઓ સ્વર્ગમાં બેઠા છે કે સમાજમાં બેઠા છે !
કામનાઓથી ઘેરાયેલી અંતર્ધારા તોડવા માટે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે. અગર તો ધર્મની વિધિઓમાં (rituals)માં તેમના મનને રોકાયેલું રાખવું પડે છે. ઘંટનાદ ભગવાનને માટે નહીં, તમારે માટે છે, તમારી ખોપરીમાં જે કામનાઓની વિચારધારા ચાલતી હોય તે તોડવા માટે જોરથી ઘંટ નગારા વગાડાય છે - ભગવાનને જગાડવા નહિં. ભગવાન તો સદાકાળ જાગેલા જ છે. તમે મોહનિશામાં ઊંઘેલા છો.
બાકી જ્ઞાન તો તમારો નિજી સ્વભાવ છે - વાસના કામના છોડી દો તો તુરત જ અંદર જ્ઞાનની ધારા વહેવા માંડે. કામના - વાસનાને પકડવાથી જ્ઞાન ખોવાઈ ગયેલું લાગે છે.
અને એટલા માટે વાસના કદાપિ તૃપ્ત થતી નથી કારણ કે વાસના તમારો સ્વભાવ નથી - પતન છે તમે ગમે તેટલી દોટ મૂકો તો પણ પતનથી તમે કદાપિ રાજી નહીં થાઓ - કામનાઓ - વાસનાઓથી તમે કદાપિ તૃપ્ત નહીં થાઓ. પતન હંમેશા વિષાદ લાવશે - પીડા સંતાપ કરશે - છેવટે નર્ક નિર્મિત કરશે.
પરંતુ નરકના ખાડામાંથી એક દિવસ તો આપણે પાછા વળવું જ પડશે અને આપણા પ્રાણોનું આંતરિક શિખર (કૈલાસ) તરફ જોવું પડશે. કૈલાસ એટલે હિમાલય નહીં. કૈલાસ હૃદયના એ શિખરનું નામ છે જ્યાંથી ભગવાન શંકર કદાપિ ચ્યુત થતા નથી - આત્મા કદાપિ ગબડતો નથી -
'ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ (ગીતા - ૫/૧૭)
point of no return - જન્મમરણના ચક્કરમાં પડતો નથી.
તમામ કામનાઓ વાસનાઓને છોડીને જે પરમાત્મા પાસે જાય છે તેની જ પ્રાર્થના ભગવાન સાંભળે છે - આપણી પ્રાર્થના ભગવાનને પહોંચતી નથી, તેનું કારણ એ નથી કે ભગવાન બહેરા છે.
એટલા માટે તમારી નાની મોટી સંસારી સુખોની માંગણીઓની અરજીઓનો નિકાલ કરવા માટે પરમાત્માએ પોતાના જ સ્વરૂપભૂત એવા નાના મોટા દેવોને નિર્માણ કર્યા છે. જરૂરિયાત પ્રમાણે દેવોનું પણ નિર્માણ થાય છે. ખેડૂત બળદને દેવ માનીને શણગારે છે અને પૂજન કરે છે, કુંભાર ગધેડાને દેવ માનીને દિવાળીને દિવસે શણગારે છે, વેપારી ચોપડાને અને તાજુડીને પણ ચાંલ્લા કરે છે અને રૂપિયાના સિક્કાને લક્ષ્મી માનીને તેનું લક્ષ્મીપૂજન કરે છે, ક્ષત્રિયો તલવારનું પૂજન કરે છે, બ્રાહ્મણો જનોઈનું તથા ગાયત્રી મંત્રનું પૂજન કરે છે. બળિયાબાપા, દરિયાલાલ, ગંગામૈયા, જમુના મહારાણી, વડ, પીપળો, તુલસી, ઉંદર, સાપ , સાંઢ (નંદીશ્વર), ગરુડ વગેરે તમામ એક જ પરમાત્માના વિવિધ વિભૂતિમત સત્વોમાં પરમાત્માની શક્તિના દર્શન - પૂજન કરીને માણસ પોતાની મનોકામનાની પૂર્તિ માટે યજન કરે છે. અને તેમાં તે તે દેવોના - દેવીઓના નિયમો પ્રમાણે જાગરણ, ઉપવાસ, વ્રત વગેરેનું આચરણ કરે છે.
મુહમ્મદ કોઈ પરમાત્માની પ્રતિમાને મનુષ્યના હૃદયમાંથી હટાવી નહીં શકે. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી લોકોએ વિવિધ દેવોની કલ્પના કરી છે. જ્ઞાની ભક્ત જ માત્ર નિષ્કામ થઈને
બ્રહ્મવિત બ્રહ્મણિ સ્થિત: (ગીતા - ૫/૨૦)
થઇ જાય છે. જ્ઞાની ભક્ત નારિયેળને નહી, પરંતુ નારિયેળના આકારના પોતાના અહંકારને પરમાત્માના ચરણમાં સમર્પિત કરી દે છે. નારિયેળ માણસની ખોપરીના આકારનું પ્રતીક છે. સિંદૂર માણસના લોહીના રંગનું પ્રતીક છે. ભુરાકોળું, લોટનો બનાવેલો પિંડ વગેરે માણસના શરીરનું પ્રતીક છે. આ બધું દેવોને સમર્પિત કરવાની ક્રિયાઓ પ્રતીકાત્મક (symolic) છે. આખરે તો પોતાની જાતને - પોતાના અહંકારને, એક પરમાત્માને સમર્પિત કરવાનો જ ભાવ છે તે દુષ્કર છે - દુર્ધર્ષ છે - દુસ્તર છે. જે માત્ર જ્ઞાનીભક્ત જ કરી શકે. બાકી આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ભક્ત તે ના કરી શકે.
જુદા જુદા દેવો પણ પરમાત્માની પરમ ચેતનાના પવિત્ર અંશો છે - અને તેમનું પૂજન નિષ્ફળ જતું નથી. એ પવિત્ર અને પ્રામાણિક દેવો મારફતે પરમાત્મા પોતે જ આર્ત અને અર્થાર્થી ભક્તોની કામનાઓને પૂર્ણ કરે છે અને તેથી તે તે દેવોમાં લોકોની શ્રદ્ધા ટકી રહે છે - તે પણ આખરે તો પરમાત્માની પોતાની ઈચ્ચ્છા છે માટે. પટાવાળાની સાથે સારો સંબંધ હોય તો તે એક દિવસ રાષ્ટ્રપતિની સાથે મુલાકાત કરાવી દે, કારણકે તે પટાવાળો રાષ્ટ્રપતિનો વિશ્વાસુ પ્રામાણિક ભક્ત છે. સરકાર (નિરાકાર પરમાત્મા) તેના નીમેલા પ્રામાણિક અમલદાર કલેક્ટર (સાકાર દેવો) મારફતે તમને સરકારી જમીન વાપરવા આપી શકે.
પરંતુ પરમ નિર્વાણ સ્થિતિ - બ્રાહ્મી સ્થિતિ - અમરત્વ - અમૃતતત્ત્વ તો નિષ્કામી જ્ઞાની ભક્તને દેવ - દેવીઓ નહી, પણ ખુદ પરમાત્મા જ આપી શકે. રાવણને અમરત્વ આપનાર શંકર નહી - હિરણ્યકશ્યપને અમરત્વ આપનાર બ્રહ્મા નહી - પરંતુ ખુદ પરબ્રહ્મ પરમાત્મા જ આપી શક્યા. પરમાત્માથી નિમ્ન કોટિના તમામ દેવ-દેવીઓ તેમની શક્તિ મુજબ રિદ્ધિ, સિદ્ધિ, સરસ્વતી પ્રદાન કરી શકે, પરંતુ અમૃતત્વ નહી.