શ્રી ભગવાન બોલ્યા:
હે પાર્થ ! મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતાં તું સંશયરહિત થઈને મને સમગ્રપણે જ જે રીતે જાણી શકે તે સાંભળ. (૧)
ભાવાર્થ:
મયિ આસક્તમનાઃ - મારામાં અનન્ય પ્રેમથી આસક્ત થયેલા મનવાળા
મદાશ્રયઃ - અનન્ય ભાવથી મારામાં પરાયણ, નારાયણ પરાયણ.
અનન્યભાવ: - અનન્યભાવની દશા માત્ર પરમાત્મા પ્રત્યે જ હોઈ શકે. કોઈ પ્રાણી, પદાર્થ, વસ્તુ અગર વ્યક્તિ પ્રત્યે અનન્યભાવ હોઈ શકે નહિ.
બાપ દીકરા ઉપર પ્રેમ કરે, પરંતુ તે અનન્ય ના હોઈ શકે. કારણ કે બાપ તે બાપ જ છે, દીકરો નથી. દીકરો તે દીકરો જ છે, બાપ નથી. પતિ પત્નીને, મિત્ર મિત્રને પ્રેમ કરે તો પણ અન્યભાવ મોજુદ રહે છે - જયારે બીજો મટી જાય તો હું મટી જાઉં. હું પણ ત્યાં સુધી જ હોઈ શકું, જ્યાં સુધી બીજો છે. જ્યાં સુધી "તું" છે, ત્યાં સુધી "હું" છે. "હું" અને "તું" એક જ વસ્તુની, એક જ સિક્કાની બે બાજુઓ છે - બીજો બચ્યા સિવાય પહેલો ના બચી શકે.
અનન્યભાવદશામાં માલિક હોવાનો ભાવ મટી જાય છે. અનન્ય પ્રેમનો અર્થ છે - માત્ર પ્રેમ જ બચે - પ્રેમી અને પ્રેયસી બંને ખતમ. આવા અનન્યભાવને જે ઉપલબ્ધ થાય તે વ્યક્તિ યોગી - ભક્ત કહેવાય. બે વાસણ ટકરાય તો અવાજ થવાનો. એવી જ રીતે આપણા બધા પ્રેમ કલહમાં પરિણમે છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે તો સમજવું કે કલહની તૈયારીમાં પડયા છે. બેમાંથી એકેય બચે નહિ તેને અનન્ય પ્રેમ કહેવાય. જ્યાં માત્ર પ્રેમ જ બચે તે અનન્યભાવ. જ્યાં ભક્ત અને ભગવાન બંને ના બચે માત્ર ભક્તિ જ બચે.
અગર ધર્મ કે જગતમેં પ્રવેશ કરના હૈ તો સ્વયં કો મિટાને કી - મિટને કી સામર્થ્ય ચાહિયે.
(૧) અનન્ય ભાવથી
(૨) તમામ સંશયોથી મુક્ત થઈને
(૩) મારા પરાયણ યોગમાં લગાતાર થઈશ, તો જ તું મને સમગ્રરૂપે જાણી શકીશ.
જીવનમાં જે કાંઈ ગહન સત્યો છે, તે અનન્યભાવ દશામાં જ કહી શકાય. વિવાદ દશામાં, સંશયગ્રસ્ત વ્યક્તિને, જીવનનાં ગહન સત્યો સમજાય નહીં. તર્ક અને સંશયથી મુક્ત (Open minded without any closing) અનન્યભાવથી યુક્ત સંપૂર્ણ શ્રદ્ધા નિષ્ઠાવાળાની આગળ પરમાત્મા પોતાનું સમગ્ર Secret રહસ્ય ખુલ્લું કરી દે છે.
મયિ આસક્તમનાઃ પરમાત્મામાં આસક્ત મનવાળો કોણ થઇ શકે? જે માણસ સંસારથી તમામ પ્રકારે અનાસક્ત થઇ ગયો હોય તે જ પરમાત્મામાં પૂરેપૂરો આસક્ત થઇ શકે, તેને જ 'અનન્ય' કહેવાય.