Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ ।

યજ્જ્ઞાત્વા નેહભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥ ૨॥

જ્ઞાનમ્ તે અહમ્ સવિજ્ઞાનમ્ ઇદમ્ વક્ષ્યામિ અશેષતઃ।

યત્ જ્ઞાત્વા ન ઇહ ભૂયઃ અન્યત્ જ્ઞાતવ્યમ્ અવશિષ્યતે॥

યત્ - જેને

જ્ઞાત્વા - જાણીને

ભૂયઃ - ફરી

ઇહ - આ સંસારમાં

અન્યત્ - બીજું કંઈ પણ

જ્ઞાતવ્યમ્ - જાણવા યોગ્ય

ન અવશિષ્યતે - બાકી રહેતું નથી

અહમ્ - હું

તે - તને

ઇદમ્ - આ

જ્ઞાનમ્ - (મારા) જ્ઞાનને

સવિજ્ઞાનમ્ - રહસ્ય સહિત

અશેષતઃ - સંપૂર્ણપણે

વક્ષ્યામિ - કહીશ (કે)

હું તને વિજ્ઞાન (અનુભવજ્ઞાન) સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું કાંઈ બાકી રહેતું નથી. (૨)

ભાવાર્થ

સવિજ્ઞાનમ્ જ્ઞાનમ્ - રહસ્ય (Mystery) સહિતનું તત્ત્વજ્ઞાન. આ શ્લોકમાં ભગવાન 'સત્ય' નહીં - રહસ્ય(mystery) કહે છે. આ રહસ્યને કહેવા માટે 'સત્ય' શબ્દ બહુ ટૂંકો પડે.

ઉપનિષદની કથામાં - શ્વેતકેતુ બધું જાણી - ભણીને આવ્યો, ત્યારે તેના બાપે પૂછ્યું : એવું શું છે જે જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી?" (Master key)

એટલા માટે ભગવાન આ શ્લોકમાં નથી કહેતા કે હું તને સત્ય કહીશ. પરંતુ કહે છે કે હું તને જે કહીશ તે રહસ્ય છે કે જે જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી.

સંતોએ કદાપિ સત્યનો દાવો નથી કર્યો - રહસ્યની ઘોષણા કરી છે. સત્ય તો પૂરેપૂરું કોઈ સમજી શક્યું નથી.

જ્ઞાનની ઘોષણા અજ્ઞાનની સાબિતી છે.

અશેષતઃ વક્ષ્યામિ - હું તને બધું જ પૂરેપૂરું કહી દઈશ.

જે કહી શકાય છે તે કહી દઈશ. જે નથી કહી શકાતું તે પણ (બધું જ) કહી દઈશ. છતાં તું કેટલું ગ્રહણ કરે છે તે તારી ઉપર આધારિત છે. છતાં તેને શબ્દોમાં જેટલું ના સમજાયું તે અર્જુનને અગિયારમા અધ્યાયમાં દિવ્યદ્રષ્ટિ આપીને દેખાડયું.

There are things which cannot be said but can be shown.

આજકાલ જ્ઞાન (પુસ્તકિયા જ્ઞાન) બહુ વધી ગયું છે, છતાં અજ્ઞાન હટતું નથી. દર અઠવાડિયે ૧૦ હજાર ટન નવા પુસ્તકો આ દુનિયામાં પ્રકાશિત થાય છે. થોડા વખત પછી પૃથ્વી કરતા પુસ્તકોનું વજન કદાચ વધી જશે!

આટલું બધું જ્ઞાન અને છતાં માણસના અજ્ઞાનનો હિસાબ નથી, કારણ કે તેની પાસે Master key નથી - જે જાણ્યા પછી કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. આ શ્લોકમાં ભગવાન કહે છે - હું તને Master key આપીશ. નવમાં અધ્યાયના પહેલા શ્લોકમાં પણ ભગવાન ફરીથી કહે છે કે -

ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે ।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥

(ગીતા અધ્યાય - ૯/૧)