Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ ૧૪॥

દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા ।

મામ્ એવ યે પ્રપદ્યન્તે માયામ્ એતામ્ તરન્તિ તે ॥

યે - (પરંતુ) જે પુરુષો

મામ્ - મને

એવ - જ

પ્રપદ્યન્તે - નિરંતર ભજે છે

તે - તેઓ

એતામ્ - આ

માયામ્ - માયાને

તરન્તિ - તરી જાય છે.

હિ - કેમ કે

મમ - મારી

એષા - આ

દૈવી - અલૌકિક

ગુણમયી - ત્રિગુણમયી

માયા - માયા

દુરત્યયા - તરવી મુશ્કેલ (છે)

કેમ કે મારી આ ગુણમયી દૈવી માયા ઓળંગવી મુશ્કેલ છે, જેઓ મારે જ શરણે આવે છે, તેઓ આ માયાને ઓળંગે છે. (૧૪)

ભાવાર્થ

પ્રકૃતિ દુસ્તર છે. Arduous છે. પ્રકૃતિ મહાન શક્તિ છે, કારણ કે તે પરમાત્માની શક્તિ છે. અત્યંત કઠણ છે, કારણ કે તેનાથી તો આખું જગત નિર્માણ થયેલું છે. આપણું શરીર, મન, બુદ્ધિ, અહંકાર બધું જ પ્રકૃતિથી નિર્માણ થયેલું છે. એટલે આપણે પ્રકૃતિથી જ પ્રકૃતિને લડાવી રહ્યા છીએ. એટલે અચૂક હારવાના જ છીએ માટે પ્રકૃતિ દુસ્તર છે.

પરંતુ માણસ જો પરમાત્માને સમર્પિત થઇ જાય તો દુસ્તર હોવા છતાં તે માયાને સરળતાથી તરી જાય, કારણ કે આખરે માયા છે તો પરમાત્માની જ શક્તિ.

"મામેવ યે પ્રપદ્યન્તે" એટલે કે મારુ જ જે નિરંતર ભજન કરે છે.

પરમાત્માનું ભજન એટલે દિવસમાં માત્ર અમુક થોડો વખત માળા ફેરવવી અગર કાંસીજોડાં કૂટવા એટલું જ નહીં, નિરંતર ભજન એટલે પ્રતિપળ પરમાત્માનું સ્મરણ - પરમાત્મામાં સુરતા રહેવી તે.

ગુજરાતી સંત કવિઓ કહે છે -

સુરતા લાગી રે જેની ભ્રમણાઓ ભાગી

સુરતા લાગી રે જેની ભ્રમણાઓ ભાગી તેની

સુરતા રે લાગી

સુરતા લાગી રે એક ભક્ત પ્રહલાદને

તાતનો ત્રાસ જેણે હૃદયે નવ ધરિયો

જેની સુરતા રે લાગી

મચ્છને જળની સાથે પ્રીત બંધાણી

મરતા લગીરે જેની તૃષ્ણા નવ ત્યાગી

જેની સુરતા રે લાગી

પતંગ ને દીપક સાથે પ્રીત બંધાણી

તન મન અર્પી જેને દેહ દમી છે

જેની સુરતા રે લાગી

નટે રે ખેલ રચીયો, રચીયો ચોગાનમાં

દોર વિનાનું બીજું અવર નવ દેખે

જેની સુરતા રે લાગી

મરજીવા સંત જેણે મન વશ કીધા

પેસી સાગરમાં મોતી વીણીને લીધા

જેની સુરતા રે લાગી

હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને,

પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.

પરમાત્માની સતત સ્મૃતિ કેવી?

જીમી તીરીયાં પ્રિહર બસે સુરતિ રહે પ્રિય માંહી

તીમી જન યહ જગમેં બસે સુરતિ રહે પ્રભુ માંહી.

જીમી નાગરી કો ચિત્ત ગાગરીમેં

માત્ર જીભથી - શબ્દથી પોપટની માફક તોતારટણથી અગર તો ટેપરેકૉર્ડરની માફક નામ રટણથી નહિ, પરંતુ અંતઃકરણના ભાવથી પરમાત્માની સતત સ્મૃતિ રહેવી જોઈએ. મા પોતાના બાળકને શબ્દોમાં કહેતી નથી કે હું તને પ્રેમ કરું છું. તે વગર શબ્દોએ સાચુકલો પ્રેમ જ કરે છે. વગર બોલ્યે માતા માંથી ચારેકોરથી પ્રેમ વહે છે. અનૂઠો પ્રેમ શબ્દહીન, નિ:શબ્દ, મૌન હોય. પ્રેમ કરું છું એવો દાવો નહિ.

ભક્ત એટલે જે ભાવથી મારામાં જીવે તે. પ્રત્યેક પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિમાં મને જુએ - અનુભવે. એની પ્રત્યેક ક્રિયામાં મારા પ્રત્યે જ ભાવ રહે અને મારા રાજીપા માટે તે તમામ કર્મ નિષ્કામ ભાવે કરે. (જુઓ ભક્તના લક્ષણ - ગીતા - ૧૨/(૧૩ થી ૨૦))

આવા ભક્ત આગળ પ્રકૃતિ નિર્બળ બની જાય. મહા - શક્તિશાળી પ્રકૃતિ જે આખા જગતને નચાડે તે ભક્ત, ભક્તિ અને ભગવાન આગળ નાચે.

ચોપાઈ

પુનિ રઘુવીરહિ ભગતિ પિયારી, માયા ખલુ નર્તકી બિચારી

ભગતિહિ સાનુકૂળ રઘુરાયા, તાતે તેહિ ડરપતિ અતિ માયા

રામ ભગતિ નિરુપમ નિરુપાધિ, બસઈ જાસુ ઉર સદા અબાઘી

તેહિ બિલોકિ માયા સકુચાઈ, કરી ન સકઈ કછુ નિજ પ્રભુતાઈ

અસ બિચારી જે મુનિ બિગ્યાની, જાચહિ ભગતિ સકલ સુખ ખાની

(ઉત્તરકાંડ દોહા - ૧૧૫-૧૧૬)

બ્યાપિ રહેલું સંસાર મહુ, માયા કટક પ્રચંડ

સેનાપતિ કામાદિ ભટ દંભ કપટ પાખંડ

(ઉત્તરકાંડ દોહા ૭૧ (ક))

સો દાસી રઘુવીર કૈ, સમુઝે મિથ્યા સોપિ |

છૂટ ન રામ કૃપા બિનુ નાથ કહઉ પદ રોપિ ||

(ઉત્તરકાંડ દોહા ૭૧ (ખ))

ચો:

જો માયા સબ જગહિ નચાવા | જાસુ ચરિત લખિ કાહુ ન પાવા ||

સોઈ પ્રભુ ભ્રૂબિલાસ ખગરાજા | નાચ નટી ઇવ સહિત સમાજા ||

જીવાત્માની તુલનામાં પ્રકૃતિ મહા શક્તિશાળી છે. પરંતુ ભક્ત અને ભગવાનની તુલનામાં તે અત્યંત નિર્બળ છે. માયાની જાળમાં ફસાઈને - માયાના પાશમાં બંધાઈને બધા લોકો ગધેડાની માફક ગજા ઉપરાંતનો ભાર - માલ ઊંચકીને ફરે છે અને તે માલના નફામાં તે માત્ર ગધેડાની માફક ડફણાં જ ખાય છે. એક કુંભાર તેના એકના એક ગધેડા ઉપર ગજા ઉપરાંતનો માલ લાદીને તેને હાંકતો હતો અને બોલતો હતો - "શાબાશ કલ્લુ - શાબાશ હીરા - શાબાશ માણેક" વગેરે જુદા જુદા નામથી અવારનવાર વારંવાર શાબાશી બોલે જેથી કરીને પેલા ગધેડાને એમ લાગે કે હું એકલો જ ભાર નથી ઢહેડતો, પરંતુ મારા જેવા બીજા કલ્લુ, હીરા, માણેક નામના બીજા કેટલાય ગધેડાઓ ભાર ઢહેડે છે. આ પ્રમાણે પેલો કુંભાર માસ સાયકોલોજી (Mass Psychology) નો ઉપયોગ કરીને તેના ગધેડા પાસે ગધ્ધાવૈતરું કરાવતો જાય છે અને નફામાં ડફણાં ઠોકતો જાય છે.

માયાના ડફણાં ખાતા ખાતા બધા ગધેડાઓ સંસારના ગાડાનો ગજા ઉપરાંતનો ભાર ઢહેડતા ફરે છે. "ઘેરઘેર માટીના ચૂલા છે - એકલા મારે એકલાને ઘેર છે એવું નથી" - એમ કહેતા જાય છે અને ચૂલામાં બળ્યા કરે છે, છતાં પરમાત્મા તરફ વળતા નથી.

પરમાત્મા કહે છે કે આ પ્રકૃતિના ત્રણ ગુણ અને પ્રકૃતિના સંમોહનની જાળ એ જ મારી યોગમાયા છે. આ મારી હિપ્નોટિક - સંમોહન શક્તિ છે અને તેમાં જ આખું જગત ચાલી રહ્યું છે, દોડી રહ્યું છે, શાબાશ કલ્લુ અને કલ્લુ દોડયે જાય છે. કોઈ સુંદર સ્ત્રી દેખી, બંગલો દેખ્યો, ખુરશી દેખી કે તુરત જ મન કહે - શાબાશ કલ્લુ - અને કલ્લુ જાય નાઠો. તેમની પાછળ હિપ્નોટાઇઝડ થઈને અને આખરે નફામાં ડફણાં મળે. તે વખતે માત્ર પરમાત્માનું સ્મરણ અને શરણ જ તેને (De-hypnotize) કરી શકે.