Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ ।
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ॥ ૩૦॥

સાધિભૂતાધિદૈવમ્ મામ્ સાધિયજ્ઞમ્ ચ યે વિદુઃ

પ્રયાણકાલે અપિ ચ મામ્ તે વિદુ: યુક્તચેતસઃ

પ્રયાણકાલે - મરણકાળે

અપિ - પણ

યુક્તચેતસઃ - મારામાં એકાગ્ર ચિત્તવાળા થઇ

મામ્ - મને

ચ - જ

વિદુ: - જાણે છે. (પામે છે)

યે - જેઓ

સાધિભૂતઅધિદૈવમ્ - અધિભૂત અને આધિદૈવ સહિત

ચ - તથા

સાધિયજ્ઞમ્ - અધિયજ્ઞ સહિત

મામ્ - મને

વિદુઃ - જાણે છે.

તે - તેઓ

જેઓ અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, તે (મારામાં) જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે, મારામાં લીન બને છે. (૩૦)

ભાવાર્થ :

જે પુરુષ અધિભૂત - અધિદૈવ - અધિયજ્ઞ સહિત તમામના આત્મરૂપ મને જાણે છે તે યુક્તચિત્તવાળો પુરુષ અંતકાળે પણ મને જ જાણે છે, એટલે કે મને જ પ્રાપ્ત થાય છે, મને જ પામે છે.

આ છેલ્લો શ્લોક બહુ જ કિંમતી છે.

જે તમામ ભૂતોમાં (becomingsમાં) મને જ જાણે છે તે અંધકારમાં (મૃત્યુમાં) પણ મને જ જાણે છે.

આપણે બધા અત્યાર સુધી એમ જ જાણીએ છીએ કે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે - જીવન સ્વરૂપ છે - આનંદ સ્વરૂપ છે - પરંતુ પરમાત્મા આ શ્લોકમાં કહે છે જે મને બધામાં જુએ છે તે અંધકારમાં પણ મને જ જુએ છે, દુઃખમાં પણ મને જ જુએ છે, મૃત્યુમાં પણ મને જુએ છે.

જ્યાં સુધી મૃત્યુમાં પણ પરમાત્મા નહીં દેખાય, ત્યાં સુધી અમૃત ઉપલબ્ધ નહીં થાય. જ્યાં સુધી દુઃખમાં પણ પરમાત્મા નહીં દેખાય ત્યાં સુધી આનંદ ઉપલબ્ધ નહીં થાય. જ્યાં સુધી અંધકારમાં પણ પ્રકાશ ના થાય, ત્યાં સુધી પરમાત્મા ઉપલબ્ધ નહીં થાય.

આપણે પ્રાર્થના કરીએ છીએ કે "તમસો મા જ્યોતિર્ગમય" મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ. પરંતુ આ શ્લોકમાં પરમાત્મા કહે છે કે જે તમામ ભૂતોમાં મને જુએ છે તે અંધકારમાં પણ મને જુએ છે. ખરી પ્રાર્થના તો એવી કરવી કે, હે પ્રભો! અંધકારમાં પણ તમે મને દેખાજો. દુઃખમાં/મૃત્યુમાં પણ તમે જ મને દેખાજો. અમૃતમાં મારી ચાહના નથી, મૃત્યુમાં પણ તમે જ મને દેખાજો. આનંદમાં મારી ચાહના નથી, દુઃખમાં પણ તમે મને જ દેખાજો. પ્રકાશની મારી માંગણી નથી, અંધકાર પણ મારે માટે તમારે લીધે પ્રકાશ થજો. તમે ના હો તો પ્રકાશ પણ મારે માટે અંધકાર સમાન છે. મુખ્ય ચાહના મને તમારી છે.

પહેલી પ્રાર્થના કરતા પછીની આ પ્રાર્થના વધારે ગહન અને અનુકૂળ છે. Appropriate છે, કારણકે જગતમાં એક જ તત્ત્વ છે - બે નથી. જેને આપણે અંધકાર કરીએ છીએ તે પ્રકાશનું એક રૂપ છે. Minimum of light is called darkness. જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે અમૃતનું જ એક રૂપાંતરણ છે. અને જેને આપણે દુઃખ - સંતાપ - પીડા કહીએ છીએ, જાણીએ છીએ તે પણ આનંદની યાત્રાનો પડાવ છે.

સુખમ હિ દુ:ખાનિ અનુભૂય શોભતે, ધનાન્ધકારેષુ ઇવ દીપ દર્શનમ |

સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ, ઘૃત: શર્રીરેણ મૃત: સ: જીવતિ ||

પરમાત્મા કહે છે કે અંધારું અને પ્રકાશ, સુખ અને દુઃખ બંને હું જ છું. જીવન અને મૃત્યુ - સૃષ્ટિ અને પ્રલય બધું જ હું જ છું. આપણે જીવનમાં બધું બે ભાગમાં - દ્વૈતમાં - તોડીને જોઈએ છીએ. જયારે પરમાત્મા અદ્વૈતમાં છે - Wholeness માં છે. કોઈ પણ વસ્તુ તમે તોડી નાખો તો તેની પૂર્ણતા નષ્ટ થઇ જાય અને જીવનનું તમામ રહસ્ય તેની પૂર્ણતામાં છે. પૂર્ણતામાં રહેલી વસ્તુ સુંદર દેખાય - પૂર્ણતામાંથી અલગ કરવાથી તે કદરૂપી બની જાય. દાંત મોમાં હોય તો દાડમની કળી જેવા લાગે, પરંતુ તે તોડી નાખો તો હાડકું થઇ જાય.

સ્થાનભ્રષ્ટા: ન શોભન્તે દંતા કેશા: નખા: નરા: |

પૂર્ણતામાં હોય ત્યાં સુધી જ શરીરમાં તમામ અંગો સુંદર દેખાય. અંધકારમાં - મૃત્યુમાં - દુઃખમાં પણ જો પરમાત્મા દેખાય તો તે અંધકાર - મૃત્યુ - દુઃખ પણ સુંદર અને માંગલિક દેખાય અને શોભે.

આ પૂરી જિંદગી - પૂરું વિરાટ એક છે અને જયારે કોઈ તેને એક જ તરેહનું દેખી શકે છે તો તે પરમ સૌંદર્યના અનુભવને ઉપલબ્ધ થાય છે. આ પરમ સૌંદર્ય, ભાગવત સૌંદર્ય, Divine beauty છે.

પરંતુ માણસની બુદ્ધિ સંપૂર્ણને Wholeness ને નથી જોઈ શકતી. માણસની બુદ્ધિ પૂર્ણને ખંડખંડ કરીને જોવા ટેવાયેલી છે.

માણસ જયારે તમામ ભૂતોમાં મને એકને જ જોવાનું શરુ કરશે - વર્ષામાં, વાદળમાં, સૂર્યમાં, પાણીમાં, સુખમાં, દુઃખમાં, મિત્રમાં, શત્રુમાં, શબ્દમાં, મૌનમાં ત્યારે એક દિવસ એવો આવશે - એવી ઘટના ઘટશે કે ક્યાંય વિપરીત રહેશે નહીં - દ્વૈત રહેશે નહીં - બે નહીં બચે - માત્ર એક અદ્વૈત બ્રહ્મ દેખાશે. પ્રતિકૂળમાં પણ પરમાત્મા દેખાશે.

ગીતા, જ્ઞાનયજ્ઞ શબ્દથી સમાપ્ત થાય છે અને મૌનથી શરુ થાય છે.

"ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમો અધ્યાયઃ॥”