Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥

સ: તયા શ્રદ્ધયા યુક્ત: તસ્ય આરાધનમ્ ઈહતે

લભતે ચ તતઃ કામાન્ મયા એવ વિહિતાન્ હિ તાન્

અને :

તતઃ - તેની પાસેથી

મયા - મેં

એવ - જ

વિહિતાન્ - વિહિત કરેલા

તાન્ - તે તે

કામાન્ - ઇચ્છિત ભોગોને

હિ - નિશ્ચય

લભતે - મેળવે છે.

સ: - તે પુરુષ

તયા - તે

શ્રદ્ધયા - શ્રદ્ધા વડે

યુક્ત: - યુક્ત થઈને

તસ્ય - તે દેવની (પ્રતિમાની)

આરાધનમ્ - પૂજા

ઈહતે - કરે છે

ચ - અને

તે શ્રદ્ધાથી યુક્ત થઈને, તે તેનું આરાધન કરે છે અને તે (દેવતા) દ્વારા મેં જ નિર્માણ કરેલા ઇચ્છિત ભોગો પામે છે. (૨૨)

ભાવાર્થ:

શ્રદ્ધયા અર્ચિતુમ્ ઈચ્છતિ - જે કોઈ દેવને (તનુમ્) જે કોઈ માણસ જો પૂર્ણ શ્રદ્ધાથી ભજે તો તે દેવ પ્રત્યે તે દેવમાં રહેલી તે માણસની શ્રદ્ધાને પરમાત્મા પુષ્ટ કરે છે. નાસ્તિક પણ જો શ્રદ્ધાથી જાય તો પામે - આસ્તિક પણ જો શ્રદ્ધા ના હોય તો તે ના પામે.

શ્રદ્ધાનો અર્થ વિશ્વાસ નહી - belief નહી - શ્રદ્ધાનો અર્થ અવિશ્વાસનો અભાવ. હું સૂર્યમાં વિશ્વાસ કરું છું એમ તમે કહો છો? ના. કારણ કે સૂર્યમાં તમને અવિશ્વાસ છે જ નહી.. "મને વિશ્વાસ છે કે આ મારો દીકરો છે" એવું કહેનારને ભૂતકાળમાં અવિશ્વાસ પેદા થયો હોય અગર ભવિષ્યમાં અવિશ્વાસ પેદા થવાની સંભાવના હોય તે જ આવું બોલે. જેનામાં અવિશ્વાસ નથી તે વિશ્વાસ શેને માટે કરે? જેનામાં જરા પણ અવિશ્વાસ ના હોય તેનામાં જ શ્રદ્ધા પ્રગટ થઇ શકે. આંધળો માણસ કહી શકે છે કે મને સૂર્યમાં વિશ્વાસ છે. બાકી જેને આંખ છે - દ્રષ્ટિ છે તેનામાં તો સૂર્ય પ્રત્યે શ્રદ્ધા જ હોય. વિશ્વાસ એ શ્રદ્ધાનું substitute છે, પરંતુ તે નકલી (immitation ) છે. તેનાથી કામ ના ચાલે - આ જગતમાં વિશ્વાસીઓ ઘણા છે, જે દરરોજ ચર્ચમાં ધક્કા ખાય છે. પરંતુ પૂર્ણ શ્રદ્ધાવાળા ધક્કા ખાતા નથી અને ધર્મના બહાને ઝગડા કરતા નથી. વિશ્વાસીઓ બહુ ડરતા હોય છે કે એમના વિશ્વાસનું કોઈ ખંડન ના કરે કે જેથી વિશ્વાસ ડગી ના જાય. શ્રદ્ધા કદી ડગે જ નહી. - ગમે તેટલી વિપરીત દલીલો કરો તો પણ શ્રદ્ધા અભય - fearless છે. ખુદ ભગવાન પણ ના ડગાવી શકે, જયારે વિશ્વાસને નાનું બાળક પણ ડગાવી દે, કારણ કે વિશ્વાસની જડ શ્રદ્ધા જેટલી ઊંડી નથી હોતી.

કોઈ પણ દેવમાં શ્રદ્ધા સ્થાપિત કરો તો પથરો પણ કામ કરી આપે. આર્ત - અર્થાર્થી ભક્તની પણ સાંસારિક મનોકામના કોઈ પણ દેવમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો પૂર્ણ થાય. નિષ્કામ જ્ઞાની ભક્ત જેને કોઈ પણ સાંસારિક કામના નથી, તેનો direct સીધો પરમાત્મા સાથે સંબંધ જોડાય છે.

સકામ ભાવથી પણ આજે કોઈ માણસ કોઈ દેવને ભજવાની શરૂઆત કરશે તો કોક દિવસ તે નિષ્કામ ભાવથી પરમાત્માને ભજવાને પ્રેરાશે અને પરમ લક્ષ્યને પ્રાપ્ત કરશે. પરંતુ કોઈ માણસ તેને જેમાં શ્રદ્ધા હોય તેવા દેવને પણ છોડી દે તો તે રખડી જ પડે.

કોઈ દેવની આરાધનાથી માણસની કામના પૂર્ણ થશે ત્યારે તેને પછીથી કામનાઓની નિરર્થકતા સમજાશે અને ત્યારે તે અનાયાસે નિષ્કામ જ્ઞાની ભક્ત બની જશે. પછી ગલત કામનાઓ અને ગલત દેવો બધું છૂટી જશે અને અસલ દેવોનો પણ દેવ પરમાત્મા પ્રાપ્ત થશે. પરંતુ જ્યાં સુધી અસલ પરમાત્મા અસલ નિષ્કામ જ્ઞાનથી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સકામભાવે પણ ગલત કામનાઓની તૃપ્તિ માટે પણ પરમાત્માના સ્વરૂપભૂત એવા કોઈ પવિત્ર દેવ - દેવીની ઉપાસના કરતા રહેવું જેથી કરીને સાંસારિક સુખોની પ્રાપ્તિ સાથે સાથે દિવ્ય સુખોની પ્રાપ્તિની સંભાવના - શક્યતા ઉભી થશે. દીવો કરવો હોય તો અંધારામાં બેસીને જ થાય. અજવાળામાં બેઠા પછી તો દીવો કરવાની જરૂર જ નથી. તેવી રીતે નિષ્કામ જ્ઞાન પેદા ના થાય ત્યાં સુધી સકામ ભક્તિ - દેવદેવીઓની કરતા રહેવું. માણસ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે પરિપૂર્ણ શ્રદ્ધાથી માગણી કરે તો તે દેવમાં પણ પરમાત્માની શક્તિ પ્રવાહિત થઈને તે દેવ મારફતે પરમાત્મા તેની મનોકામના પૂર્ણ કરે છે.

કોઈ પણ દેવને કરેલી પ્રાર્થના પરમાત્માને પહોંચે છે.

સર્વ દેવ નમસ્કાર: કેશવમ પ્રતિ ગચ્છતિ |

કારણ કે દરેક દેવ પરમાત્માના સ્વરુપભૂત ભગવદ્ભાવપૂર્ણ હોય છે. જેમની મારફતે પરમાત્માની જ કરુણા વહે છે. જે વ્યક્તિ પોતાની કામનાઓની પૂર્તિ માટે જે કોઈ દેવ - દેવીનું પૂજન કરે છે તે દેવ - દેવી પરમાત્મા દ્વારા વિધાન કરેલા ફળને પ્રદાન કરે છે. આ જગતમાં કાંઈ પણ એવું નથી હોતું જે પરમાત્માના વિધાનથી વિપરીત હોય, અગર તો પરમાત્માના નિયમની બહાર હોય. પ્રત્યેક ક્રિયા અને તેનું ફળ પરમાત્માની શક્તિ - ઉર્જાથી જ સંચાલિત થાય છે.