યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી, (તેથી) આ મૂઢલોક અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. (૨૫)
ભાવાર્થ:
અવ્યક્તં વ્યક્તિમાપન્નં - અવ્યક્તમાંથી વ્યકત થવું. પરમાત્મા પ્રગટ થાય છે એટલે કે રૂપાદિત - રૂપ, આકારવાળા થાય છે. - શરીરમાં દેહમાં અભિવ્યક્ત થાય છે. બલ્બનો કલર - આકાર હોય - ઈલેક્ટ્રીસીટીનો આકાર ન હોય. બલ્બ ફક્ત ઈલેકટ્રીસીટીને અભિવ્યક્ત થવાનું સાધન છે. બલ્બનું નામ - રૂપ - ગુણ હોય - ઈલેકટ્રીસીટીનું નામ - રૂપ - ગુણ ન હોય.
પરંતુ જે માત્ર નામ - રૂપ - ગુણ આગળ જ અટકી જાય છે તે નાસમજ માણસો છે. ઈલેકટ્રીસીટીનો આવિર્ભાવ ગોળામાં થાય છે. બ્રહ્મનો (કૃષ્ણનો) આવિર્ભાવ દેવકીના દીકરામાં થયો. પરંતુ કૃષ્ણની મૂર્તિમાં જ માણસ અટવાઈ જાય અને તેમાં આવિર્ભૂત થયેલા અમૂર્ત બ્રહ્મને ભૂલી જાય છે તે નાસમજ છે.
જે માણસ આકારમાં નિરાકારને દેખે, વ્યક્તમાં અવ્યક્તને દેખે, સ્થૂળમાં સૂક્ષ્મને દેખે, જડમાં ચેતનને દેખે, તે જ બુદ્ધિમાન છે. તેમ કૃષ્ણની મૂર્તિમાં અમૂર્ત પરમાત્માને દેખે તે બુદ્ધિમાન છે.
સગુણ સાકાર કમળમાં તુલસીદાસજીને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ દેખાય.
ચો.
ફૂલે કમલ સોહ સર કૈસા, નિર્ગુણ બ્રહ્મ સગુણ ભએ ઐસા.
(કિષ્કિન્ધાકાંડ દોહા - ૧૬/૨)
આકારની પાછળ સદાકાળ નિરાકાર છુપાયેલો છે.
સગુણની પાછળ સદાકાળ નિર્ગુણ છુપાયેલો છે.
બાપમાં - દીકરામાં - પત્નીમાં - નોકરમાં જેને માત્ર શરીર દેખાય તેને કૃષ્ણની મૂર્તિમાં ભગવાન ન દેખાય. એક વખત જેને મૂર્તિમાં ભગવાન દેખાય તેને તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિમાં જરૂર ભગવાન દેખાય.
ચેતનાને અભિવ્યક્ત થવા માટે આકાર પકડવો જ પડે. આકાર વગર કોઈ અભિવ્યક્તિ સંભવ નથી. મારે બોલવું હોય અગર કોઈ વિચાર વ્યક્ત કરવો હોય તો મારે સાકાર શબ્દ પકડવો જ પડે. અર્થ - વિચાર નિરાકાર છે. - શબ્દ સાકાર છે.
તમામ વસ્તુઓ જયારે પણ પ્રગટ થશે, ત્યારે રૂપ - આકાર લેશે અને રૂપ - આકાર લેતાની સાથે રૂપ - આકાર દેખાશે અને રૂપ - નિરાકાર સંતાઈ જશે..
નિરાકારને જાણવા માટે સાકરની ઉપર ઉઠવું પડશે. મરી ગયા પછી આત્મા ક્યાં જાય છે તે સવાલ જ ખોટો છે. જીવતા જીવતા પણ આત્મા તો ક્યાંય જતો નથી. શરીર જ બધે જાય છે. ફરે છે. શરીરની અંદર એક અચળ આત્મા બેઠો છે, તે ક્યાંય જતો નથી.
ભગવાન કહે છે -
ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ । ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ॥
(ગીતા - ૨/૧૨)
ચાલવું - બોલવું - ખાવું - જન્મવું - મરવું આ બધી ક્રિયાઓ શરીરની (સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ શરીરની) છે. આત્માની નથી. આત્મા તો અક્રિય - નિષ્ક્રિય છે. નિર્ગુણ નિરાકાર આત્મા કાંઈ કરતો નથી. પરંતુ તેની ઉપસ્થિતિમાં તેના સાંનિધ્યને લીધે તેની સત્તાથી ઉપરોક્ત ત્રણ શરીરો બધી તમામ ક્રિયાઓ કરે છે. આત્માની કોઈ સીમા નથી, આત્મા તો અસીમ છે.
ધ્યાનનો અર્થ છે સાકારથી નિરાકાર તરફની યાત્રા અને જ્યાં નિરાકાર છે ત્યાં આનંદ છે. પરમાત્માનું સત્ - ચિત્ત - આનંદ સ્વરૂપ છે. જ્યાં સત્ - ચિત્ત - આનંદનો વાસ છે અને તે નિરાકારમાં છે. પરંતુ જો તે સાકારમાં ખોળવા જશો, ત્યાં તેમાં સત્ નહી મળે - અસત્ આભાસ મળશે. સત્ એટલે અસ્તિત્વ - existence અસત્ એટલે આભાસ. ચિત્ એટલે ચૈતન્ય.
મકાનમાં બેઠેલા માણસને નિરાકાર આકાશ પણ બારીના ચોકઠાં મારફતે બારીના ચોકઠાનું સાકાર આકાશ દેખાય. નિરાકાર આકાશ જોવા માટે તેણે મકાનની બહાર નીકળવું પડે, તેવી રીતે સ્થૂળ - સૂક્ષ્મ - કારણ શરીરો જે યોગમાયા પ્રકૃતિના by-products છે તે શરીરોમાં અધ્યાસવાળા શરીરોમાં બેઠેલાને બહાર બધે જ નિરાકાર બ્રહ્મ સાકાર જ દેખાય. પહેલા પોતે પોતાની અંદર નિરાકાર (બ્રહ્મ) દેખે તો જ તે બહાર બધે નિરાકાર (બ્રહ્મ) દેખી શકે. આપણી ઇન્દ્રિયો (ઝરોખા - ચોકઠાં) આકારને નિર્માણ કરે છે. કારણ કે ઇન્દ્રિયો સાકાર છે - નિરાકાર નથી. સાકાર ઇન્દ્રિયઓથી નિરાકારનો સ્પર્શ નહીં થઇ શકે. શરીરની બહાર નીકળો out of body experience તો નિરાકાર દેખાય. તે દિવસે તમારું જીવન જુદા જ પ્રકારનું બની જાય.