તેઓમાં સદા (ધ્યાનમાં) જોડાઈ રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે; કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને તે મને અત્યંત પ્રિય છે. (૧૭)
ભાવાર્થ:
નિત્યયુક્ત : એકભક્તિ: જ્ઞાની - નિત્ય મારામાં એકીભાવથી સ્થિત થયેલો અનન્ય પ્રેમભક્તિવાળો જ્ઞાની ભક્ત.
નિત્યયુક્ત - એટલે મારાથી સતત જોડાયેલો - મારાથી જરા પણ ભિન્ન ભાવ વગરનો - જે પરમાત્માથી કાંઈ પણ છુપાવે નહી. ચંદન તિલક કરે અને તે તિલકની પાછળ ચોર ઉભો ઉભો પ્રાર્થના કરે તેવું નહી - પરમાત્માની સામે નંગધડંગ કોઈ પણ પ્રકારના આવરણરહિત - જેવો છે તેવોને તેવો ખુલ્લા દિલથી ઉભો રહે તે નિત્યયુક્ત. પહેલા તું તારા પાપનો સ્વીકાર કર અને પછી પ્રાર્થના કર. માણસ જેટલો વધારે કુરૂપ થતો જાય છે (શરીરથી તેમ જ મનથી) તેટલા તેને સૌંદર્યના સાધનો વધારવા પડે છે. જ્યાં સુધી પરમાત્મા સમક્ષ તમારી જેટલી કુરૂપતા (મનથી) છુપાવો છો, તેટલા તમે ઓછા નિત્યયુક્ત - એકભક્તિવાળા છો. દુનિયાના માણસોથી છુપાવો છો, તેમ ભગવાનથી ના છુપાવો તો દ્વૈત મટે અને અદ્વૈત પરમાત્મામાં નિત્યયુક્ત થવાય.
એવા એકીભાવ - અનન્યભાવથી જે મારી પાસે આવે છે તેની સાથે હું પ્રેમ કરું છું.
ચો.
નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા.
જો પૈ દુષ્ટ હૃદય સોઈ હોઈ, મોરે સન્મુખ આવકી સોઈ.
સન્મુખ હોઈ જીવ મોહી જબહિં, જન્મ કોટી અસ નાસહિ તબહિ.
(સુંદરકાંડ દોહા - ૪૩, ૪૪)
સાંસારિક પ્રલોભનોથી પરમાત્માને ભજે તે એકભકિત - જ્ઞાની નહી. પરમાત્માની સામે formalities ના ચાલે. સાચું કહી દો. લોકોનું લોહી પીને પૈસાદાર થયો અને પછી કોઈ સંત મળે ત્યારે formality ખાતર કહે કે આપની કૃપાથી હું પૈસાદાર થયો છું. આવી રીતે સંતને અગર પરમાત્માને તમારા પાપમાં ઘસડો નહી. સંત અને પરમાત્માની કૃપા પૈસાથી ખરીદી શકાતી નથી. માણસ લોભવશ થઈને ધર્મ તરફ વળે છે. પરમાત્મા પાસેથી કાંઈક મળશે તે લોભથી પ્રાર્થના કરે છે તે નિત્યયુક્ત - એકભક્તિ ના કહેવાય. પ્રલોભન અગર ભયથી નહી, પરંતુ પ્રેમથી ખેંચાઈને પ્રભુ પાસે જાય તે નિત્યયુક્ત જ્ઞાની કહેવાય. મરણના ભયથી ઘરડાઓ પરમાત્મા તરફ વળે તે જ્ઞાની નહી. આવા લોકો ધર્મને ભયની અને લોભની ભાષામાં ભણ્યા છે. પરમાત્મા તરફનો પ્રેમ બંને પક્ષે conditional હોય તો તે ખોટો પ્રેમ છે. ઊંધા મૂકેલા ઘડા ઉપર પણ વરસાદ તો વરસે જ તેમ પરમાત્મા તો વિમુખ જીવોનું પણ કલ્યાણ ઈચ્છે છે. સૂર્ય તો પાપીના ઘરમાં પણ અજવાળું કરવા તૈયાર છે. જે લોભ અગર ભયથી પરમાત્મા બાજુ વળે છે તેનો ઘડો ઊંધો છે. તત્ત્વે કરીને સમજણપૂર્વક પરમાત્માની સન્મુખ થાય તે જ્ઞાની.